in

સાપ્તાહિક રાશિફળઃ 10 થી 16 નવેમ્બર 2019

મેષ

આપને ગત સપ્તાહના અંતિમ ચરણમાં શારીરિક પીડા, ખાસ કરીને આંખોમાં પીડા થઇ હશે જે આ સપ્તાહે પહેલા દિવસે બપોર સુધી રહે પરંતુ તે પછી રાહત થઇ જશે. મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. ખોરંભે પડેલાં કાર્યોને આયોજનપૂર્વક પાર પાડી શકશો. શુભ, માંગલિક પ્રસંગોમાં જવાનું થશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે સમય સારો છે. વિદ્યામાં રુચિ વધશે અને ભાવિ કારકિર્દી બાબતે પણ તમે વધુ સક્રિય થશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. સંબંધોનું સુખ આ સપ્તાહમાં સારી રીતે માણી શકશો. ઘણા નવા લોકોને મળવાનું થાય તેમજ હાલના સંબંધોમાં પણ ઘનિષ્ઠતા વધે. આ ઉપરાંત તમે પ્રોફેશનલ મોરચે પણ વધુ સક્રીય થશો. આવકમાં વધારો થવાની આશા રાખી શકો છો જેમાં ખાસ કરીને મધ્ય ચરણમાં તમે એક કરતા વધુ સ્ત્રોતોમાંથી કમાણી કરો તેવી શક્યતા છે. છેલ્લા તબક્કામાં મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય સાચવજો. આ સપ્તાહે તમારે જીવનસાથી જોડે સંબંધોમાં સામીપ્ય રહે પરંતુ અહંના કારણે કોઇ બાબતે ખટરાગ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે.

Advertisements

વૃષભ

સપ્તાહનું પ્રારંભિક ચરણ આપના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યું છે. ઘરમાં પણ પરિવારજનો સાથે આપ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય પસાર કરશો. નાણાંકીય લાભ મળે. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવાય.મિત્રો અને પરિવારજનો સાથે મનોરંજન અને આનંદપ્રમોદમાં વીતે. વાહનસુખની પ્રાપ્તિ થાય. આ બધા પાછળ ખર્ચ થશે, પરંતુ તે આપ ખુશીથી કરશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે. જાહેર સન્‍માન અને પ્રસિદ્ધિના અધિકારી બનો. બીજા અને ત્રીજા દિવસે પેટને લગતી બીમારીઓથી તકલીફ થાય. ખાવાપીવામાં ખાસ ધ્‍યાન રાખવાની સલાહ છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાખશો તો હતાશા નહીં આવે. અચાનક મુસાફરીનો યોગ ઊભો થાય. લેખન- સાહિત્‍ય પ્રવૃત્તિઓમાં આપને વિશેષ રસ પડશે. તે પછીના તબક્કામાં તમે પોતાની જાત માટે વધુ જાગૃત થશો. આ સમયમાં ખાસ કરીને તમે પરિચિતોનું વર્તુળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. હાલમાં આવક અને જાવકનું પલ્લું સંતુલનમાં રાખવાની ખાસ સલાહ છે. કમ્યુનિકેશનમાં તમારે પોતાના શબ્દો અને વાણીમાં સ્પષ્ટતા રાખવી પડશે.

મિથુન

Advertisements

વ્યાપક રીતે વિચાર કરવામાં આવે તો અત્યારે શરીરમાં સ્‍ફૂર્તિનો અને મનમાં ઉત્‍સાહનો અભાવ વર્તાશે. છતાં પણ સપ્તાહની શરૂઆત આપના માટે સારી છે. તમે પ્રોફેશનલ કાર્યોમાં ધ્યાન આપશો અને કેટલાક અટકેલા લાભો મળવાથી આર્થિક સ્થિતિ પણ સુધારા હેઠળ રહેશે. લાંબા ગાળાનું રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરૂઆતમાં ધાર્યું પરિણામ લાવવા માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. સપ્તાહના મધ્યમાં તમારું મન વધુ બેચેન રહેશે. અનિદ્રાની સમસ્યા પણ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે માનસિક શાંતિ જળવાય તેવું કંઇક કરવું જ પડશે. વિચારોમાં સ્થિરતા ન રહેતાં મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાય. છેલ્લા ચરણમાં જોકે સ્થિતિમાં ઘણો સુધારો આવશે. મિત્રો, સગાંસ્‍નેહીઓ, સહકર્મીઓ, ઉપરીઓ, ભાગીદારો અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. આપ વ્યક્તિગત અને વ્યવસાયિક, બંને મોરચે શાંતિનો અહેસાસ થશે. ભાઇભાંડુઓથી આપને લાભ થાય. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થશે. ધંધામાં સાનુકૂળ વાતવારણ રહે. આવકમાં વૃદ્ધિ થાય.તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્‍યવૃદ્ધિની તક સાંપડશે.

