પ્રેમની ટાઢક

Please log in or register to like posts.
News

“કેવો સરસ વરસાદ થઇ રહ્યો છે, નહીં? ચાલો વાતાવરણ ને સાથ આપવા, હું આપણા બંને માટે કોફી બનાવી લાવું.” મીરાએ પ્રેમપૂર્વક કહ્યું.

રાજ મીરાની નજીક આવ્યો અને તેનો હાથ પકડતા જણાવ્યું, “અરે! આવા મોસમમા જયારે તારો સાથ છે તો કોફી કે બીજી કોઈ વસ્તુની શું જરૂરત?”

રાજની વાત સાંભળતા જ મીરાના ચહેરા પર સ્મિત છવાઈ ગયું અને પ્રેમનું વાતાવરણ ઘરની અંદર પણ છવાઈ ગયું. રાજ મીરાની વધુ નજીક આવ્યો પરંતુ શરમાઈને મીરા રસોડા તરફ દોડી ગયી અને કોફી બનાવા લાગી.

બસ ત્યારે જ ઉભરાતા કોફીના દૂધને બચાવવા જતા મીરા દાઝી દાઝી ગઈ અને જોરથી ચીખી ઉઠી, “આહ!!!!!”

તે સાંભળતાની સાથે જ રાજે તરત જ રસોડા તરફ દોડ મૂકી. રસોડામા પહોંચી તેને મીરાની દાઝેલી આંગળીઓ જોઈ. આ જોતા જ તેણે મીરાનો હાથ પોતાના હાથમાં લીધો અને ફૂંક મારવા લાગ્યો. હાથ મીરાનો દાઝયો હતો પરંતુ ધડકનો રાજની વધી ગઈ હતી.

તેણે મીરાંને ડાઇનિંગ ટેબલ પર બેસાડી અને અંદર દોડીને દવા લઇ આવ્યો. પછી પ્રેમપૂર્વક મીરાને દવા લગાડતા થોડા ઊંચા અવાજે કહ્યું, “ધ્યાન તો રાખ. જો કેવું લાલ-લાલ થઇ ગયું છે. જા હવે રૂમમાં જઈને બેસ હું કોફી બનાવી લાઉ છું”

તે દિવસે રાજનું વર્તન જોઈ ને મીરાંને કોફીમા ખાંડની મીઠાસ ની જરૂર નતી છતાં પણ રાજે કોફીના દૂધમા બે ચમચી ખાંડ ઉમેરી અને કોફીના રંગની તો ખબર નહીં પણ પ્રેમનો રંગ જરૂરથી નિખરી ગયો હતો. મીરાને હાથમાં બળતરા થતી હતી પણ દિલમાં તો ટાઢક હતી.

ચાલીશ વર્ષ પછી, રસોડામા ઉભા-ઉભા, વરસાદમય વાતાવરણને જોઈને મીરાને તેના ઝીંદગીનો એક આવો જૂનો કિસ્સો યાદ આવી ગયો હતો.

અચાનક જ ખબર નહીં તેણે મનમા શું વિચાર આવ્યો કે તે જોરથી ચીખી ઉઠી, “આહ!!!!!”

આ સાંભળતા જ તેનો ઘરડો પતિ રાજ ફટાફટ ચાલતા-ચાલતા રસોડામાં આવી ગયો. ચાલની ઝડપ એવી હતી કે ઘૂંટણનો દુખાવો પણ શરમાઈ જાય. રાજે રસોડામા આવીને મીરાની સામે અને પછી આજુ-બાજુ જોયું. બધું જ સામાન્ય હતું એટલે તેણે ચહેરા પર સ્મિત ધરાવતી મીરાની સામે જોઈને પૂછ્યું, “શું થયું? કેમ બૂમ પાડી?”

આ બધું જોઈને મીરાનું સ્મિત વધુ વિસ્તર્યું અને તેણે ફક્ત આટલું જ કહ્યું, “કંઈ નહીં. એમજ.”

તે દિવસે મીરાનો હાથ નતો દાઝયો, પણ દિલમાં તો ફરી એક વાર પ્રેમની ટાઢક થઇ ગઈ.

શીર્ષક – પ્રેમની ટાઢક
લેખક – ધવલ બારોટ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.