સરદાર વલ્લભભાઇ પટેલને એમની 142મી જન્મજયંતીના પાવન પ્રસંગે કોટી કોટી વંદન.

Please log in or register to like posts.
News

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક્દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો કારણકે કેટલીક વખત કલ્પનાઓની દુનિયામાં આંટા મારવાથી વાસ્તવિક દુ:ખોમાં થોડી રાહત થતી હોય છે. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા.

ગાંધીજીએ સરદારને પુછ્યુ, “ વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?” ગાંધીજી સહીત બધાને સરદારનો જવાબ સાંભળવાની ઇચ્છા હતી બધા સાવધાન થઇ ગયા અને સરદારે ખુબ સહજતાથી કહ્યુ, “ બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ.” ( મલતબ કે સન્યાસી બનીશ) સરદાર સાહેબની આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.

સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી સાચી સાબિત કરીને બતાવી. સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓ પણ સરદારના શીરે જ રાજમુટુક મુકવાની દરખાસ્ત રજુ કરતી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે ? આ ગામના સરપંચનું પદ જતુ કરવાની વાત નહોતી. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાનનું પદ જતુ કરવાનું હતુ અને સરદાર પટેલે બહુ સહજતાથી ગાંધીજીના એક ઇશારે આ પદ જતુ કરી દીધુ.

સરદાર સાહેબના અવસાન પછી એમના અંગત નામે માત્ર 237 રૂપિયાની બેંક બેલેન્સ હતી ( આ રકમ બધા જુદી જુદી બતાવે છે પણ 250 રૂપિયાથી વધતી નથી) આનાથી મોટો બીજો ક્યો સન્યાસી હોય ? ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પદ પર 3 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા પછી પણ એની મીલ્કત માત્ર આટલી જ હોય એની કોઇ કલ્પના પણ કરી શકે ખરા ? સરદાર પટેલ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ કોંગ્રેસ પક્ષના ખજાનચી હતા. પક્ષની તમામ નાણાકીય વ્યવસ્થા સરદાર સાહેબ સંભાળતા હતા.

પિતાજીના અવસાન બાદ જ્યારે દિકરી મણીબેને પક્ષના હીસાબની બધી જ વિગતો પક્ષના નેતાઓને આપી ત્યારે કેટલાકના મોઢા પહોળા થઇ ગયા હતા એટલુ મોટુ ફંડ સરદારે પોતાના સંબંધોના આધારે ભેગુ કરેલુ હતુ પરંતુ ક્યારેય એક રાતી પાઇ પણ એમણે પોતાના માટે નથી વાપરી. પહેરવાના ચશ્મા પણ 30-30 વર્ષથી એકના એક ચલાવે. વાંચવાના ચશ્માની દાંડી તુટી જાય તો દોરી બાંધીને ખેંચ્યે રાખે પણ નવા ચશ્મા લેવાનું નામ નહી. એકવાર ત્યાગીજીએ આવી કંજુસાઇ કેમ કરો છો ? એવુ કહ્યુ ત્યારે સરદાર પટેલે કહ્યુ હતુ કે આ કંજુસાઇ નહી કરકસર છે. હું કે મણીબેન ક્યાંય કમાવા માટે જતા નથી આ તો બધા પ્રજાના પૈસા છે એટલે બને એટલા ઓછા વાપરવા જોઇએ.

બહુ ઓછા લોકોને ખબર હશે કે કામચલાઉ સરકારમાં સરદાર પટેલને જ્યારે ગૃહખાતુ સોંપવામાં આવ્યુ ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે સરદારને રહેવું ક્યા ? કારણકે દિલ્હીમાં સરદારનો પોતાનો કોઇ બંગલો તો ઠીક એક નાનુ સરખુ મકાન પણ નહોતું. અરે દિલ્હીની ક્યાં વાત કરો છો આખા દેશમાં ક્યાંય કોઇ સ્થવર મિલ્કત વલ્લભભાઇ પટેલના નામે નહોતી. બાપુજીની મિલ્કતમાંથી પણ એમણે ભાગ જતો કર્યો હતો. દિલ્હીના ઉદ્યોગપતિ બનવારીલાલ શેઠે સરદાર સાહેબને રહેવા માટે પોતાનો ખાલી બંગલો આપ્યો અને ઓરંગઝેબ રોડ પરનો આ બંગલો સરદાર સાહેબની સાધુતાનો સાક્ષી બનીને રહ્યો.

કંચન અર્થાત ધનસંપતિ માટે જગતભરમાં કેવા ખેલ ચાલી રહ્યા હતા એ આપણે ઇતિહાસમાં વાંચ્યુ છે અને આજે ચાલી રહ્યા છે એ આપણે રોજે રોજ જોઇએ છીએ ત્યારે સરદાર સાહેબ ખરા અર્થમાં કંચનના ત્યાગી હતા.

વલ્લભભાઇએ પોતાના જીવનસંગીની ઝવેરબાનો સાથ ગુમાવ્યો ત્યારે એમની ઉંમર 33 વર્ષની હતી. એ સમયમાં તો પાટીદારમાં એક ઉપર બીજી પત્નિ પણ લાવવામાં આવતી મતલબ કે એક પત્નિ જીવતી હોવા છતા બીજી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવતા. વલ્લભભાઇની તો ઉંમર પણ બહુ નાની હતી અને સાવ નાના બે સંતાનોની જવાબદારી પણ એમના માથે હતી આથી એમના પુન:લગ્ન માટે પરીવારમાંથી દબાણ શરુ થયુ પણ વલ્લભભાઇ આ માટે તૈયાર ન હતા.

