મહાભારત ની 18 અક્ષૌહિણી સેના નું સંપૂર્ણ અંકગણિત. જાણો એક અક્ષૌહિણી સેના માં હોય છે કેટલા હાથી, ઘોડા, રથ અને કેટલા સૈનિકો.

Please log in or register to like posts.
News

હમણા દેશ માં આધારકાર્ડ લિંક કરાવવાની મહામહેનત ચાલી રહી છે ત્યારે એવા જોક્સ પણ ફરતા થયા છે કે સાસરીયા પક્ષમાં પણ આધાર કાર્ડ લિંક કરાવવું નહી તો ત્યાં થી મળતી બધી સેવાઓ બંધ થઇ જશે. ફેસબૂક માં પણ આધાર લિંક કરવામાં આવે તો જેટલા રતનીયા રાધા બનીને ચેટિંગ-ચેટિંગ રમે છે એની પોલ ખુલી જાય. આ તો હતી હસવાની વાત, પરંતુ આપણા ભારતીય હોવાનો આધાર જો આપણે ગણાવીએ તો એ છે રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા.આપણે આ આધાર સાથે લિંક થવું આવશ્યક અને જરૂરી છે આપણી ફરજ પણ બને છે.

આપણા ભારતીય હોવાના આધારકાર્ડ સાથે લિંક થવા તરફ એક ડગલુ માંડીએ તો, વાત છે ભારતવર્ષ માં થયેલા એક પ્રચંડ યુદ્ધ મહાભારત ની અને તેમાં થયેલા મહાસંહાર ની. એવુ કહેવામાં આવે છે કે ઘોડાઓ ના ડાબલાથી ઉડેલી ધૂળથી સૂરજ ઢંકાઇ જતો હતો. તો આપણે વિચારી શકીએ છીએ કે કેવડું સૈન્ય યુદ્ધ કરી રહ્યું હશે. આપ જાણો છો કે મહાભારતના યુદ્ધ માં પાંડવો તરફ થી સાત અક્ષૌહિણી અને કૌરવો તરફથી અગિયાર અક્ષૌહિણી એમ કુલ અઢાર અક્ષૌહિણી વચ્ચે આ મહાભારત યુદ્ધ ખેલાયું. જેમાં આપણ ને એક પ્રશ્ન જરૂર હશે કે આ અક્ષૌહિણી સૈન્ય કેવડુ હશે અને તેમાં કેટલા સૈનિકો નો સમાવેશ કરવામાં આવતો હશે.

એ જમાના માં યુદ્ધમાં ચતુરંગી સેના લડતી હતી એટલે પાયદળ સૈનિકો ઉપરાંત હાથી, રથ, અને ઘોડાઓ નો પણ સમાવેશ સેના માં કરવામાં આવતો હતો. એટલે જ હાથી,રથ,ઘોડા અને પાયદળ એમ ચાર વિભાગ માં વહેંચાયેલી આ સેના ને ચતુરંગી સેના એમ કહેવામાં આવતુ હતું. તેમનું અલગ અલગ વિભાગો માં વર્ગીકરણ કરવામાં આવતું.

જેમકે એક હાથી, એક રથ, ત્રણ ઘોડા અને પાંચ પાયદળ સૈનિકો ના સમુહ ને એક પત્તિ અથવા એક પટ્ટિ કહેવામાં આવે છે

એવી ત્રણ પત્તિ મળી ને એક સેનામુખ બનાવે છે.

એવા ત્રણ સેનામુખ થી એક ગુલ્મ બને છે.

એવા ત્રણ ગુલ્મ થી એક ગણ બને છે.

એવા ત્રણ ગણ ભેગા મળી અને એક વાહિની બનાવે છે.

આવી ત્રણ વાહિની મળી અને એક પ્રૃથણા બનાવે છે.

એ ત્રણ પ્રૃથણા થી એક ચમૂ બને છે.

એવા ત્રણ ચમૂ થી એક અનીકિની બને છે.

અને આવી દસ અનીકિની થી એક પ્રચંડ અક્ષૌહિણી સેના તૈયાર થાય છે.

અક્ષૌહિણી સેના માં રહેલા હાથી, રથ,ઘોડા અને પાયદળ સૈનિકો ની સંખ્યા નીચે કોષ્ટક મા દર્શાવી છે.

