ગજબનું ભાષા પ્રભુત્વ ધરાવતી 13 વર્ષની હરિયાણી છોરી જાહ્નવી

Please log in or register to like posts.
News

બાર ગાઉએ બોલી બદલાય એમ સાંભળ્યું હોય તો ખબર હશે કે આ કહેતીમાં એમ અભિપ્રેત છે કે બોલવાના લહેકામાં વિસ્તાર પ્રમાણે કંઇક અલગ એવા ઉચ્ચારણ હોય છે, ભલેને ભાષા એક જ હોય..આપણી ગુજરાતીના ચારેય છેડે ત્યાંના સ્થાનિકોને સાંભળ્યાં છે ને..ચરોતરી, સોરઠી, હાલારી, કચ્છી, સૂરતી..આ બધાં એનાં જ નમૂના છે. વિશ્વની વાત કરીએ તો એકવીસમી સદીમાં કોઇ શક વિના એક જ ગ્લોબલ લેંગ્વેજનો સિક્કો ચાલે છે….અંગ્રેજી.

આ અંગ્રેજીમાં પણ આપણી ગુજરાતીની જેમ જુદાજુદા લહેજામાં બોલાય છે. ભારતમાં પ્રાદેશિક ભાષાઓ નબળી પડી છે અને વૈશ્વિક અંગ્રેજી છવાઇ ગઇ છે તે કોઇને ગમે કે ન ગમે, નરી વાસ્તવિકતા છે. ખેર, વાત કરવી છે આ અંગેજી ભાષામાં એક દેહાતી દીકરીની અદભૂત નિપુણતાની. તેથી પણ વધારે એ ધ્યાન દોરવું છે કે આ 13 વર્ષની દીકરી જાહ્નવી પવાર ભાષા ઉચ્ચારણમાં એવી નિપુણ નીવડી છે કે તેની દુનિયાભરમાં નોંધ લેવાઇ છે.

મ્હારી છોરિયાં છોરો સે કમ હૈ કે..એક ફિલ્મનો આ ડાયલોગ હરિયાણવી ભાષામાં બોલાયેલો છે એ દીકરી પણ અહીંની જ છે. હરિયાણાના પાનીપત જિલ્લાના એક ગામ માલપુરમાં જાહ્નવી રહે છે. જાહ્નવીની વૈશ્વિક નોંધ લેવાઇ છે કે તે આઠ અલગઅલગ વિદેશી લહેજામાં સમૃદ્ધ ઉચ્ચારણ સાથે વાત કરે છે. 13 વર્ષની વયમાં આમ કરવું સાવ આસાન તો નથી જ નથી.

હવે કહું કે જાહ્નવી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. તે બીએનો અભ્યાસ કરી રહી છે. જાહ્નવીની અંગ્રેજીની કાબેલિયતની નોંધ બીબીસી સુધી પહોંચી તો તેમણે આ દીકરીનો સ્ટુડિયો ચેક પ્રોગ્રામ પણ કર્યો હતો. બીબીસીના કાર્યાલયમાં બોલાવાઇ ત્યારે બીબીસી લંડનના સંવાદદાતા સાથે એકદમ બ્રિટિશ લહેજામાં તેમની સાથે જાહ્નવીએ વાતચીત કરી તો કોઇ માઇનો લાલ ત્યાં બાકી ન હતો કે આશ્ચર્યચકિત ન થાય.

જાહ્નવી ઓસ્ટ્રેલિયન લહેજાની અંગ્રેજીમાં પણ વાત કરે છે., તેને અંગ્રેજીમાં લખેલું કંઇપણ આપી દો તો એ બ્રિટિશ, કેનેડિયન, અમેરિકન,ઓસ્ટ્રેલિયન, સ્કૉટિશ, ફ્રેન્ચ, જાપાનીઝ અને પૉશ લહેજામાં આલાગ્રાન્ડ, ફ્લુઅન્ટ, અસ્ખલિત ધારાપ્રવાહમાં ઉત્કૃષ્ટપણે બોલીને બતાવે છે. તેની આ નિપુણતાની પરખ કરી લેવામાં આવી છે.

13મે વર્ષે દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી જાહ્નવીએ એક વરસમાં બે ક્લાસ પાસ કર્યાં છે. સીબીએસઇની પરવાનગી સાથે 10મું અને 12મું બોર્ડ પાર કરીને બીએ કરી રહી છે. જાહ્નવીએ રાતોરાત આવું સરસ ભાષા નૈપુણ્ય નથી મેળવ્યું, સખત મહેનતનું પરિણામ છે. જાહ્નવીએ આ શીખવા ઇન્ટરનેટ માસ્ટરનો ઉપયોગ કર્યો છે. તેના પિતા શિક્ષક છે જેમણે પણ જાહ્નવી માટે બહુ મહેનત કરી. બે વરસની જાહ્નવી ખૂબ ઝડપથી બધું યાદ કરી લે છે તે જોઇને તેની ખૂબીને પિતાએ ઓળખી અને કંઇક અલગ પ્રશિક્ષણનું લક્ષ્ય બતાવ્યું. જાહ્નવી ખૂબ મધુર સ્વરની માલિક પણ છે અને સુંદર ગાયન ગાય છે. જાહ્નવીએ રેબેકા બ્લેકનું હાર્ટ ફુલ ઓફ સ્કેર બીબીસી મુલાકાતમાં ગાયું હતું.

જાહ્નવીનું અંગ્રેજીનું પ્રભુત્વ અન્ય ભાષાઓ શીખવામાં ખૂબ મદદરુપ બન્યું છે. હાલ ફ્રેન્ચ ભાષા શીખે છે. વિશ્વભરમાં ઘૂમવાની ઇચ્છા ધરાવતી જાહ્નવીએ રશિયન, ઇટાલિયન, જર્મન ભાષા પણ એક પછી એક શીખવાનું નક્કી કર્યું છે. જાહ્નવી ઇચ્છે છે કે જ્યારે તે દુનિયાના દેશોમાં ફરવા જાય ત્યારે ત્યાં કોઇને એ પારકી ન લાગે, બીજા દેશમાંથી આવેલી ન માને એટલે એ જે તે દેશની ભાષામાં અને તેમના લહેજામાં બોલીને વાત કરવા માગે છે.

આવડી નાની વયમાં નક્કી ધ્યેય સાથે રસપૂર્વક દુનિયાની બોલીઓ બોલતી થઇ ગયેલી આ દીકરી ભારતની નવી પેઢીની કેવી સરસ સમર્થતા દુનિયાને દેખાડી રહી છે નહીં!… જાહ્નવી મોટિવેશનલ સ્પીકર પણ છે જે મોટાંમોટાં આઈએએસ પ્રોફેશનલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાખ્યાન આપવા ભારતના 8 રાજ્યમાં તે ફરી ચૂકી છે. ભવિષ્યમાં માતાપિતા તેને આઈએએસ ઓફિસર તરીકે જોવા માગે છે પણ તેને તો ટીવી એન્કરિંગ જોબ આકર્ષક લાગે છે. અત્યંત આત્મવિશ્વાસથી સભર આ દીકરી માતાપિતાની ઇચ્છા સંતોષવા આઈએએસ ક્લીયર કરશે પણ જોબ તો તેને ગમશે એ જ કરશે…! ઓફિસર બની કોઇ જિલ્લામાં પડ્યાં રહેવાનું તેને મંજૂર નથી… યાદ આવી રહ્યું છે… યૌવન વીઝેં પાંખ..

Source: Chitralekha

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.