કર્ક

અત્યારે પ્રોફેશનલ મોરચે કમાણીનો શોર્ટકટ અપનાવવા અનૈતિક માર્ગ પસંદ ન કરતા. નોકરી- વ્‍યવસાયમાં એકંદરે સારૂં રહે પરંતુ કામમાં વધુ મહેનત કરવાની તૈયારી રાખવી. શરૂઆતમાં આપની માનસિક સ્‍વસ્‍થતા જળવાય. દૂરના અંતરે લોકો સાથે આપનું કમ્યુનિકેશ વધશે. દેશાવર કાર્યો અથવા જન્મભૂમિથી દૂરના અંતરે થતા કાર્યોમાં પ્રગતિની શક્યતા બનશે. કૌટુંબિક અને ગૃહસ્‍થ જીવનમાં સુખશાંતિ રહેશે. અત્યાર સુધી સાચવેલા સંબંધોના કારણે વ્‍યવસાયના ક્ષેત્રે સરકાર કે વિવિધ કંપનીઓમાં ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિથી આપની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાંની વસૂલી કરી શકો. વડીલોના આશીર્વાદ આપની સાથે જ રહેશે. સામાજિક તેમ જ જાહેર સમારંભોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે. છેલ્લાચરણમાં સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્‍ટોમાંથી ઉગારી લેશે. કુટુંબમાં દરેક સભ્યો સાથે મતભેદ ટાળવા. આ સમયમાં આપ જીવનસાથી કે વિજાતિય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો. મુલાકાતો અને સાથે સમય વિતાવવાના પ્રસંગો પણ વધશે. છેલ્લા ચરણમાં આવક સામે કેટલાક અણધાર્યા ખર્ચ પણ થશે, તેથી હાથ કરકસરમાં રાખવો.

Advertisements

સિંહ

કોઇ પ્રકારનું અનિષ્‍ટ ટાળવું હોય તો ક્રોધને કાબૂમાં રાખવાની સલાહ છે. પ્રેમસંબંધો ધીમી ગતિથી આગળ વધશે અને તેમાં ક્યારેય ટકરાવની શક્યતા પણ છે. બીમાર દર્દીને નવી સારવાર કે ઑપરેશન કરાવવા માટે પહેલો દિવસ અનુકૂળ નથી. પહેલા દિવસે મધ્યાહન સુધીનો સમય બાદ કરતા પરિવાર, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. સમાજમાં આપનો માન- મરતબો વધે. તમે અત્યારે કામકાજમાં વિસ્તરણ માટે અથવા કોઇ નવી શરૂઆત માટે કમ્યુનિકેશન પર વધુ ધ્યાન આપશો. જોકે, વાણી સૌમ્ય રાખવાની ખાસ સલાહ છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે મહેનત માંગી લે તેવો તબક્કો છે. અભ્યાસમાં તમારા મિત્રોનો સહકાર મળે પરંતુ તમને સતત વિષયો બદલવાના વિચારો આવશે જેથી સાતત્ય જળવાશે નહીં. બીજા દિવસ પછી આખા સપ્તાહ દરમિયાન ઉત્તમ ભોજન તેમ જ સુંદર વસ્‍ત્ર પરિધાન કરીને બહાર જવાનો પ્રસંગ ઉપલબ્‍ધ થાય. વિજાતીય પાત્રો સાથે મિલન-મુલાકાત સંભવે. આરોગ્‍યમાં થોડી કાળજી રાખશો તો એકંદરે મોટી બીમારીની શક્યતાઓ જણાતી નથી.

