મારી આવતીકાલ

Please log in or register to like posts.
News

કેવી મજ્જાની વાત છે ને તું જ્યારે મને મળી નથી ત્યારે આ પત્ર લખાય છે. આ પત્ર મેં તારા માટે ૨૦૧૭ માં લખેલો. ફેસબુક દ્વારા મળેલી અને એ સમયે પ્રતિલિપિમાં કામ કરતી બ્રિન્દા અને બીજા મિત્રો ગુજરાતી ભાષા માટે કશુંક કરવાના સંકલ્પ હેઠળ ભેગા થયા હતા અને એમાં નું સૌથી પહેલું પગથિયું આ પત્ર લખવાનું. જોકે સજેશન મારુ જ હતું અને હવે અત્યારે લખવા બેઠો છું ત્યારે એક તો શબ્દો મળતા નથી અને ચહેરો મલક મલક થાય છે કેમ કે આ પત્ર કોઈ દિવસ તું વાંચવાની છે. કેટલું કેહવું હોય અને જયારે એ કહેવાનું લખવાનું આવે ત્યારે શબ્દો થપ્પો-દાવ રમતા થઇ જાય છે.

તને ખબર છે હું મારુ ફેસબુક એકાઉન્ટ જ ડી-એક્ટિવેટ કરવાનો છું, જયારે એકલો હતો ત્યારે ઘણા પ્રેમીઓની મજ્જાક ઉડાવી છે, બહુ લોકો ને હેરાન કર્યા છે. સૌથી વધારે મેં ફરહાના ને કરી છે પછી ઘણી વખત ક્રિષ્ના ને અને ઈ-માં અંતિમ ને પણ બહુ જ હેરાન કર્યા છે. જોકે એ બધી મજાક મસ્તી હતી અને ખરેખર તો મારી ઘણીખરી સફર નો હિસ્સો એ લોકો રહ્યા છે. જીગીશા અને વત્સલના લગ્નમાં આસિસ્ટન્ટ ફોટોગ્રાફર બનીને એમને જમવા ટાઈમે પણ હેરાન કર્યા છે. હિરવ, કૃણાલ, નિશિત, વરુણ, તાહા, ઉઝેર આ બધા લોકોએ પણ ફોરએવર એલોન કરીને ઘણી મજ્જાક ઉડાવી છે હવે લાગે છે કે એની પણ એક અલગ જ મજ્જા હતી. એ અલ્લડપણું, એકલતા, અલગારી રીતે રખખડપટ્ટી કરવાનો કદાચ એ જ સાચો સમય હતો. મારે તને ભૂતકાળની વાતો માં નથી બાંધી રાખવી આપણે તો ભવિષ્યમાં દોડવું છે, ભાગવું છે.

૬૦ વર્ષની ઉંમર સુધી તનતોડ મહેનત કરવી છે. દર વર્ષે એક સાવ જ અજાણી જગ્યાની રોડટ્રિપ કરવી છે. ત્યાં ની સ્થાનિક વાનગીઓ ખાવી છે અને અલગારી જીવડાંની જેમ રખડી લેવું છે. પૈસા બચાવી બચાવીને લીધેલા કેમેરામાં એ બધું ભેગું કરવું છે. તારા કેન્ડીડ ફોટોગ્રાફ્સ ક્લિક કરવા છે. અઢળક મિડનાઇટ સરપ્રાઇઝીસ આપવી છે. શિયાળામાં અડધી રાત્રે રખડવા નીકળી પડવું છે. અડધી રાત્રે હાઇવે પર રોમાન્સ કરવો છે. ગોવા હોય કે લેહ કે પછી મેઘાલય, સિક્કિમ, પૌન્ડિચેરી અથવા તો કેરલાના રસ્તાઓ માપવા નીકળી પડવું છે. જે જગ્યા પર જઈએ ત્યાંની જ લોકોલ ડીશ ખાવાની અને ત્યાંના લોકલ ડ્રિંક્સ ની મજ્જા કરી લેવી છે. બે-ત્રણ વર્ષે એકાદ ફોરેન ટ્રીપ પણ કરશું અને એ ય આમ જ સાવ જ અજાણ્યા બની ને જ જવાનું. વિઝા લેવા માટે હોટેલ બુકીંગ કરાવવું પડે એટલે એ કરાવી લેવાનું બાકી ફરવાનું જાતે જ અને એ જ અનુભવો ભેગા કરવા છે. ધમાલ-મસ્તી કરતા કરતા ઈશ્વર આપણને જે સંતાન આપશે એને પણ આ જ વસ્તુઓ સમજાવવી છે.

લડતા-ઝગડતા ધીંગામસ્તી કરતા કરતા બુઢઢા થઇ જવું છે. બુઢ્ઢા થઈએ અને લોકો પૂછેકે જીવન માં શું ઉકાળ્યું ત્યારે આપણે આ જ વાતો કરીશું અને આજ બધી પળો ફરી જીવી લઈશું. ઘડપણ માં બંને લાકડીને બદલે એકબીજાનો જ ટેકો બનીશું અને હા આપણું વ્યાજ જયારે એમ પૂછેને કે રોમિયો-જુલિયેટ જેવા કોઈ બીજા પ્રેમી છે ત્યારે આપણે ઠપકો આપતા આપતા કહેવું છે કે તારા આ ગ્રાન્ડ પા અને ગ્રાન્ડ માં જેવા જલસા એમને ય નહિ કર્યા હોય. આપણે છેલ્લે ઘડી સુધી ડાયાબીટીસ કે બ્લડ પ્રેશરના ટેસ્ટ જ નથી કરાવવા, ખોટી મગજમારી કોણ કરે.

બહુ લખી નાખ્યું ને, સાલું પહેલો જ પત્ર અને એમાં ય આટલું બધું… ચાલ હવે વધુ બોર નથી કરતો. તૈયાર થઇ જા… રખડવા જવું છે.

તારા દોસ્તારની વીતી ગયેલી કાલ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.