હું તને તે બદલ પ્રેમ કરું છું

Please log in or register to like posts.
News

વાત એક રવિવારના સવારની હતી. તે દિવસે મીરા રાજથી કંઈક નારાજ હતી. રાજે તેને સવારથી વિશ પણ નતુ કર્યું. મીરાને લાગ્યું કે રાજ ભૂલી ગયો હશે, તેને તો યાદ પણ નહીં હોય. કંટાળીને તે જયારે રૂમમા આવી ત્યારે તેને જોયું કે તેના બેડ પર ડાયમંડનો સેટ અને શુભેચ્છા પાઠવતું રાજનું કાર્ડ હતું. તે રાજના સપ્રાઈસથી ખુશ હતી અને અમુક જ સમયમા જ મીરાંને એક ઇ-મેઇલ આવ્યો. તે રાજના ઇ-મેઇલ પરથી આવ્યો હતો. તે કંઈક આ મુજબ હતો.

મારી વહાલી અર્ધાંગિની,

અગર તુ આ વાંચી રહી હોય તો શાબાશી ના પાત્ર કહેવાય. આખરે તે મારી સાથે લગ્નના દસ વર્ષ પુરા કરી દીધા કહેવું પડે તારી સહન શક્તિ 🙂. બસ કંઈક આવાજ નાના-મોટા મજાક સાથે ઝીંદગીના દસ વર્ષ ક્યારે જતા રહ્યા ખબર પણ ના પડી. નહીં? મને તો આજ સુધી એ નથી સમજાતું કે તે મારામાં જોયું શુ? તુ એક સુંદર પરી જેવી અને હું ખુબ જ સામાન્ય દેખાવ ધરાવતો હતો. કદાચ કિસ્મત મારી પર મહેરબાન હશે.

ઘણા બધા અમીર ઘરના સારા દેખાવડા છોકરાઓ મૂકીને તે મને પસંદ કર્યો. હું તને તે બદલ પ્રેમ કરું છું .

તને યાદ છે, આપણે કેટલા બધા પ્રયત્નો કર્યા હતા પ્રેમ-વિવાહ વડીલોની સંમતિ સાથે કરવા માટે? તને હશે જ, કારણ કે અમીરી-ગરીબીથી લઇ ને નાત-જાતના બધા પ્રશ્નો વિવાદિત હતા પણ તે મન મક્કમ રાખીને તારો વિશ્વાષ અને સાથ મને આપ્યો. હું તને તે બદલ પ્રેમ કરું છું.

એક પત્ની બનીને તે મારા માટે તારું નામ, ઓળખાણ અને ઘર પણ બદલી નાખ્યું. ખરેખર, સમ્માન પૂર્વક, હું તને તે બદલ પ્રેમ કરું છું .

તારા સાસરિયાઓને સંભાળવા કંઈ સામાન્ય કામ નતું પણ તે દૂધમા સાંકળની જેમ ભળીને તેમનું મારા કરતા પણ વધારે ધ્યાન રાખ્યું. હું તને તે બદલ પ્રેમ કરું છું .

લગ્નના અમુક સમય બાદ જ મારા આર્થિક સંકટમા જયારે ઘણા સગા-વ્હાલા મને એકલો પાડીને જતા રહ્યા ત્યારે તું પડછાયાની જેમ મારી સાથે, મારી હિંમત બનીને રહી. હું તને તે બદલ પ્રેમ કરું છું.

મમ્મીને જયારે હાર્ટ-અટેક આવ્યો ત્યારે તેની સેવા તે તારી પોતાની માઁની જેમ કરી. હું તને તે બદલ પ્રેમ કરું છું.

મને હજુ યાદ છે તે 9 મહિના, જયારે તે આપણા દીકરાનું જન્મ પહેલા જે કાળજી પૂર્વક ધ્યાન રાખ્યું, હું તને તે બદલ પ્રેમ કરું છું.

જે દિવસોમાં આપણો ફેમિલી બિઝનેસ કંઈ ખાસ આગળ નતો વધી રહ્યો ત્યારે તારામા છુપાયેલી બિઝનેસ વુમેને તેના MBA ના ભણતરનુ જ્ઞાન વાપરી, બિઝનેસને નફાના ઝરણાં સમાન કરી દીધો. હું તને તે બદલ પ્રેમ કરું છું.

આ ઈ-મેઈલ હું તને આપડી પાંચમી મેરેજ એનિવર્સરીએ લખી રહ્યો છું પણ તને દસમી મેરેજ એનિવર્સરીએ મળે એ પ્રમાણે સિડ્યુલ કર્યો છે કારણકે તારા માટેની મારી ભાવનાઓ સમયથી પરે છે. અત્યારે હું તને ગુલાબી સાડીમા જોઈ રહ્યો છું અને તું આજે પણ એટલી જ ખુબસુરત લાગે છે જેટલી તું પહેલા હતી. વહાલી! હું તને તે બદલ પ્રેમ કરું છું.

અંતમા બસ આટલું જ કહીશ કે, લગ્નના દસ વર્ષ થઇ ગયા. સાથ, સહકાર, હિંમત, વિશ્વાશ, કાળજી અને ના જાણે કેટલા અજણ્યા પ્રેમના રંગ તે મારી ઝીંદગીમા ભરી દીધા અને હું તને તે બદલ પ્રેમ કરું છું.

દસ વાર લખું છું પણ અગણિત વાર કહું છું કે “હું તને પ્રેમ કરું છું.”

તારો અને ફક્ત તારો,
રાજ

મીરા આખો ઇ-મેઇલ આંખમા પાણી અને હોઠ પર સ્મિત રાખીને ફરીને-ફરી વાંચતી રહી અને બેડ પર પડેલા હારને તો ભૂલી જ ગઈ. આખરે પ્રેમ થી લખેલા અક્ષરો સામે હારના હીરા ફીકા પડી ગયા.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.