કન્યા

Advertisements

આ સપ્તાહની શરૂઆતના ચરણમાં આપ જે કંઈપણ કમાઓ તેમાંથી અમુક હિસ્સો નિઃસ્વાર્થભાવે સેવા કાર્યો પાછળ ખર્ચશો. ધાર્મિક અને જનસેવાના કાર્યોમાં જોડાઇને તમને અલગ પ્રકારની પ્રસન્નતાનો અહેસાસ થશે. પહેલા ચરણમાં તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડે. અભ્યાસમાં ઓછુ મન લાગે પરંતુ ધાર્મિક બાબતોમાં કંઇક નવું જાણવા માટે તમે સક્રિય થશો. સપ્તાહના મધ્યથી સ્થિતિમાં ઘણો ફેરફાર આવશે. આપને તાજગી અને પ્રફુલ્‍લિતતાનો અનુભવ થશે. કોઈના તરફથી ગિફટ મળતાં આપ વધારે આનંદ પામશો. આપ સરળતાથી નકારાત્મક વિચારોને હડસેલી પોતાની આસપાસ પોઝિટીવ ઉર્જા ઊભી કરી શકશો. આપના વર્તન અને પ્રભાવથી લોકો આપના તરફ આકર્ષાશે તેમ જ પોતાની મુશ્કેલીઓના નિવારણ માટે આપનું માર્ગદર્શન ઈચ્છશે. જૂની ઉઘરાણી પતે તેમ જ ફસાયેલા નાણાં અણધાર્યા પાછા આવતા નાણાંકીય બાબતે રાહત રહેશે. સંબંધોમાં પણ સુખાકારી રહેશે પરંતુ તમારે કઠોર સ્વભાવ અને ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે. આ સપ્તાહમાં પ્રોફેશનલ મોરચે સ્પર્ધાની તૈયારી રાખવી પડશે. હરીફોની બાબતે બેદરકારી રાખવી નહીં.

તુલા

આ સપ્તાહ ઘરમાં મહેમાનોનું આવનજાવન રહેશે તમે સામાજિક કાર્યો, પ્રસંગો વગેરેમાં વધુ ધ્યાન આપશો જેથી મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન થશે. મિત્રો, સ્નેહીઓ અને સંબંધીઓ સાથે મિલન-મુલાકાતમાં જ મોટાભાગનો સમય પસાર થશે. મનમાં આનંદ વ્‍યાપેલો રહેશે. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. આ સપ્તાહમાં આપને વડીલવર્ગથી આપને ફાયદો થાય. પૈતૃક મિલકતોને લગતા કાર્યોમાં પણ ફાયદો થાય અને કોઈ બાબતે ગુંચવણ હોય તો ઉકેલ આવી શકે છે. વાહનો, ઇલેક્ટ્રોનિક ચીજો, મશીનરી વગેરેને લગતા કાર્યો છેલ્લા કેટલાક સમયથી ચાલતા હશે તો હવે તેનો ઉકેલ આવી શકે છે. સપ્તાહના મધ્યમાં ખર્ચ વધતા નાણાંભીડ અનુભવવી પડે. આધ્યાત્‍મ અને ઇશ્વરની પ્રાર્થનાથી રાહત મળશે. કોઈપણ સંજોગોમાં સિદ્ધાંતો સાથે સમાધાન નહીં કરો અને મક્કમતા નહીં ડગવા દો તો ફતેહ જરૂર મળશે. અંતિમ ચરણમાં આપનામાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેમ લાગશે. આપ ખૂબ તાજગી અને સ્ફુર્તિ અનુભવશો. વેપારી વર્ગ માટે સારો સમય છે. જો પ્રોફેશનલ હેતુથી લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશગમનનું આયોજન કરી રહ્યા હોવ તો તેમાં પણ સફળતા મળી શકે છે.

