ભારત ચીનને ૧૩૨૦ અબજનો ફટકો મારવાની તૈયારીમાં

Please log in or register to like posts.
News

એક તરફ ભારતે ૭૧મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે, ત્યાં જ બીજી તરફ હવે ચીનની દાદાગીરીને નાથવા માટે ભારતે વળતો દાવ વિચારી લીધો છે. જો ચીન સખણું ન રહે તો તેને ૧૩૨૦ અબજ રૂપિયાનો ફટકો મારવાનો પ્લાન વિચારી રખાયો છે. મોદી સરકારે આ વળતો ઘા મારવા માટેની પ્રાથમિક તૈયારીઓ કરી લઇને ચીનને શાનમાં સમજી જવા માટે સમજાવી દીધું છે. ઘણા સમયથી ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટેના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા રહ્યા હતા, પરંતુ આપણો રાષ્ટ્રપ્રેમ થોડો નબળો છે, તેથી આ પ્રકારનો વિરોધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. એ સંજોગોમાં ચીનને સમજાવવા માટે મોદી સરકારે એક પ્રશંસનીય ચાલ શરૂ કરી છે.

ચીનનું અર્થતંત્ર એવી ગતિથી ભાગતું હતું કે એમ લાગતું કે એ બહુ જલ્દી વિશ્વની આર્થિક તથા શક્તિશાળી તરીકેની મહાસત્તા બની જશે. ચીનના શાસકોએ એ બેવડા મોરચે જ કામ શરૃ કર્યા હતા. એક તરફ દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની હકૂમત સ્થાપવાનું શરૂ કર્યું હતું, તો બીજી તરફ પાકિસ્તાન સાથેના કોરિડોર ઉપરાંત વિશ્વમાં ઘણા સ્થળોએ રોકાણ કરીને આર્થિક મહાસત્તા બનવા માટેના પાયા નાંખ્યા હતા. જો કે એમ કરવા જતાં ઘરઆંગણે પ્રજામાં ભારે અસંતોષને ચીનના શાસકોએ ક્યારેય ગણકાર્યો નથી. સસ્તી મજૂરી હોવાને કારણે ચીનના ઉત્પાદનો સસ્તા પડે છે. વળી કોઇ પણ ટેકનોલોજી ચોરી લેવામાં તેને જરાય શેહશરમ નડતી નથી. સરવાળે ચીન અનેક ક્ષેત્રમાં સસ્તો માલ મૂકી શકે છે.

ચીન માટે ગરીબ દેશોના બજાર મહત્વના નથી, કેમ કે તેની પ્રજા તો માંડ પેટ ભરતી હોય, ત્યાં વળી ખરીદ શક્તિ તો લાવે જ ક્યાંથી ? પરંતુ ભારત જેવા બજારો તેને માટે ખાસ મહત્ત્વના છે, જ્યાં પ્રજાની ખરીદશક્તિ વધી છે. ભારતનું બજાર તો ખાસ્સું માંસલ છે. નવી પેઢી છૂટથી પૈસા વાપરતી થઇ છે. ટેકનોલોજીનો વ્યાપ એટલો વધ્યો છે કે હવે સામાન્ય પ્રજા પાસે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો આવી ગયા છે. મોબાઇલ એવું જ એક ઉપકરણ છે. ચીનના સસ્તા મોબાઇલ આપણા બજારમાં મોટું બજાર ધરાવે છે. એ ઉપરાંત આપણે ત્યાં તો દીવાળીમાં રોશની કરવા માટે વપરાતા દીવાથી માંડીને અનેક ચીજો ચીનની બનાવટની હોય છે. મકરસંક્રાંતિએ પતંગ સાથે ઉડાડાતા બલૂન પણ ચીની હોય છે. ચીન સસ્તી કિંમતે અનેક ચીજો વિશ્વના બજારમાં મૂકી શકે છે, એ ભલે ટકાઉ ન હોય, પણ નીચલા મધ્યમ વર્ગના સપનાને સાકાર કરી શકે એવી હોય એ જ તેની સફળતાનો રાઝ છે.

ભારતમાં પણ તેની અનેક ચીજો વેચાતી હોય છે, પરંતુ ચીન છેલ્લા ઘણા વખતથી ભારતના હિતને અવગણતું રહે છે. ભલે એ સરહદે દાયકાઓથી એકે ગોળી ફૂટી ન હોય, પણ એ સરહદે સતત તણાવ રહેતો આવ્યો છે. ગયા વર્ષે તેથી જ સરહદે કરેલી ઘૂસણખોરી બાદ સોશિયલ મીડિયા પર ચીની વસ્તુઓના બહિષ્કારની ઝુંબેશ શરૂ થઇ હતી. એ ઝુંબેશને ઘણી સફળતા મળ્યા બાદ ચીન ચોંક્યું પણ હતું. એક તરફ તેનો વિકાસદર ધીમો પડતો ગયો છે. સતત ૧૧ ટકાની હેટ્રિક મારી લીધા બાદ હવે વિકાસ દર પાંચની આસપાસ રહેતો આવ્યો છે. એ સંજોગોમાં ભારત જેવું બજાર હાથમાંથી જાય તો વધુ મંદી સહન કરવી પડે એ પ્રજાને ભડકાવી શકે એમ છે.

