પતિ કે પિતા બનવું એ શું અપરાધ છે?

Please log in or register to like posts.
News

અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ પેરન્ટ્સના કૂણા હૈયાને ઉઝરડા પાડ્યા છે. નવમા ધોરણમાં ભણતી એક કિશોરી તેના બૉયફ્રેન્ડ સાથે સ્કૂલ છોડીને થિયેટરમાં સિનેમા જોવા ગયેલી. તે કિશોરીના પપ્પાને આ વિશે ખબર પડી અને તેઓ થિયેટર પર પહોંચી ગયા. શો છૂટ્યા પછી દીકરીને તેના બૉયફ્રેન્ડ સાથે પકડી. ત્યાંથી ઘેર લાવ્યાં.

ગુસ્સે થઈને પપ્પાએ દીકરીને એક તમાચો માર્યો. દીકરીએ તેના પપ્પાને ધમકી આપી કે ‘મારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટની ચોપડી છે. હું તમને મને થપ્પડ મારવાના ગુના હેઠળ જેલભેગા કરાવી દઈશ.’

પિતા મૂંઝાયા. નાદાન સંતાન કંઈક ખોટા માર્ગે જતું હોય તો તેને લડવાનો કે પનિશમેન્ટ કરવાનો પેરન્ટ્સને કોઈ હક જ નહીં? આ કેવો કાયદો છે?

વ્યક્તિસ્વાતંત્ર્યનો સંપૂર્ણ આદર કરવા છતાં એક વાત તો સ્વીકારવી જ પડે કે કોઈ પણ પેરન્ટ્સ કદી પોતાના સંતાનનું અહિત નથી કરતા કે નથી ઇચ્છતા. હા, કોઈ દારૂડિયો-જુગારિયો બાપ હોય અને કોઈ નર્લિજ્જ અને વ્યભિચારિણી માતા હોય તો એવા પેરન્ટ્સ સંતાનો પર જુલમ કરતા હોય એ શક્ય છે, પરંતુ ખાનદાન અને સંસ્કારી પેરન્ટ્સ કદી એવું કરે ખરા? તેમનાં સંતાનો કુસોબતના રવાડે ચડીને કોઈ ખોટું કામ કરતાં હોય તો તેમની સામે ક્યારેક લાલ આંખ કરવી અનિવાર્ય થઈ પડે છે અને ક્યારેક તેમને પનિશમેન્ટ પણ કરવી જરૂરી બને છે.

ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ એવો પોલો છે કે એનો ગેરલાભ બહુ આસાનીથી લઈ શકાય. એમાંય તમે માર્ક કરજો કે જે સ્ત્રી ખાનદાન અને કુળવાન હશે અથવા જે સંતાનો ગુણવાન અને ચારિત્ર્યવાન હશે એ તો અન્યાય અને અત્યાચારનો ભોગ બન્યાં હશે તો પણ ફરિયાદ નહીં જ કરે. તેમની ભીરુતા તેમને હંમેશાં રોકી રાખશે, પરંતુ સ્વચ્છંદી સ્ત્રીઓ અને ગુમરાહ થયેલાં કે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ પ્રાઇવેટમાં વળી ગયેલાં સંતાનો નફ્ફટ થઈને પેલા કાયદાની કમજોરીનો લાભ લેશે.

પેરન્ટ્સ ક્યારેક સંતાનને મોડી રાત સુધી બહાર રખડવા નહીં જવા દે, બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ માટે વધુપડતી છૂટછાટ નહીં આપે, ખોટા ખર્ચ પર કન્ટ્રોલ રાખવા કહેશે, સંતાનને મોબાઇલ ફોન વગેરે સુવિધા નહીં આપી શકે કે તેની કુસોબત માટે તેને લડશે-વઢશે અને સંતાન તેના પેરન્ટ્સ માટે ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટની રિવૉલ્વર તાણશે તો એનું પરિણામ શું આવશે? ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનાં ગાણાં ગાનારાઓ આવા કાયદા સામે કેમ ખામોશ છે?