વલ્લભભાઇના ચારિત્ર્ય પર કોઇએ આંચળી ચીંધી હોય. આ 42 વર્ષનો ઇતિહાસ તપાસો તો પણ ખબર પડે કે સરદાર સાહેબે એમના જીવનની કોઇ અંગત પળો રહેવા દીધી જ નહોતી. બહાર હોય ત્યારે લોકો અને કાર્યકરોથી ઘેરાયેલા હોય અને જ્યારે ઘરે હોય ત્યારે દિકરી મણીબેન સાથે હોય. પુરુષ તરીકે તમારી પાસે પદ અને પ્રતિષ્ઠા બંને હોય ત્યારે સ્ત્રીથી પોતાની જાતને દુર રાખવી એ કોઇ સાચો સાધુ જ કરી શકે બાકી કોઇનું કામ નહી.

સ્ત્રી ધનના સાચા ત્યાગી સરદાર વલ્લભભાઇ પટેલને એમની 142મી જન્મજયંતીના પાવન પ્રસંગે કોટી કોટી વંદન.

શૈલેષ સગપરીયા

સરદાર પટેલ ના પ્રેરક પ્રસંગો

(1).31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ ઘટના હતી. સરદારની કુનેહ જોઈને વિશ્વના ભલભલા પંડિતો અને સાશકો મોંમાં આંગળા નાખી ગયા હતા. વિશ્વમાં કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો આવતો કે કોઈ મોટી લડાઈઓ કર્યા વિના પણ રાજાઓને લોકશાહીમાં ભેળવી શકે.

કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યં હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું

(2)આવા સરદાર પટેલના પુત્રી મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ એક દિવસ મહાવીર ત્યાગીએ મજાક કરી, ‘‘તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડભારતની સ્થાપના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ આ સાંભળીસરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી.

(3)નાયબ વડાપ્રધાન તરીકે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ ઓરંગઝેબ રોડ પર નં. 1 બંગલામાં રહેવા ગયા. મોભા પ્રમાણે સરકારી ખર્ચે ફર્નિચર વસાવવા વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ સાદગીના આગ્રહી સરદાર ફર્નિચરમાં વધુ પડતો ખર્ચ કરે છે એવો આક્ષેપ ન થાય તે માટે સરદારે વધારાનું ફર્નિચર સરકારમાં પાછું મોકલી દીધું અને થોડું ફર્નિચર રાખી બંગલામાં રહેવા લાગ્યા. એક મિત્રને ખબર પડતાં તેણે પોતાના ખર્ચે ફર્નિચર મોકલવાનું કહ્યું. પણ સરદારે ઇન્કાર કર્યો. છેવટે બહુ આગ્રહ કરી પોતાનું જૂનું કાઢી નાખવા જેવું ફર્નિચર સરદારના બંગલામાં મુકાવ્યું. પોતાની જરૂરિયાતો પર છૂટથી પૈસા ખરચતા આજના પ્રધાનો સરદારનું આ વર્તન ધ્યાનમાં રાખશે ખરા?

(4)૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેન્સર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈની મોટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબિયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું હોસ્પિટલમાં જ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછી જ આપ્યા હતાં.

(5)આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો ! સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !

(6)સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણ ઘણું ગરીબીમાં વીત્યું હતું. થોડો વખત મોસાળમાં નડિયાદ ભણ્યા. વચ્ચે કરમસદ જવાનું થાય ત્યારે પગપાળા જ જાય. ગાડીભાડાના પૈસા નહીં એટલે રેલવેનો ઉપયોગ ન કરતા. પછી પેટલાદ ભણતા, ત્યારે ત્યાં એક નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ કલબ જેવું કરીને રહેતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈ આવે અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમે. બૅરિસ્ટર થવા ઈંગ્લૅન્ડ ગયા ત્યારે પણ બધી ચોપડીઓ ખરીદવા જેટલા પૈસા નહીં. એટલે લાઈબ્રેરીમાં જઈને વાંચી આવે. પોતે જ્યાં રહેતા, ત્યાંથી લાઈબ્રેરી અગિયાર-બાર માઈલ દૂર હતી. રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા અને છેક છ વાગે લાઈબ્રેરી બંધ થાય, બધા ચાલ્યાં જાય અને પટાવાળો આવીને કહે કે, ‘સાહેબ, હવે બધાં ગયાં.’, ત્યારે સરદાર ત્યાંથી ઊઠતા. સાંજે પાછા ચાલતા જ ઘેર જતા. આમ રોજનું બાવીસ-ચોવીસ માઈલ ચાલવાનું થતું. આવી કઠણ જિંદગીમાં એમનું કાઠું ઘડાયું અને એક ખડતલ-ધીંગું વ્યક્તિત્વ પાંગર્યું. આ વસ્તુએ જ પાછળથી આ દેશનું ધીંગું કાઠું ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો.

(7)સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, “અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે. આજે કરકસરની વાત તો બાજુ પર રહી, પણ બેફામ ખર્ચની કોઈ સીમા રહી નથી.

આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.

આજે દેશના પ્રધાનોની સંપત્તિ બેસુમાર વધતી જાય છે ત્યારે સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ધાં બનાવ્યું નહોતું. મારે રાજ ચલાવવાનું છે, બંદૂક પણ રાખવી પડે અને આર્મી પણ રાખવું પડે – સરદાર

આભાર દશઁનભાઈ પટેલ ગઢડીયા આચાયઁ

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.