in

પાંડવો દ્વારા બનાવેલું ખીમેશ્વર મહાદેવ મંદિર પોરબંદરની છે શાન , તમને નહિ ખબર હોય પોરબંદરની ધરતી વિષે

પોરબંદર એટલે તે પ્રાચીન સુદામાપુરી તરીકે ઓળખાય છે. અકિંચન સુદામા અને કૃષ્ણ નામ સ્વરૂપ અકિંચન મોહનની જન્મભૂમિ એટલે જ આજનું આપણું પોરબંદર. પોરબંદરની શોધ મોરબી રાજ્યના પારંપરિક રાજવીએ ૧૧૯૩માં કરી હતી.

અહીંયા મધ્યયુગની હડપ્પા સંસ્કૃતિના સમયગાળા દરમ્યાન દરિયાઈ પ્રવૃત્તિઓ થતી હતી. અહીંયાના દરિયાના ઘૂઘવાતા, પટ પર પછડાતા મોજાંમાં સરકતી રેતી પર જો ઊભા રહેવામાં આવે તો ત્યાંના નીર (પાણી) સ્વયમ્ એની વાર્તા કહેવા લાગે. જો ખારા પવનની પાવડી પર સવાર થઈ જઈએ તો પૌરાણિક કાળમાં આપણે પહોંચી જઈએ. અહીંયા જે સોળમી સદીમાં પાણીદાર મોતી પાકતા તેની નિકાસ અરબી સમુદ્ર પારના દેશોમાં પણ કરવામાં આવતી હતી. પોરબંદર નગરમાં જે ઋષિકુળ પરંપરાના શિક્ષણ સંકુલો, હૂજુર પેલેસનો વૈભવ અને ચોપાટીનું મસ્ત વાતાવરણ છે તે દરેક વ્યક્તિને સ્પર્શી જાય છે.

પોરબંદરને ત્યાં આવેલા પક્ષી અભયારણ્ય, બરડાના ડુંગરા ઉપરાંત શ્રધ્ધાના સોપાન એવા પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન મંદિરોનો લાભ સુદામાપુરીને મળ્યો છે. એવું કહેવામાં આવે છે કે રાજપૂત રાજા જેઠવા કળાપ્રેમી હતા. બાર પૌરાણિક ઐતિહાસિક નગરોમાંના એક એવા પોરબંદરની જે રચના છે તે એકદમ સુયોજિત અને ચોકસાઈપૂર્વકની કરવામાં આવી હતી.

આજના સ્થાપતિઓ  પોરબંદરને આદર્શ ગણે છે તેમાંથી ઘણી પ્રેરણા લે છે. વૈશ્વિક ધોરણે આધુનિક – સુખ્યાત ટાઉન પ્લાનર્સ પણ એની ડિઝાઇનથી આકર્ષાઈ જાય છે. ત્યાંના પહોળા રસ્તા, ફૂટપાથ, એકસરખી ઈમારતો, રસ્તાને ચોક્કસ ખૂણે ચોક, ફુવારા, બાગ-બગીચા, મંદિરો એ બધી જ વસ્તુઓ અનોખા પોરબંદરની કલગીઓ ગણાય છે. ચારેબાજુ  સોફટ સ્ટોનના કોતરણીવાળા કલાત્મક બાંધકામથી તો આ પોરબંદર શહેર શ્વેત શહેર તરીકે પણ જાણીતું થયેલું છે.

પોરબંદરનું નામ ”પૌરવ” દેવીના નામ પરથી પડ્યું છે એવી લોકવાયકા રહેલી છે :

અત્યારે આધુનિક અને અતિ આધુનિક જે યુગચાલી રહયો છે તેમાં આખું વિશ્વ વીંટળાયેલું છે, તો પોરબંદર એમાં લઇ રીતે બાકાત રહી શકે? એ ઝડપ તો ચાલુ જ રહેતી હોય છે પરંતુ આ શહેર અનેક પ્રાચીન, મધ્યકાલીન મંદિરો અને મહેલો જેવા સ્થાપત્યોના સાનીધ્યમાં પોરસાયેલું છે. કદાચ , યોગ્ય રીતે તેનું ધ્યાન ના રખાવાને લીધે તેમાંથી આપણી ઘણી મોંઘેરી વિરાસતો પણ તહસ-નહસ થઈ ચુકી છે.

ભારત સરકાર તરફથી એક એવું આશાનું કિરણ દેખાયું છે કે ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાએ જે ખંડેર થતો જતો એવો આપણો વૈશ્વિક વારસો છે તેને પ્રાણવાયુ પૂરો પાડવાનું બીડું ઝડપી લીધું છે. જો પોરબંદરના નોંધપાત્ર મંદિરોની વાત કરીયે તો તેમાં ભૂતનાથ મહાદેવ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, રામધૂન મંદિર, જડેશ્વર મંદિર, બિલેશ્વર મહાદેવ, ચાડેશ્વર મંદિર, સુદામા મંદિર, ખીમેશ્વર મહાદેવ વગેરેનો સમાવેશ થાય છે અને તેમાં શ્રધ્ધા અને સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં સૌંદર્યનો સંગમ જોઈ શકાય છે.

જયારે પોરબંદરથી દ્વારકા તરફ જઇયે એટલે હાઈવે પર દરિયા કિનારે પંદર કિલોમીટર છેટે કુછડી નામના નાનકડા નસીબદાર ગામને ખીમેશ્વર મહાદેવની લ્હાવો માંડેલો છે. પુરાતત્ત્વ ખાતાના સર્વેક્ષણ પ્રમાણે આ મંદિર 1600 વર્ષ જૂનું છે અને આ મંદિરનો ૧૮૨૩માં પોરબંદરના મહારાજા ખીમજી જેઠવાએ મહારાણી રૂપાળીબાની પ્રેરણાથી રૂપાળો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો માટે જ આ મંદિરનું નામ ખીમેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે.