સેનાના વિભાગો સમાનતા = હાથી રથ ઘોડા પાયદળ સૈનિક
એક પત્તિ 1 1 3 5
એક સેનામુખ ત્રણ પત્તિ 3 3 9 15
એક ગુલ્મ ત્રણ સેનામુખ 9 9 27 45
એક ગણ ત્રણ ગુલ્મ 27 27 81 135
એક વાહિની ત્રણ ગણ 81 81 243 405
એક પૃથણા ત્રણ વાહિની 243 243 729 1,215
એક ચમૂ ત્રણ પૃથણા 729 729 2,187 3,645
એક અનીકિની ત્રણ ચમૂ 2,187 2,187 6,561 10,935
એક અક્ષૌહિણી દસ અનીકિની 21,870 21,870 65,610 1,09,350

આ કોષ્ટક પર થી જોય શકાય છે કે એક અક્ષૌહિણી સૈન્ય માં 21,870 હાથી, 21,870 ચાર ઘોડા વાળા રથ, 65,610 ઘોડા અને 1,09,350 પાયદળ સૈનિકો હોય છે એવુ મહાભારતમાં      (આદિ પર્વ 2.15-23) માં દર્શાવવામાં આવ્યુ છે.

મહર્ષિ કૃષ્ણ દ્વેપાયન વ્યાસ એટલે કે વેદ વ્યાસ દ્વારા મહાભારત 18 પર્વો માં વિઘ્નહર્તાદેવ શ્રી ગણેશજી પાસે લખાવવામાં આવ્યું. મહાભારત નુ યુદ્ધ 18 દિવસ ચાલેલુ અને જો એક પત્તિમાં રહેલા સજીવો ની ગણતરી કરીએતો એ પણ 18 જ થાય છે.  જેમકે, એક હાથી સાથે ત્રણ સૈનિકો રહે છે, જ્યારે રથ સાથે બે સૈનિકો રહે છે. દરેક ઘોડા પર એક એક સૈનિક એટલે કુલ ત્રણ સૈનિક અને ત્રણ ઘોડા અને પાંચ પાયદળ સૈનિક આમ થઇ ને કુલ અંક 18 થાય છે. આ પ્રમાણે કુલ સૈનિકો અને પ્રાણીઓની ગણતરી કરીએ તો એક અક્ષૌહિણી સેનામાં 21,870 હાથી, 1,53,090 ઘોડા અને 2,84,310 સૈનિકો હોય છે. આમ, પાંડવો તરફ થી આવી સાત અક્ષૌહિણી અને કૌરવો તરફથી આવી અગિયાર અક્ષૌહિણી વચ્ચે લડાયુ ઇતિહાસ નુ મહાવિનાશક યુદ્ધ “મહાભારત”.

અક્ષૌહિણી સેના માં અર્ધરથી,રથી,અતિરથી અને મહારથી એમ ચાર વિભાગ માં સૈનિકોનું વર્ગીકરણ કરવામાં આવતુ હતુ.

અર્ધરથી :

પાંચસો સૈનિકો સાથે એકલા લડી શકે તેવા યોદ્ધા ને અર્ધરથી કહેવામાં આવે છે. સૈન્યમાં પત્તિ, સેનામુખ, ગુલ્મ, ગણ ના સેનાનાયક અર્ધરથી હોય છે.

રથી:

એક હજાર સૈનિકો સાથે એકલા લડી શકે તે યોદ્ધા ને રથી કહેવામાં આવે છે. તે રથ પર સવાર હોય છે. વાહિની, પૃથણા, ચમૂ અને અનીકિની સેના ના સેનાનાયક રથી હોય છે.

અતિરથી:

10,000 સૈનિકો તથા 6 રથી સાથે એકલા લડી શકે તેવા યોદ્ધાને અતિરથી કહે છે. એક અક્ષૌહિણી સેના ના નયક અતિરથી હોય છે.

મહારથી:

12 રથી તથા 60,000 સૈનિકો સાથે લડી શકે તે યોદ્ધાને મહારથી કહેવામાં આવે છે. એક કરતા વધારે અક્ષૌહિણી સેના ના નાયક મહારથી યોદ્ધા હોય છે.