Advertisements

વૃશ્ચિક

તમારામાં સપ્તાહની શરૂઆતમાં રોમાન્સની લાગણી વધુ રહેશે. આ કારણે વિજાતીય સંબંધોમાં તમે વધુ ઝુકેલા રહેશો. પ્રથમ ચરણ તમને પ્રોફેશનલ મોરચે પણ સક્રિય રાખશે. ખાસ કરીને નોકરિયાતો માટે પોતાનું કૌશલ્ય પુરવાર કરીને આગળવાનો માર્ગ ઘડવાનો સમય છે તેમ કહી શકાય. આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે તમે સક્રિય થશો પરંતુ આ દિશામાં કરેલા પ્રયાસોમાં કોઇ ખોટી ભ્રમણામાં ના રહો તેનું ધ્યાન રાખવું અન્યથા નકુસાનનો ભોગ બની શકો છો. લાંબાગાળાના રોકાણ માટે ગંભીરતાથી વિચારશો. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય જણાય છે. પરંતુ ઊંડા અભ્યાસમાં અત્યારે મહેનત વધારવી પડશે. સપ્તાહના મધ્યમાં તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી થશો. છેલ્લા ચરણમાં શક્ય હોય ત્યાં સુધી કંઇપણ ના કરવામાં મજા છે. તમારું મન વિચારોમાં વધુ પડતું ઘેરાયેલું રહેવાથી તમે અપેક્ષિત પરફોર્મન્સ ના આપો તેવું પણ બની શકે છે. આ તબક્કો કમ્યુનિકેશન અને કોઇપણ વ્યક્તિ સાથે વાતચીતમાં વધુ સ્પષ્ટતા રાખવાનો છે તેમ કહી શકાય. તમારી વાણીમાં જેટલી પારદર્શકતા હશે તેટલો વધુ ફાયદો થશે.

ધન

Advertisements

જો લાંબાગાળાનો વિચાર કરીએ તો તમે કેટલીક ભ્રામક સ્થિતિઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે પોતાના પ્રયાસો છોડી દો. અસલમાં અત્યારે તમારે પોતાની અંદરના ઉત્સાહને જગાડવાની જરૂર છે. આમ કરવાથી સંખ્યાબંધ પડકારો સરળતાથી ઝીલી શકશો. પરિવારની સાથે સાથે પ્રિયપાત્રને પણ તમે વધુ મહત્વ આપશો અને તેમની અપેક્ષાઓ સંતોષવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરશો. જોકે, તમને પણ સંબંધોમાં પુરતો અવકાશ આપવાની સલાહ છે. જેમ-જેમ સમય જશે તેમ જીવન પ્રત્યે વધુ સકારાત્મક અભિગમ રાખીને તમે દરેક શાંતિપૂર્વક ઉકેલવાની વૃત્તિ કેળવશો. આમ કરવાથી ખાસ કરીને સપ્તાહના મધ્યમાં પ્રોફેશનલ મોરચે સારો ફાયદો થઇ શકે છે. તમે આ સમયમાં જૂના સંપર્કો તાજા કરશો. તેમને ફોનથી, ઇમેલથી કે સોશિયલ પ્રવૃત્તિ દ્વારા આગળ વધારશો. વિદ્યાર્થીઓ માટે પ્રારંભિક તબક્કો સારો છે. તમે અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય મામલે ખાસ કરીને સપ્તાહના મધ્યનો તબક્કો સાચવજો.

મકર

આ સપ્તાહે તમે કોઈપણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા અને યશ મળે. સાથે સાથે આપને મનોરંજનની દુનિયામાં મહાલવાની તક મળે. પ્રેમસંબંધોમાં પણ તમે વધુ ઝુકેલા રહેશો અને વિજાતીય પાત્રો અથવા જીવનસાથી જોડે તમારે તે તાલમેલ રહેશે તેમાં આ બાબતે સ્પષ્ટ દેખાઇ આવશે. વ્યવસાય કરતા હોય તેમને ભાગીદારો સાથે લાભદાયક વિચારવિમર્શ થાય. સરકારી કાર્યોમાં વિઘ્નો હશે તો દૂર થાય. સપ્તાહની શરૂઆતમાં પરિવારને લગતી બાબતોમાં તમે વધુ ધ્યાન આપશો અને પરિવાજનોની દરેક જરૂરિયાતો સંતોષવા માટે પ્રયાસ કરશો. સંતાનો સંબંધિત બાબોતોમાં સપ્તાહના મધ્યમાં તમે વધુ ધ્યાન આપી શકશો. છેલ્લાચરણમાં નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે વિચાર વિમર્શ થાય. આરોગ્‍ય સુખાકારી આમ તો જળવાઇ રહેશે પરંતુ છેલ્લા બે દિવસમાં તમારે સહેજ પણ ગાફેલ રહેવું નહીં અન્યથા નાની સમસ્યા મોટુ રૂપ લઇ શકે છે. ખાવાપીવાની આદતોમાં થોડી નિયમિતતા અને કસરત પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન જળવાશે પરંતુ શક્ય હોય ત્યાં સુધી ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું.

