in

ઇતિહાસ : જાણીયે હલ્દી ઘાટીના યુદ્ધ વિષે – 1576 , ભાગ-2

કુંવર માનસિંહ તો મહારાણા પ્રતાપને પડકારીને દિલ્હીના માર્ગે ઉપડી પડ્યો. એમ તો હલ્દી ઘાટીના યુદ્ધમાં અકબર કરતાં માનસિંહની ભૂમિકા વધારે મહત્વની હતી, માટે એનો ટૂંકો પરિચય ઘણો જ જરૂરી છે. આમેરનો આ ભાવિ શાસક તેના દાદાનો તો ખુબ જ લાડકો હતો અને એના પિતા ભગવાનદાસ પછી એ આમેરનો રાજા બન્યો હતો. માનસિંહે આમેર પર ઈ.સ. ૧૫૮૯થી ૧૬૧૪ સુધી શાસન કર્યું હતું.

માનસિંહે મુઘલો સાથે પોતાની ફોઈ, બહેન અને પૌત્રીનાં લગ્ન કરાવી અને સગાઇ સંબધોની એકદમ મજબૂત ગાંઠ તૈયાર કરી હતી. એ સંબંધોના કારણે જ અકબરના દરબારમાં પોતે માનભર્યું સ્થાન મેળવ્યું હતું.

Advertisements

રાજસ્થાનના રાજપૂત રાજાઓમાં અકબરની મૈત્રીનો સ્વીકાર સૌપ્રથમ માનસિંહે જ કર્યો હતો. ફક્ત એટલું જ નહિ પણ રાજપુતાનાના રાજાઓને અકબર અને મુઘલ દરબારમાં કદમબોસી સુધી લઇ જવાની જવાબદારી પણ માનસિંહે પોતે જ લઇ લીધી હતી અને એણે ૧૫૬૫થી ૧૫૭૪ સુધી મુઘલ દરબારમાં એટલે કે આખી જુવાની મુઘલ સંસર્ગમાં પસાર કરી હતી. તે અકબર સાથે જ રહીને યુવાનીમાં અસ્ત્ર-શસ્ત્રના પાઠ શીખ્યો હતો. તે ૭ હજાર જાત અને ૬ હજાર સવારનો મનસબદાર બન્યો હતો, અને ત્યારે અકબરના સમયમાં કોઈપણ હિન્દુને મળેલો આ સૌથી ઊંચો દરજ્જો હતો. તેણે અકબર વતી લડી અને તેણે અનેક વિજયો મેળવીને મુઘલ સામ્રાજ્યમાં અભિવૃદ્ધિ કરી હતી. જો માનસિંહના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો એ ઘણું વિલાસી હતું. એની ૧૫ રાણીઓ હતી, અને તજુક-એ-જહાંગીરીમાં માનસિંહની રાણીઓની સંખ્યા ૧૫ હજાર કરી છે અને એમાં ૬૦ માનસિંહના અવસાન પછી સતી થઇ હતી. આમેરમાં એના ૨૪ અને સૈતાસમાં ૧૫ રાણીમહેલો હતા. માનસિંહ મુઘલો સાથે ગાઢ રીતે જોડાયેલો હતા તેમ છતાં પણ તે પાક્કો હિંદુ હતો. વેંકટપૂરમાં પોતાની આસ્થાના પ્રતીક તરીકે માનસિંહે વિશાળ ભવાનીશંકર મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. તેણે મંદિરની સાથે સાથે આમેરમાં શીશમહેલનું પણ નિર્માણ કરાવ્યું હતું.

Advertisements

માનસિંહ અકબર અને મુઘલો પ્રત્યે સર્વોપરી વફાદારી બતાવવા માટે જ અકબરનો દૂત બન્યો હતો અને પ્રતાપ પાસે ગયો હતો અને એનું સ્વાભિમાન જ હલ્દી ઘાટીના યુદ્ધ માટેનું એક પ્રબળ કારણ બન્યું હતું. અકબર પ્રત્યેની વફાદારીથી જ માનસિંહ લાંબા સમય સુધી મુઘલ દરબારની શાન બન્યો હતો. શાહજાદા સલીમ (જહાંગીર)ના વિદ્રોહ સમયે પણ ભવિષ્યની ચિંતા કર્યા વિના એણે અકબરની વફાદારી તોડી હતી નહિ. આ બધું અકબર પછી મુઘલ બાદશાહ બનનાર જહાંગીરની નજર બહાર હતું નહિ. જયારે ૧૬૦૫ના વર્ષે અકબરનું અવસાન થયું તો એની સાથે જ મુઘલ દરબારમાં માનસિંહનાં વળતાં પાણી ચાલુ થઈ ગયા હતાં. જહાંગીર તો એને ‘પાખંડી’ અને ‘ભેડીયો’ કહીને જ બોલાવતો હતો. હવે જહાંગીરના સમયમાં તો જે થયું એ ખરું, પરંતુ અકબરના સમયમાં તો એ હુકમનું પત્તું હતો. એના લડાયક મિજાજ અને પ્રતાપ સાથેની શત્રુતાનો લાભ લેવા માટે જ અકબરે માનસિંહની નિયુક્તિ સેનાપતિ તરીકે કરી હતી. હલ્દી ઘાટીના યુદ્ધ પહેલા તો ખુદ અકબર અજમેર આવ્યા અને ૧૮ માર્ચ ૧૫૭૬ ના રોજ પ્રતાપ વિરુદ્ધના યુદ્ધમાં એને જ મુખ્ય સેનાપતિ બનાવ્યો હતો. (રાજકીય કુસંપ અંગ્રેજોએ પેદા કર્યો હતો તેવું માનનારા લોકો આ ઘટનાક્રમ પર વિચાર કરજો.)