કુછડી એટલે શું ? ”ટ્રેઝર હન્ટ” દરમ્યાન મળતી મંજીલ :

આ મંદિર પાંડવકાળનું પશ્ચિમમુખી છે અને તે પૌરાણિક અને દુર્લભ પણ છે. પાંડવોના દેશાટન દરમ્યાન ભીમ અને અર્જુનને રેતીના ઢગલામાંથી શિવલિંગ મળી આવ્યું હતું અને તેમણે પરિવારની ઉપસ્થિતિમાં આ મંદિરની રચના કરી હતી. આ સ્થળ વિષે એવું ઐતિહાસિક મહત્ત્વ રહેલું છે કે પાંડવો અહીંયા થોડું રોકાયા હતા અને અહીંયા જ શિવ આરાધના અને પૂજા કરીને પછી તેમના વનવાસ પંથે આગળ વધ્યા હતા.

આ મંદિર અત્યારે તો ઐતિહાસિક સ્મારકની યાદીમાં સચવાયેલું છે. તેની સાથે જ અહીંયાનો સુંદર દરિયા કિનારો અને પવન ચક્કીઓનો પણ તેને લાભ પ્રાપ્ત થયો છે. આ એકલવાયા મહાદેવનો વિસ્તાર એકદમ શાંત છે. અહીંયાનું વાતાવરણ એકદમ પવિત્ર અને મંદિર વણખેડાયેલું છે. અરે ! અહીંયાનો દરિયો પણ ક્યારેક તો એકલો મૂંઝાતો હોય એવું લાગે છે ! આવા એકદમ ચોખ્ખા ચણાક કિનારા પર ખરેખર ખુલ્લા પગે ચાલીને આવા છૂપા રત્નને છાતીસરસું ચાંપવાનું સાચે જ મન થઇ જાય.

અહીંયાની સુંદર સોનેરી સવાર સૂર્યોદય સાથે અને સૂર્યાસ્તના સમયે સોનેરી સલૂણી સંધ્યા ખરેખર માણીયે તો એની મજા જ કંઈક અલગ છે. નવી બંદરની પાસે ‘ક્રીક’ (નદીનો ફાંટો) ને પાર કરીને પણ પોરબંદર જઈ શકાય છે. આ રક્ષિત સ્મારકના પરિસરમાં લીલોતરી છે અને સાથે જ અહીંયા એકદમ આંતરિક શાંતિનો અનુભવ પણ કરી શકાય છે.

ખીમેશ્વરને સો વર્ષની આયુના આંબલી વડલાનો વૈભવ પ્રાપ્ત થયો છે :

શ્રી ખીમેશ્વર મહાદેવ – એ કુછડી પોરબંદર ખાતેનું ગુજરાતનું એક એવું અદ્વિતીય મંદિર છે કે જેના પરિસરમાં બીજા ઘણા એવા મંદિરોનો પણ સમૂહ છે. ઈ.સ.ની છઠ્ઠીથી સોળમી સદીના ભિન્ન ભિન્ન કલા શૈલીના અહીંયા કુલ સાત મંદિરો આવેલા છે. ખુલ્લામાં બાવન વીર અને ચોસઠ જોગણીના પાળિયા આવેલા છે. અહીંયા 5 પાંડવોની સ્મૃતિ પાળિયા સ્વરૂપે હાજર છે.

આ જગ્યાએ સૌથી નાની ગણેશ દેરી હાથી મસ્તકના શેપની આખા ગુજરાતમાં એક જ માત્ર દેરી આવેલી છે. આ સિવાય અહીંયા બીજા પણ નાના નાના મંદિરો અને પગથિયાવાળી વાવ .પણ રહેલી છે. અહીંયા શિવ પાર્વતી સજોડે છે અને ભક્તોને આશિષ આપતા અહીંયા બિરાજેલા છે. પુરાતત્ત્વખાતાની દ્રષ્ટિ પ્રમાણે આ મંદિર સંકુલમાં આવેલું નવદુર્ગા મંદિર પ્રાચીનતમ શ્રીસ્થળ છે.

મંદિરનું મુખ્ય શિખર આખા વિસ્તારનું એકલપણું દૂર કરે છે અને ભાવિકોને પોતાની તરફ આવવા માટે આકર્ષે છે. એ અસાધારણ કલાકારીગરીવાળું છે. મુખ્ય મંદિરના સ્તંભો અને દરિયા તરફની પરસાળ રસિકજનોને ખુબ જ ભાવપૂર્વક સ્વાગત કરે છે અને તેમની આંખોને સંતોષ આપે છે અને દિલને ભક્તિથી ભરપૂર કરી દે છે. અહીંયાના આંગણામાં જે પક્ષીઓ આવે છે તેમનું પણ સ્વાગત અહીંયા ખુબજ હૃદયપૂર્વક થાય છે અને બધા જ જીવો પ્રત્યેના પ્રેમને ઉજાગર પણ કરે છે. અહીંયાંનું સ્થાપત્ય સાદું છે છતાં પણ તે અલગ છે.

ટિપ્પણી

ચાલો જોઈએ એક એવા જંગલ વિષે કે જ્યાં છુપાયેલી છે કેટલીક એવી હકીકતો, અને નથી દેખાતા એક પણ પશુ કે પક્ષી

બોલીવુડની આ 7 અભિનેત્રીઓ એવી છે કે જેઓ પહોંચી ગઈ હતી કેરિયરની ટોચ પર , પરંતુ લગ્ન બાદ બરબાદ થઇ ગયું તેઓનું કરિયર …..