Advertisements

કુંભ

આ સપ્તાહમાં તમે અગાઉની નિષ્ફળતા અથવા અગાઉ કરેલી ભૂલો પર આંસુ સારવાનું છોડી, તે પરિસ્થિતિ સુધારીને સફળતા મેળવવા પ્રયત્ન કરશો. આપના મનમાં શરૂઆતથી જ લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે. દોસ્‍તો, સ્‍વજનો અને સગાંવ્‍હાલા સાથે મુલાકાતથી આપનું મન પુલકિત થઇ જશે. મિત્રવર્તુળ સાથે ઉત્તમ સમય વિતાવો તેવી શક્યતા છે. સાથે સાથે પરિવાર પણ આપના માટે પ્રાથમિકતાએ રહેશે જેથી પરિવારની ખુશી માટે તમે વધુ કમાણી કરવામાં તેમજ વધુ મહેનત કરવામાં પાછા નહીં પડો. આમ કરવાથી પરિવારના સભ્યોમાં તમારું માન વધશે. પ્રવાસ, પર્યટન, સુંદર ભોજન અને પ્રિયજનના સહવાસથી આપ રોમાંચિત રહેશો. પ્રેમસંબંધો બાબતે ખાસ કરીને છેલ્લા બે દિવસમાં આપને નકારાત્‍મક માનસિક વલણ ન રાખવાની સલાહ છે. પ્રોફેશનલ બાબતોમાં તમે આયોજનપૂર્વક અને ખૂબ જ સારી બૌદ્ધિકતાથી આગળ વધશો. તમારા વિચારોમાં આવેલી નવીનતા તમને નવા મુકામ સુધી પહોંચાડી શકશે. આરોગ્યનો વિચાર કરીએ તો ખાસ કરીને સ્નાયુ કે સાંધાના દુખાવાની ફરિયાદ રહેશે. શરીરની ગરમી, હરસ, ત્વચાની બળતરા હોય તેમણે પણ અત્યારે ધ્યાન રાખવું પડશે.

મીન

સપ્તાહના આરંભમાં તમારામાં નવો ઉત્સાહ અને નવો આશાવાદ રહેશે. આ કારણે તમે જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ રાખીને કોઇ નવું આયોજન કરો, નવા સંબંધોની શરૂઆત કરો અથવા વર્તમાન સંબંધોને નવા શિખર સુધી લઇ જવા માટે સક્રિય થાવ તેવી શક્યતા છે. બેશકપણે તમે પોતાની જાત માટે ખર્ચ કરવામાં પાછા નહીં પડો. જોકે, તેનાથી તમારા ખિસ્સા પર બહુ ભારણ નહીં આવે કારણ કે પહેલા ચરણમાં જ તમે કમાણી પર ધ્યાન કેન્દ્રિત કરીને બેંક બેલેન્સ વધારવાનું પણ વિચારશો. નાણાંનું મહત્વ તમે સારી રીતે સમજતા હોવાથી બચત પણ કરશો. પરિવારમાં સુલેહ- શાંતિ જળવાય. નોકરી ધંધામાં પણ આપને સાથી કાર્યકરોનો સારો સહકાર સાંપડશે. જોકે તમારા કાર્યોમાં અત્યારે કોઇ મોટો ફેરફાર કરવાનો હોય તો અચાનક અથવા અવિચારી નિર્ણય લેવાનું ટાળજો. છેલ્લા ઘણા સમયથી તમારા કાર્યોમાં ગતિ ધીમી હતી તેમાં હવે થોડો સુધારો દેખાવા લાગશે. વિદ્યાર્થીઓ માટે હાલમાં સારો સમય છે. શરૂઆતથી જ તમે કારકિર્દીમાં પ્રગતિ માટે વધુ સક્રિય રહેશો. આ સપ્તાહે તમારી સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેશે. જોકે, હૃદયના ધબકારાની અનિયમિતતા, માથામાં દુખાવો અથવા આંખોમાં બળતરા જેવી સામાન્ય સમસ્યા થઇ શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

11 નવેંબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

સમગ્ર મુંબઈને ગુજરાતી વાનગીઓ પાછળ પાગલ કરનાર ‘ભેલકવીન’ નીલા મહેતાનું થયું અવસાન