હવે, જોઇએ મહાભારત યુદ્ધ વખતે પાંડવો અને કૌરવોની સેના માં રહેલી સેનાનું અંકગણિત, તેના સેનાનાયકો તેમજ સેનાપતિ.   

પાંડવો ની સેના:

7 અક્ષૌહિણી

1,53,090 હાથી

1,53,090 રથ

4,59,270 ઘોડા

7,65,450 પાયદળ સૈનિકો

સેનાનાયકો:

સાત્યકિ-                        1 અક્ષૌહિણી

કુંતિભોજ-                       1 અક્ષૌહિણી

ધૃષ્ટ્કેતુ-                       1 અક્ષૌહિણી

જરાસંધ પુત્ર સહદેવ-મગધ-    1 અક્ષૌહિણી

દ્રુપદ અને ધૃષ્ટ્ધુમ્ન-           1 અક્ષૌહિણી

વિરાટ- મત્સ્યનરેશ-            1 અક્ષૌહિણી

પાંડ્ય,ચોલ વગેરે-              1 અક્ષૌહિણી

 

સેનાપતિ:

ધૃષ્ટ્ધુમ્ન- 18 દિવસ

કૌરવો ની સેના:

11 અક્ષૌહિણી

2,40,570 હાથી

2,40,570 રથ

7,21,710 ઘોડા

12,02,850 પાયદળ સૈનિકો.

સેનાનાયકો:

ભગદત્ત-                               1 અક્ષૌહિણી

શલ્ય-                                  1 અક્ષૌહિણી

નીલ – માહિષ્મતી સામ્રાજ્ય-            1 અક્ષૌહિણી

કૃતવર્મા- નારાયણી સેના-               1 અક્ષૌહિણી

જયદ્રથ-                                        1 અક્ષૌહિણી

સુદક્ષિણ- કુંભોજનરેશ-                  1 અક્ષૌહિણી

વિંદા-અનુવિંદા- અવંતી સામ્રાજ્ય-       1 અક્ષૌહિણી

કલિંગ સેના-                            1 અક્ષૌહિણી

શકુનિ-ગાંધાર(હાલ કંધાર-અફઘાનિસ્તાન)- 1 અક્ષૌહિણી

સુશર્મા-                                 1 અક્ષૌહિણી

કુરૂ અને બીજા અન્ય-                   1 અક્ષૌહિણી

સેનાપતિ:

ભિષ્મ- 10 દિવસ

દ્રોણ-  5 દિવસ

કર્ણ-    2 દિવસ

શલ્ય-   1 દિવસ

અશ્વત્થામા- દુર્યોધન નિર્વાણ બાદ

આમ, મહાભારત ના યુદ્ધમાં લડેલી 18 અક્ષૌહિણી સેનામાં કુલ 3,93,660 હાથી, 3,93,660 રથ, 11,80,980 ઘોડા અને 19,68,300 પાયદળ સૈનિકો નો મહાસંહાર થયો. આવું પ્રચંડ અને ભિષણ યુદ્ધ આપણને જરૂર કંપાવી મુકે. એક સર્વે મુજબ છેલ્લી 10 સદીઓમાં જેટલા યુદ્ધો થયા તેમાં ધર્મ ને કારણે સૌથી વધારે યુદ્ધો થયા છે. પરંતું મહાભારત એક ભિન્ન પ્રકાર નુ ‘ધર્મ-યુદ્ધ’ હતું.

શું આ યુદ્ધ રોકી શકાયુ હોત? જો, સમજાવવાથી જો બધા સમજી જતા હોત તો એ વાંસળી વગાડનારો કદાચ આ યુદ્ધ ના થવા દેત. પરંતું ધર્મ ના ઉત્થાન માટે અને અધર્મ ના સર્વનાશ માટે આ ‘મહાભારત’ આવશ્યક હતું. જ્યારે જ્યારે ભારત માં ધર્મને હાની થઈ છે અને અધર્મ બળવાન બન્યો છે ત્યારે યાદવેન્દ્ર સરકાર ભગવાન શ્રી કૃષ્ણએ આગાઝ કર્યો છે કે,

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥

કૃષ્ણં વંદે જગદગુરું.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Advertisements

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.