સંતાનના હિતમાં સંતાનને ઠપકો આપવો એ શું તેની માનસિક હિંસા છે? સંતાનના હિત માટે જ ક્યારેક તેને થોડીક પનિશમેન્ટ કરવી એ શું સજાપાત્ર ગુનો છે? ડોમેસ્ટિક વાયોલન્સ ઍક્ટ શું એમ કહેવા માગે છે કે તમારાં સંતાનો વંઠી જતાં હોય તો વંઠી જવા દો? તમારાં સંતાનો કુસોબતથી ગુનાહિત પ્રવૃત્તિ કરતાં હોય તો તેમને એમ કરવા દો? તમારાં સંતાનો સ્વચ્છંદી અને દુરાચારી થતાં હોય તો થવા દો. તમારે તેમને લડવાનું નહીં, તેમને પનિશમેન્ટ કરવાની નહીં. જોયા જ કરો. બહુ-બહુ તો સમજાવો તેને, છતાં ન સમજે તો શું કરવાનું? ખોટા માર્ગે જવા નાદાન સંતાન બળવો કરે ત્યારે પેરન્ટ્સે શું કરવાનું? વર્ષોથી ઘણું-ઘણું વેઠીને પોતાની પ્રતિષ્ઠા સમાજમાં ઊભી કરી હોય એને સંતાનો દ્વારા કલંકિત થવા દેવાની? નાની-નાની બાબતોમાં પોલીસ અને અદાલતમાં દોડી જવાનું?

અનુશાસન માટે થોડાંક કડક નિયંત્રણો તો આવશ્યક જ ગણાય.

હવે તો એવું પણ બનશે કે પેરન્ટ્સ જો પોતાનાં સંતાનોને બેફામ ખર્ચ કરવા માટે પૈસા નહીં આપે તો પણ વંઠી ગયેલાં સંતાનો નર્દિોષ પેરન્ટ્સ સામે ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ અનુસાર ફરિયાદ કરીને તેમને બાનમાં લેશે. શું સંતાનોથી ડરીને પેરન્ટ્સે જીવવાનું? એ માટે જ સંતાનો પેદાં કરીને, તેમને વહાલથી-જતનથી ઉછેરવાનાં?

ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટમાં ઍટલીસ્ટ એક કલમ એવી તો હોવી જ જોઈએ કે જેની સામે (જે પિતા કે પતિ) સામે ફરિયાદ થાય તે વ્યક્તિ પોલીસના ચોપડે ગુનેગાર હોય અથવા કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તો જ ફરિયાદ માન્ય કરવી એટલું જ નહીં, ફરિયાદ કરનાર વ્યક્તિ પોતે જ ખોટી છે અથવા તો પિતા કે પતિને ફસાવવા માટે અને પોતાના અંગત સ્વાર્થ માટે કાયદાનો ગલત પ્રયોગ-ઉપયોગ કર્યો હોવાનું પુરવાર થાય તો ફરિયાદ કરનારને ખુદને જ અત્યંત આકરી સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ.

બાળકો અને સ્ત્રીઓ પર અત્યાચાર ન જ થવા જોઈએ. તેમની સાથે જરાય અન્યાયભર્યું વર્તન ન જ થવું જોઈએ એમાં કોઈ બેમત નથી, પણ એનો અર્થ એવોય ન હોવો જોઈએ કે પુરુષને (પિતા કે પતિને) સાવ સામાન્ય બાબત માટે અને ક્યારેક તો નરી કિન્નાખોરીથી તેને ગમે ત્યારે, ગમે એ સ્વરૂપે ફસાવી શકે? પુરુષો સાથે જે જુલમ અને અન્યાય થાય એને અત્યાચાર ન કહેવાય? અન્યાય અને અત્યાચારની વ્યાખ્યા એકપક્ષી ન હોય તો નો-પ્રૉબ્લેમ.

(નો પ્રૉબ્લેમ – રોહિત શાહ)

Source: GujaratiMidday

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.