જૂનાગઢ ના 77 વર્ષનાં વૃદ્ધાએ ચીન જઈને બે મેડલ જીત્યા

Please log in or register to like posts.
News

મક્કમ મનોબળ

ઉંમરના સાત દાયકાનાં પડાવ પછી મોટાભાગે વ્યકિત શારીરિક અને માનસિક રીતે નિવૃત્ત થઈ જવાનું પસંદ કરે છે. બહુ કામ કર્યું હવે આરામ કરવો છે. આવી પ્રતિક્રિયા સામાન્ય રીતે સાંભળવા મળતી હોય છે પણ જૂનાગઢનાં ૭૭ વર્ષનાં એક વૃદ્ધાનો એવો કિસ્સો સામે આવ્યો છે કે સાહસ અને સફળતાને ઉંમરની સાથે કોઈ નિસબત નથી, બસ મન મકકમ જોઈએ.

કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, મતલબ કે મન મક્કમ હોય તો હિમાલય જેવી સમસ્યા હોય તો પણ તેનો હિંમતથી સામનો કરવામાં આવે તો સફળતાનાં શિખરો સુધી પહોંચી શકાય છે. આ ઉકિતને સાર્થક કરી છે જૂનાગઢનાં ૭૭ની ઉમર ધરાવતા એક વૃદ્ધાએ. આ ઉંમરે કોઈ વડીલ રમત ગમતની સ્પર્ધામાં ભાગ લે એટલું જ નહીં આટલી ઉમરે એકલા વિદેશ જાય અને મેડલ જીતે એવું કોઈ કહે તો વાત માનવામાં જ ન આવે પણ જૂનાગઢમાં રહેતા ભાનુમતીબહેનને મળીએ તો આવા બધા જ ભ્રમ ભાંગી જાય છે અને જીવનની ઢળતી સંધ્યાએ યુવાનીને શરમાવે તેવો જુસ્સો જોવા મળે છે.

આ અનોખા કિસ્સાની વાત કરીએ તો મૂળ માંગરોળ ગામનાં વતની ભાનુમતીબહેન પટેલ વર્ષોથી જૂનાગઢનાં કડિયાવાડમાં રહે છે. પોતે સ્વમાનથી જીવવા માગતા હોવાથી લગ્ન કર્યા ન હતા, આજે પણ તેઓ એકલા જ રહે છે અને ઘરનું કામ જાતે જ કરે છે. સ્વમાનભેર રહેવા અને ઘરનું ગુજરાન ચાલે તે માટે એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરવા જાય છે. માત્ર ઓલ્ડ એસએસસી સુધી અભ્યાસ કર્યો હોવા છતાં તેમને એક શાળામાં ત્રણેક દાયકા પહેલાં નોકરી મળી ગઈ હતી જે હજુ ચાલુ છે. ઘરેથી નિયમિત રીતે તેઓ ચાલીને શાળાએ જાય છે. જૂનાગઢમાં છેલ્લા પાંચેક વર્ષથી સિનિયર સિટીઝન માટેનું એક ગ્રૂપ ચાલે છે તેનાં સભ્ય તરીકે ભાનુમતીબહેન પટેલ જોડાયા હતા. આ ગ્રૂપ વડીલો સતત સક્રિય રહે તે માટે અનેક આયોજનો કરે છે. સ્ટેટ લેવલનાં સ્પોર્ટસ ગ્રૂપ સાથે પણ જોડાણ કર્યું હોવાથી સિનિયર સિટીઝનો માટે રમતગમતની સ્પર્ધાઓ થતી હોય તેમાં પણ આ ગ્રૂપનાં વડીલો જોડાય છે.

જૂનાગઢ સિનિયર સિટીઝન ગ્રૂપનાં વાઈસ પ્રેસિડન્ટ આઈ. યુ.સિદ્દા કહે છે, ચાઈનામાં ૨૪થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન યોજાયેલા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ માટે માસ્ટર એથલેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જુદા જુદા રાજયોમાંથી જુદી જુદી કેટેગરીમાં મળી કુલ ૨૧પ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી તેમાં ગુજરાતમાંથી ૯ લોકો સામેલ હતા. ગુજરાતનાં નવમાં સિનિયર સિટીઝનની કેટેગરીમાં જૂનાગઢનાં ભાનુમતીબહેનની પસંદગી કરવામાં આવી હતી. ભાનુમતીબહેનને પાંચ હજાર મીટર દોડ અને પ કિ.મી.વોક માટે સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. ભાનુમતીબહેન કયારેય વિદેશ ગયા ન હતાં, વિમાનમાં બેઠા ના હતાં એટલું જ નહી. આ ઉંમરે એકલા જ વિદેશમાં સ્પર્ધામાં ભાગ લેવાનું જવાનું હતું. ભાષાનો પ્રોબ્લેમ હતો. શરુઆતમાં અમે પણ વિચારતા હતા કે આવી મુશ્કેલી વચ્ચે ભાનુમતીબહેન જઈ શકશે ખરા ? પણ તેઓ ખૂબ મક્કમ હતા ગમે તે થાય ચીન જઈને સ્પર્ધામાં ભાગ લેવો છે. અંતે તેમને મુંબઈ સુધી હું મૂકવા ગયો હતો ત્યાંથી તેઓ ગ્રૂપ સાથે જોડાઈ ગયા હતા અને ખુશીની વાત એ છે કે આ ઉમરે પડકારભરી સ્થિતિમાં તેઓ બે સિલ્વર મેડલ જીતીને સુખરૂપ પરત જૂનાગઢ આવી ગયા છે.

ખુદ ભાનુમતીબહેન પટેલ ‘અભિયાન’ સાથેની વાતચીતમાં આનંદની લાગણી સાથે કહે છે, આ ઉંમરે હું ઘરનું કામ જાતે કરું છું રસોઈ પણ બનાવું છું અને રોજ પાંચ કિ.મી. વોકિંગ કરું છું એટલું જ નહીં શાળાએ ભણાવવા પણ જઉં છું. મારો ચીનનો પ્રવાસ યાદગાર રહ્યો હતો. જુદી જુદી બે કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યા હતા. જીવનમાં ગમે તેવા સંજોગો આવે કયારેય હિંમત હારવી ના જોઈએ. હંમેશાં પડકારોનો સામનો કરો, હિંમતે મદાં તો મદદે ખુદા…!

-દેવેન્દ્ર જાની – અભિયાન

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.