પ્રેમનું વ્યાજ

Please log in or register to like posts.
News

“પપ્પા, મારે નવો ધંધો કરવો છે.” રાજે તેના પિતાને કીધું.

“અરે! તેની શું જરૂર છે? આપણા નાણાંધીરનારની પેઢી આટલી સરસ ચાલે છે. તું ઈચ્છે તો ત્યાં બેસી શકે છે દીકરા.” રાજના પિતાએ તેને જણાવ્યું.

“ના પપ્પા. મારે મારા ભણતરના લાયક ધંધો કરવો છે.” રાજે તેનો મત જણાવ્યો.

“અરે! ચલ, તે તો સારી વાત કહેવાય. કર કર, દીકરા. મારા આશીર્વાદ તારી સાથે છે.” રાજના પિતાએ જણાવ્યું.

“પરંતુ, એક અડચણ છે. જેમાં તમારી મદદ જોઈએ છે.” રાજે મુદ્દાની વાત પર આવતા જણાવ્યું.

“શું અડચણ છે બેટા?” રાજના પિતાએ ભાવુક ભાવે પૂછ્યું.

“ધંધો કરવા પૈસાની જરૂર પડે, જે મારી પાસે નથી અને મેં બેંકમાં તપાસ કરાવી તો ત્યાં પણ લોન ખૂબ જ ઉંચા વ્યાજદરે મળે છે. એટલે મેં વિચાર્યું કે, કદાચ તમે મદદ કરી શકો તો.” રાજે મુદ્દાની વાત જણાવતા કહ્યું.

“વાત તો તારી ખરી છે દીકરા. આપણા નાણાંધીરનારની વ્યાજદર બેંકની સરખામણીમાં સાવ સામાન્ય છે. હું મુનીમજીને વાત કરી લઈશ. તું તારે કાલે આપણા ત્યાંથી સામાન્ય વ્યાજે પૈસા લઇ જજે. આમ પણ તું જાણે છે કે મારા મર્યા પછી બધા જ પૈસા મેં દાનમાં લખી દીધા છે, એટલે તું પણ વ્યાજ દઈને થોડું પુણ્ય કમાઈ લે દીકરા.” આટલું કહીને રાજના પિતા તેમના રૂમમાં જતા રહ્યા.

રાજને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું કે પિતાને પણ વ્યાજ આપવાનું. મનમાં ઘણાબધા નકારાત્મક વિચારો આવવા લાગ્યા જે રાજે અવગણ્યા. બીજા દિવસે તેણે મુનીમજી પાસેથી લાખો રૂપિયા લઇ લીધા અને ધંધો શરૂ કર્યો.

રાજની મહેનત અને આવડતથી ધંધો ખુબ જ સરસ ચાલી રહ્યો હતો એટલે તે મુનીમજીને વર્ષોં સૂધી સમયસર વ્યાજ આપતો રહ્યો.
પરંતુ, “જે પછાડે નહીં તે ધંધો કેવો?”. આખરે રાજને પણ ધંધામાં નુકશાન જવા લાગ્યું. તેનું નુકશાન એટલું મોટું હતું કે વ્યાજ ચૂકવવા તેની પાસે પૈસા પણ નતા.

આખરે અચાનક, તેને મુનીમજીનો ફોન આવ્યો અને સમાચાર મળ્યા કે તેના પિતાનું નિધન થયું છે. રાજ શોકમાં પરોવાઈ ગયો. હજુ તો ધંધાના નુકશાન ગણી રહ્યો હતો ત્યાં ઝીંદગીનું મોટામાં મોટું નુકશાન ગણાવી દીધું. આખરે દુનિયાના સૌથી કડવા સત્ય મોતને રાજે પણ માનવું પડ્યું અને તેણે વિધી-વિધાનસર તેના પિતાને અંતિમ વિદાય આપી.

રાજ બેખૂબી જાણતો હતો કે તેના પિતાએ તેમનું બધું નાણું દાન કરી દીધુ હતું અને ધંધામાં બહુ મોટું નુકશાન હતું એટલે તે ઘણીબધી દુવિધાઓથી લડી રહ્યો હતો. ત્યાંજ મુનીમજી તેને મળવા આવ્યા અને તેને કરોડો રૂપિયા આપ્યા.

રાજ અચરજ સાથે પૂછી બેઠો કે, “આ શું? પપ્પાએ તો તેમનું બધું નાણું દાન કરી દીધું છે. તો આ કરોડો રૂપિયા શેના?”

મુનીમજી હસ્યા અને કહ્યું, “હા રાજભાઈ, મારા સાહેબે બધું દાન તો કરી દીધું છે. પરંતુ મારા સાહેબ આખરે એક પિતા પણ હતા. તેમણે તમારા પાસેથી વ્યાજ તમારા ભવિષ્ય માટે જ લીધું હતું. તમારા વ્યાજના રૂપિયા તેઓ તમારા માટે જ ભેગા કરીને વ્યાજે ફેરવતા હતા. દુનિયાના કોઈ પણ પિતાની જેમ તે ફક્ત એટલું જ ઇચ્છતા હતા કે તેમનો દીકરો તેમના પગ પર ઉભો થાય અને તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. હું તેમને જયારે તમારા વ્યાજ વિશે પૂછતો ત્યારે તે હંમેશા કહેતા કે દીકરાનું વ્યાજ તો ‘તેનો પણ દીકરો એટલે કે પૌત્ર હોય’, રૂપિયા-પૈસા નહીં.”

આટલું સાંભળતા જ રાજ રડી પડ્યો કારણકે ફરી એકવાર તેના પિતાએ તેને એમના પ્રેમનો દેણદાર બનાવી દીધો હતો.

મિત્રો, પિતા આવા જ હોય છે. તે તો તેમના પ્રેમ અને જવાબદારી જેવી મૂડી આપણા પાછળ સતત ખર્ચતા જ રહે છે, પણ શું આપણે પ્રેમનું વ્યાજ તેમને સમયસર ચૂકવીએ છે? ચુકવતા રહેજો, કારણ કે આવા પ્રેમમાં દેવાદાર બનીને ખુશ રહેવાની અલગ જ મજા છે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.