મીરાનો મોબાઈલ રણક્યો. રાજનો મેસજ હતો – “મિટિંગમાં છું. પછી વાત કરું.”
મેસેજ વાંચતા જ મીરા હતાશ થઇ ગઈ હતી. એક કલાકમાં બીજી વાર રાજે તેનો ફોન કાપ્યો હતો આથી થોડી બેચેન બની ગઈ હતી. ડાયનિંગ ટેબલ પર બેઠેલા મીરાના પિતાએ તેને પૂછ્યું, “શું વાત છે દીકરી બેચેન લાગે છે?”
“ના પપ્પા. કંઈજ વાત નથી.” મીરાએ જવાબ આપતા કહ્યું.
“દીકરી, તારો બાપ છું. એક સમયે તારી માઁ ને વાંચવામાં ભૂલ કરી જાઉં, પણ તને ક્યારેય નહીં. બોલ દીકરી શું થયું?” મીરાના પિતાએ પૂછ્યું.
“પપ્પા. રાજ મને પૂરતો સમય નથી આપતો. અમે બંને દિવસમાં એક કલાકથી વધારે વાત પણ નથી કરતા. ડર લાગે છે કારણ કે આવતા મહિને લગ્ન છે અને પ્રેમ સમય સામે ઝાંખો પડે છે.” મીરાએ તેના દિલની વાત જણાવતા કહ્યું.
“ઝાંખો પડે છે? એમ? એટલે તારા મત મુજબ સમય વધારે આપે તો પ્રેમ કહેવાય. એમ?” મીરાના પિતાએ પૂછ્યું।
“હાસતો.” મીરાએ ત્વરિત ઉત્તર આપ્યો.
“તો દીકરી, આ લોજીક પ્રમાણે તો મેં તારી માઁ ને જરાય પણ પ્રેમ નથી આપ્યો એમ કહેવાય.” મીરાના પિતાજીએ તેમના દિલની વાત કહી.
“અરે! પપ્પા, તમારી વાત ક્યાંથી આવે. આજની તારીખમાં તમે અને મમ્મી સાથે છો. પ્રેમથી રહ્યો છો અને તમારો દરેક સમય મમ્મીને આપો છો તો તમારો પ્રેમ ક્યાંથી અવગણાય.” મીરાંએ તેની વાત મુકતા કહ્યું.
“ના દીકરી. તું બેખુબ જાણે છે કે હું ભારતીય સેનામાં સૈનીક હતો. તે દિવસો દરમિયાન હું તો 24 કલાકમાંથી તારી મમ્મીને 1 કલાક પણ નતો આપી શકતો. ઉલ્ટાનું ઘણા દિવસો સુધી તારી મમ્મી સાથે વાત પણ નતો કરી શકતો. પણ આજે અમે પ્રેમથી સાથે છીએ કારણ કે પ્રેમમાં સમય નતો પણ ભાવના હતી. મારા ઉદાહરણથી હું એટલું જ તો કહી શકું કે મારો પ્રેમ સમય સામે ઝાંખો પાડવાની જગ્યાએ તારી માઁ એ ભાવનાઓ જોઈને ઉજળો બનાવી દીધો. એટલે જ અત્યારે તેને હું 1 કલાક પણ 24 કલાક જેટલો આપું છું.” મીરાના પિતાએ તેને એક સાંસારિક વાત ખુબ જ ઝીણવટ પૂર્વક પ્રેમથી સમજાવી.
મીરાનું મન હજુ ગૂંચવાયેલું હતું અને ગૂંચવાયેલ મન સાથે તેણે તેના પિતાને જવાબ આપતા કહ્યું, “પપ્પા પણ, ભાઈ તો ભાભીને લગ્ન પહેલા કેટલો સમય આપે છે. તો રાજ મને કેમ ના આપી શકે?”
“બસ દીકરી. તમે સ્ત્રીઓ આજ ભૂલ કરો છો. પ્રેમની સરખામણી. શું તારા ભાઈ-ભાભીનો તથા તારા અને કુમારનો પ્રેમ સરખો છે? દરેક પતિ-પત્નીનો પ્રેમ તેની પોતાની આગવી વિશેષતા ધરાવે છે. ક્યારેક પોતાના પ્રેમને બીજાના સાથે સરખામણી ના કરતી. સરખામણી કરીને તું ના તો ફક્ત તારા પ્રેમનું અપમાન કરીશ પરંતુ દુઃખી પણ થઈશ કારણ કે સરખામણીમાં કોઈ એક જ સર્વોપરી હોય અને બાકી બધા અપવાદ. અને પ્રેમ ક્યારેય અપવાદ ના હોય. એટલે જ પ્રેમમાં સરખામણી ના હોય.”
“પણ પપ્પા।” મીરા હજુ પણ પોતાનો પક્ષ મુકવા જઈ રહી હતી.
ત્યારે જ તેના પિતાએ તેને અટકાવતા કહ્યું, “અને વાત રહી તારા ભાઈની. દીકરી તારા ભાઈ પાસે સમય છે કારણ કે તેના પિતા આજે પણ આર્થિક રીતે કાર્યરત છે. જયારે રાજ તેમના ઘરનો એકલો જ એવો વ્યક્તિ છે જે મારી જેમ આર્થિક કાર્યરત છે. જેવી રીતે તમે સ્ત્રીઓ નિરંતર મકાનને ઘર બનાવાની સોચમા હોવ કંઈક તેવી જ રીતે અમે પુરુષો આ તમે બનાયેલા ઘરને ચલાવાની ભાગદોડમાં. ભાવનાઓને સમજ દીકરી ખુશ રહીશ.”
આટલું કહીને મીરાના પિતા ચાલતા થયા. ત્યારે જ મીરાને તેની ભૂલ સમજાઈ અને તે ફોન ઉપાડીને રાજને સોરીનો મેસેજ કરવા જઈ રહી હતી ત્યારે જ દરવાજો ખખડ્યો. મીરાએ દરવાજો ખોલ્યો ત્યારે સામે રાજ ઉભો હતો અને રાજે માસુમ ભાવના સાથે કહ્યું, “મિટિંગ માટે સોરી પણ મળીને સરપ્રાઈઝ આપવું હતું.”
તે દિવસે રાજ સવારના 5 વાગે નીકળીને 6 કલાક યાત્રા કરીને ફક્ત મીરાને સમય આપવા માટે આપ્યો હતો. આખરે મીરાને સમજાઈ ગયું કે પ્રેમના વિષયમાં ભાવના આગળ સમય ક્યારેય ના જીતી શકે.
લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