માનસિંહ ૩ એપ્રિલ ૧૫૭૬ના રોજ મુઘલ ફોજ સાથે અજમેરથી નીકળ્યો હતો અને એની સાથે  અસફ ખાન સૈયદ અહમદ ગાઝી ખાન, સૈયદ રજુ, ખેંગાર, મીહતરખાન, મઝાહીદ બેગ, જગન્નાથ કછવાહા, માધોસિંહ અને રાય લુણકાણ જેવા સેનાપતિઓ અને અકબરનો ઇતિહાસકાર બદાયુનો પણ સમાવેશ થયો હતો. આખું અકબરનું ધાડું અજમેરથી માંડલગઢ આવી પહોંચ્યું હતું અને અહીંયા મુઘલ સેનાએ બે મહિના માટે મુકામ કર્યો હતો. માનસિંહ પહેલો હુમલો પ્રતાપ કરશે એવી અપેક્ષા રાખતો હતો. બીજું એ કે વિશાળ મુઘલ સેનાના આગમનના સમાચાર મળવા માત્રથી જ પ્રતાપ ફફડી જશે અને સમાધાન માટે એ દોડતો આવશે એવા જ દીવાસ્વપ્ન માનસિંહ દેખતો હતો. સામે રાણા પ્રતાપ ખુદ પોતાના માટે નહિ પણ મેવાડની પ્રતિષ્ઠા પણ દાવ પર હતી. મુઘલો પાસે ૮૦ હજારનું સ્થાયી લશ્કર, તોપખાનું અને કેળવાયેલા હાથીઓ હતા. મેવાડ પાસે ૨૦ હજાર સૈનિકો અને હાથીઓ જ હતા અને સાથે તોપખાનાનો પણ સદંતર અભાવ હતો. ટૂંકમાં આ સંઘર્ષ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ વિશાળ સૈન્ય વિરુદ્ધ મર્યાદિત લશ્કર વચ્ચેનો સંઘર્ષ થવાનો હતો.

Advertisements

હલ્દી ઘાટીમાં પ્રતાપ કાંઈ સાવ નોંધારો પણ હતો નહિ. એને મદદ કરવા ગ્વાલિયરનો રાજા રામસિંહ તંવર અને તેનો પુત્ર શાલિવાહન, ભવાનીસિંહ, ભામાશાહ અને તારાચંદ, પઠાણ હકીમ ખાન, ભીમસિંહ ડોડીયા, કૃષ્ણા દાસ ચુડાવત, રાવત સાંગા અને સૌથી મહત્વનોચંદાવલનો ભીલ સરદાર પૂંજો તેની ભીલ ટુકડી સાથે એકદમ તૈયાર જ બેઠા હતા. આ બધા મહારાણા પ્રતાપ અને મેવાડની સ્વાધીનતા અને ગૌરવ માટે મરતે દમ સુધી એને સાથ આપવાના હતા. આ બધું હતું તો પણ પ્રતાપ ઉતાવળિયો કે મરણિયો ન હતો. મુઘલોની લશ્કરી હિલચાલ પર તો એ એકદમ બાજ નજર રાખીને જ બેઠો હતો. તેણે માનસિંહ સાથે સીધું જ યુદ્ધ મેદાનમાં ટકરાવું એની જગ્યાએ પ્રતાપે જંગલનો રસ્તો લીધો હતો અને આ જંગલનો રસ્તો એટલો બધો સાંકડો હતો કે તેની કેડીઓ પર એક જ સમયે માત્ર એક જ માણસ જઈ શકતો હતો. પ્રતાપ, માનસિંહ અને મુઘલોને આ જંગલના ચક્રવ્યૂહમાં ફસાવવા ઈચ્છતો હતો, કેમ કે અહીં મહારાણા પ્રતાપના વફાદાર ભીલો પ્રતાપ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવા માટે પણ તૈયાર હતા, પણ માનસિંહને અકબરની યુક્તિ સમજમાં આવી ગઈ હતી કે પછી બીજું કઈ હોય એના કારણે પ્રતાપના આ વ્યૂહથી માનસિંહ દૂર જ રહ્યો. જો માનસિંહ આ જંગલમાં પ્રવેશી ગયો હોત તો તો એની કબર જ ત્યાં ખોદાઈ ગઈ હોત અને મેવાડનો ઈતિહાસ પણ કંઈક અલગ જ હોત! માનસિંહ માંડલગઢથી મોહી, ભુતાલા વગેરે ગામો વટાવી હલ્દી ઘાટી નજીક પહોંચ્યો અને તેણે બનાસ નદીના કાંઠે ડેરો તાણ્યો હતો.

(હલ્દી ઘાટી યુદ્ધનું નામ ત્યાંના પથ્થરો હળદરિયા રંગના હતા એના પરથી પડ્યું હતું.) આખરે તો પ્રતાપ પણ ભારે તૈયારી સાથે ગોગંદ નામના સ્થળેથી ચડી આવ્યો અને પછી આ બંને સૈન્યો સામસામાં ગોઠવાઈ ગયાં હતા અને એમની વચ્ચે ફકત ૩ જ કોસનું અંતર હતું અને ભારતના ઇતિહાસમાં દાયકાઓ, સદીઓ સુધી યાદગાર રહેલા આ યુદ્ધની શરૂઆત થવાની હતી તો એના વિષે આપણે જાણીશું આવનારા લેખમાં!

Advertisements
ટિપ્પણી
Advertisements

જો તમને પણ દહીંમાં મીઠું નાખીને ખાવાની ટેવ છે તો પેલા ખાસ આ વાત જાણી લો !!!

એક ખાસ વાત છે કે જે જીવન જીવીયે ત્યાં સુધી યાદ રાખશો તો ……