મૃગજળ – હપ્તો ૧

Please log in or register to like posts.
News

સાંજનું આહલાદક વાતાવરણ હતું. બીચ પરની હોટેલમાં ઇવેન્ટ ગોઠવેલી હતી. ‘હેપ્પી ફેસ’ હોટેલ આગળ ભભકાદર ડેકોરેશન કર્યું હતું. ફૂલોના કુંડા અને રંગબેરંગી લાઈટો ગોઠવાઈ ગઈ. ઇંગ્લેન્ડના એન્ટિક ટેબલ ખુરશીઓ અને એની ઉપર થાઈ બનાવટના ફલાવર બેઝ આંખ અંજાવતા હતા. ટેબલ ઉપર પાઠરેલા આછી સફેદ ચાંદરોની લટકતી જુલમાં તદ્દન ભારતીય ગૂંથણ દેખાતું હતું. દરિયાના પાણી ઉપરથી ચળાઈને આવતા પવનથી એ જુલ જુલતી હતી.

કિનારે આવતા મોજાના સફેદ ફીણ ઉપર સૂર્યના છેલ્લા કોમળ કિરણો કુદકા મારતા હતા. બિકીનીમાં કેટ કેટલી છોકરીઓ અંગ પ્રદર્શન કરતી ફરતી હતી, કૂદતી હતી. પહેલી જ વાર બીચ જોવા આવેલા જુવાન છોકરાઓ એ છોકરીઓ પાછળ મધમાખીની જેમ ચોટયા હતા. ક્યાંક ક્યાંક નવ પરિણીત યુગલો અને પ્રેમી પંખીડાઓ ચસોચસ ચોટીને બેઠા રેતમાં નામ લખતા હતા તો ક્યાંક શરીર ઉતારવા આવેલા ભારેખમ માણસો બીચની રેતી ખુંદતા હતા. સૂર્યના ત્રાંસા પીળા કિરણો દરિયાને ઓર સુંદર બનાવતા હતા. એકંદરે વાતાવરણમાં મનને તરબોળ કરીદે એવી ખુશબો હતી…..

આછું અંધારું થયું એટલે હેપ્પી ફેસના ડેકોરેશનની જગારામારતી લાઈટો ચાલુ થઈ ગઈ. બીચ ઉપરથી એકાએક બધી નજર એ ભવ્ય કૃત્રિમ સુંદરતા તરફ ખેંચાઈ ગઈ.

ધીરે ધીરે ઇવેન્ટમાં પબ્લિક આવવા લાગી. કરણ અને વૈભવિના લગ્નની પાર્ટી હતી. કરણ બધા મિત્રો અને સંબંધીઓને હસીને આવકારતો હતો. વૈભવી એની પાસે ઉભી મીઠું મીઠું શરમાતી રહી હતી. એ ઘડીક એની સાડીનો છેડો હાથમાં લેતી તો ક્યારેક પોતાનું પર્સ એક હાથમાંથી બીજા હાથમાં ફેરવતી હતી.

કરણ શાસ્ત્રી મુંબઈમાં જ જન્મ્યો હતો અને મુંબઈમાં જ એનો ઉછેર થયો હતો. કરણના માતા પિતા નાનપણમાં જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતા. માં બાપના ગુજરી ગયા પછી કરણને મોટા ભાઈ દિપકે જ ઉછેર્યો હતો. કરણને કોઈ પોતાનું કહે એવું હોય તો એવડી દુનિયામાં એક દિપક અને એક નયન હતા.

કરણનો અભ્યાસ પૂરો થયો અને એ એકાઉન્ટન્ટની જોબમાં લાગી ગયો પછી દિપક એના બોસની હૈદરાબાદની કમ્પનીમાં જોડાઈ ગયો. કરણને ઘણો સમજવવા છતાં એ મુંબઈ છોડવા તૈયાર નહોતો થયો. કરણને મમ્મી પપ્પાએ બનાવેલ ઘર, માં એ સ્નેહથી શણગારેલા ઘરથી લાગણીના તંતુઓ જોડાઈ ગયા હતા. કરણ બાળપણથી ઘરમાં લાગેલા મમ્મી જસોદાબેનના વોલ સાઈઝ ફોટાને સાંજ સવાર જોયા કરતો. કરણ વર્તમાન કરતા ભૂતકાળમાં અને વાસ્તવિકતા કરતા કલ્પનામાં વધારે જીવતો.

દિપક શાંત અને સહનશીલ હતો. દિપક વ્યવહારુ અને કુશળ હતો. કરણ પણ પ્રેમાળ અને લાગણીશીલ હતો પણ એ જરાક ગુસ્સેલ હતો. કરણ આમ તો દયાળુ અને પ્રેમાળ હતો પણ એને નાની નાની વાતમાં પણ ગુસ્સો આવી જતો.