અત્યારે તો ચીન ભારત સાથે સંઘર્ષમાં ઉતર્યું છે, તેમાં ભુતાન નિમિત્ત બની ગયું છે. ભુતાનના ડોકલામ વિસ્તારમાં ચીને ઘૂસણખોરી કરીને રસ્તો બનાવવા માંડયો હતો. ડોકલામ ત્રિભેટે પડે છે, તેથી ચીનની ત્યાં ઘૂસણખોરી ભારતની સુરક્ષા ઉપર જોખમ ઊભું કરી શકે છે, તેથી જ મોદી સરકારે તરત જ સૈન્ય મોકલીને ચીનને જવાબ આપી દીધો હતો. કદાચ, ચીન ભારતની આવી પ્રતિક્રિયાની અપેક્ષા રાખતું ન હોય. પોતાનું ધાર્યું ન થાય ત્યારે બાળક કેમ ખીજાઇને બધું ફેંકવા માંડે એમ ચીને ભારતને ધમકી આપવા માંડી અને યુદ્ધ ચઢીશું એમ કહીને ભારતને લલકાર્યું હતું એમ કહીએ તો ચાલે. ભારત હવે તેના સંરક્ષણ મંત્રીએ કહ્યું એમ ૧૯૬૨નું ભારત રહ્યું નથી, તે વધુ સજ્જ બન્યું છે. એ સંજોગોમાં ભારત પોતાના હિત જાળવે એ માટે શક્તિમાન છે. વળી ચીન એક તરફ પાકિસ્તાનને જાળવે છે, પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને છાવરે છે, તેમાં પણ ભારતના હિતોનો ભોગ લેવાય છે, એ જોતાં ભારતે શા માટે ચીન સામે ઝૂકવું જોઇએ ?

ચીન ખંધુ છે, તો નફ્ફટ પણ છે, સરવાળે ડોકલામ વિવાદ લગભગ બે મહિનાથી ભડકો લેતો રહે છે. ભારત પીછેહઠ કરે તો નીચાજોણું થાય અને બીજી તરફ ચીન પીછેહઠ કરે તો એક મહાસત્તા હોવાનું તેનું ગુમાન નડે. શક્તિશાળી દેશ હોવાના તેના રોફમાં પંકચર પડે, તેથી જ ચીન હવે સેઇફ ઝોન શોધી રહ્યું છે, તેથી ડોકલામ વિવાદનો અંત આવે. આ સંજોગોમાં ચીન ઉપર દબાણ વધારવા માટે મોદી સરકારે ચીનને આર્િથક ફટકો મારવા માટે વિચારી લીધું છે. મોડે મોડે, છતાં ચીનને ડોકલામ વિવાદ ઉકેલવા માટે પૂરતો સમય આપ્યા બાદ ભારતે ચીન ફરતે ભરડો લેવા માટે તૈયારી કરવા માંડી છે. એમ પણ ચીન સાથેના વ્યાપારનું પલડું ચીન તરફ જ નમે છે, છતાં ભારતે ક્યારેય એ અંગે મગનું નામ મરી પાડયું નથી, પણ ચીનની દાદાગીરી વધી રહી છે, ત્યારે ભારતે ચીનને કડવી દવા પીવડાવવી જ રહી. ભારતે એ માટેનો માર્ગ ખોળી કાઢયો છે.

ચીનના ભારત સાથેના વ્યાપારમાં ભારતને ૫૨ અબજ ડોલરની ખાધ પડે છે. આ ખાધ પૂરવી હોય તો તેની નિકાસ વધવી જોઇએ એ ન વધે તો ચીનની આયાત ઉપર નિયંત્રણ લાદવું પડે એમ છે. અત્યાર સુધી ભારતે એ દિશામાં ચીનને છંછેડતું ન હતું, પણ હવે ચીન નફ્ફટ થઇને જ્યારે ભારતના હિત અવગણે છે, ત્યારે તેને પાઠ ભણાવવો જરૂરી છે. એ કારણથી જ હવે મોદી સરકારે એ દિશામાં આગળ વધવા માટે તૈયારી કરી છે. ચીનના ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનો વ્યાપાર જ ૨૨ અબજ ડોલર એટલે કે ૧૩૨૦ અબજ રૂપિયાના વ્યાપાર ઉપર પહોંચેલો છે. ભારતમાં ચીનના આ બહોળા વ્યાપાર ઉપર બ્રેક મારવા માટે વિચારી લીધું છે. મોદી સરકારે સમીક્ષા હાથ ધરી છે, એ જોતાં ચીનને સાણસામાં લેવા માટે તૈયારી કરી લીધી હોય એમ લાગે છે. મોડે મોડે પણ ચીનને કાબૂમાં રાખવા માટે યોગ્ય દિશામાં મોદી સરકારે પગલું ભર્યું છે.

સમયસર – મનોજ ગાંધી
સ્તોત્ર: સંદેશ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.