ગામડા ની મજા

Please log in or register to like posts.
News

ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય…,

આંગણિયે આવકારો હોય…
મહેમાનોનો મારો હોય…!

ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,

રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય…!

સત્સંગ મંડળી જામી હોય…
બેસો તો ! સવાર સામી હોય..,

જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય…!

વહુને સાસુ ગમતાં હોય…
ભેળાં બેસી.. જમતાં… હોય..,

બોલવામાં સમતા હોય…
ભૂલ થાય તો નમતાં હોય…!

છોકરાં ખોળામાં રમતાં હોય…
આવી માની મમતા હોય..,

‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય…
આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !

નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,

માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય…
માનો તો ભગવાન બુદ્ધ હોય..!

ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય…,

મહેનત કરીને ખાતાં હોય…
પાંચમાં પૂછાતાં હોય..!

દેવ જેવા દાતા હોય…
પરબે પાણી પાતાં હોય…,

ભકિત રંગમાં રંગાતા હોય…
પ્રભુનાં ગુણ ગાતા હોય…!

ઘી-દૂધ બારે માસ હોય…
મીઠી-મધુર છાસ હોય…,

વાણીમાં મીઠાશ હોય…
રમઝટ બોલતા રાસ હોય…!

પુન્ય તણો પ્રકાશ હોય… ત્યાં નકકી…
માતાજી નો.. વાસ હોય..,

કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય…,

ગ્રાહકોનાં એવાં માન હોય…
જાણે મળયા ભગવાન હોય…!

સંસ્કૃતિની શાન હોય…
ત્યાં સુખીએનાં સંતાન હોય…,

એક ઓશરીએ રૂમ ચાર હોય,
સૌનું ભેળું જમણવાર હોય…,

અતિથીને આવકાર હોય…
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય…!

કુવા કાંઠે આરો હોય…,
નદી કાને કિનારો હોય…,

વહુ-દીકરીનો વર્તારો હોય…
ધણી પ્રાણથી પ્યારો હોય !

કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય…
મોટા સૌનાં મન હોય…,

હરિયાળાં વન હોય…
સુગંધી પવન હોય…!

ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય…,

માનવી મોતીનાં રતન હોય…
પાપનું ત્યાં પતન હોય…!

શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ… અથડાતો હોય.., .

મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહિમા ગાતો હોય,

પછી તેની… કલમે.. લખાતો હોય…
ભઈ ……………..ભાઈ …. ..

-પ્રવીણ અમીન

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.