કોલેજમાં કરણના સ્વભાવ અને ભણવાની હોશિયારીને લીધે ઘણાં એવા મિત્રો મળ્યા હતા. કોલેજના દિવસોમાં છોકરાઓનો ખાસ બિઝનેસ તો ધ્યાન રાખવાનો જ હોય. મોહિની આજે કેટલી મોહિત લાગતી હતી? ટીચર્સ-ડે માં ભાર્ગવી સાડીમાં કેવી શોભતી હતી ? એ બધા સવાલ જવાબની ચર્ચા કેન્ટીનમાં થયા કરતી પણ કરણ કેન્ટીનમાં પ્રવેશે એટલે એ બધી ચર્ચા બંધ થઈ જતી. કરણને સ્ત્રી જાત પ્રત્યે એક ઊંડું માન હતું. નની ઉંમરે માં ખોયા પછી એના અંતરમાં સ્ત્રી માટે એક ઊંડાણમાં ખાલીપો જુર્યા કરતો. એ સહેજ પણ રંગીન સ્વભાવનો ન હતો. એને રંગીન છોકરા છોકરીઓથી પણ એક ઘીન એક સુગ હતી.

કરણ જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે વૈભવી એ કોલેજમાં આવી હતી. વૈભવી અને કરણની પ્રથમ મુલાકાત ત્યાં જ થઈ હતી. બન્ને વચ્ચે ધીમે ધીમે મૈત્રી થઈ હતી. વૈભવી કરણના હૃદયમાં રહેલા એ ખાલીપામાં સમાઇ જવા માંગતી હતી. વૈભવી મનોમન કરણને ચાહતી હતી પણ ક્યારેય એને કહી નહોતી શકી. પણ જ્યારે છેલ્લા વર્ષે જુદા પડવાની વેળા આવી ત્યારે એ મનની વાત દબાવી નહોતી શકી. વૈભવીએ જ્યારે કરણને મનની વાત કરી ત્યારે કરણે પોતાની બધી હકીકત એને કહી દીધી હતી, કરણ છેક જ પ્રામાણિક વ્યક્તિત્વ વ્યક્તિત્વ ધરાવતો હતો એ કોઈને છેતરીને કાઈ મેળવવા માંગતો જ નહોતો.

વૈભવીએ પણ કરણને હાથ પકડીને કહ્યું હતું ” જો હું તને મંજુર હોઉં તો એ મારી ખુશનસીબી હશે કરણ…..” કરણને એની આંખોના ઉંડાણથી હૃદય સુધીનો પથ અત્યંત સુગંધિત લાગ્યો હતો. કરણને અંતરનો ખાલીપો ઉછળી પડ્યો….. પંખીને પાંજરામાં રાખવું એ કરણને ન ગમે પણ પંખી હાથ ઉપર આવીને બેસે તો એ તો નસીબ જ કહેવાય….. એમાં પણ એક રૂપાળુ પંખી, હસતું, ગાતું, પાંખો ફેલાવી છાયડો કરતું પંખી…… હૃદયના પિંજરામાં પુરાઈ જવા કહેતું હોય જાણે….. કરણે વૈભવીને ગળે લગાવી લીધી હતી…..

વૈભવીને પણ સંસારમાં એક માં જ હતી. વૈભવી માં ઉપર જ ગઈ હતી. દુર્ગાબેન ને જોયા હોય તો વૈભવીની સુંદરતા, પાંદડીયાળી આંખો, આછા ગુલાબી ગાલ, હસ્તી વેળા હોઠના ખૂણા ગલમાં ખૂંચે ને અંધારી રાતમાં પૂનમની ચાંદની લહેરાય એવી ઊડતી ઝુલ્ફોમાં સંગેમરમરના પથ્થર જેવો સ્વેત શોભતો ચહેરો જોઈ કોઈને નવાઈ ન થાય…..

દરિયા ઉપર પૂનમનો ચાંદ પૂરો ખીલી ગયો હતો. ચાંદની દરિયાના પાણી ઉપર ફેલાતી હતી….. કિનારાના પથ્થરો ઉપર હળવા મોજા અથડાઈને એક ગજબનું મોહક દ્રશ્ય ખડું કરતા હતા. વૈભવી એ સુંદર દ્રશ્યને જોતી ઉભી હતી. પાણી ઉપરથી વહીને આવતો ઠંડો પવન એની ગુલાબી સાડી અને છુટ્ટા પડેલા વાળને લહેરાવતો હતો.

“એક ચાંદ દુસરે ચાંદ કો દેખ રહા હે …..! વાહ ભાઈ વાહ”

પાછળથી પવનને ચીરતો મસ્તી ભર્યો અવાજ કાને અથડાયો. વૈભવી ઝબકી ગઈ પાછળ ફરીને જોયું તો નીલમ મલકાતી ઉભી હતી…..

( ક્રમશઃ વધુ આવતા ગુરુવારે )

©વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.