જ્ઞાનગંજ

Please log in or register to like posts.
News

આ બ્રહ્માંડ, સૌરમંડલ અને પૃથ્વી ની ઉત્પતિ વિશે ઘણા સિદ્ધાંતો છે, અલગ મત-મતાંતર છે. ફક્ત પૃથ્વી પર જ માનવ જીવન છે કે બીજી કોઈ જગ્યા પણ છે જયાં માનવી અથવા માનવ જેવા જીવ વસવાટ કરતા હોય. પૃથ્વી પર પણ ઘણી એવી જગ્યાઓ છે કે જયાં સુધી માણસ હજી સુધી પહોંચી શક્યો નથી. આપણી પૃથ્વી પર ઘણા સ્થળો એવા છે કે જે અત્યંત રહસ્યમય છે. આવા અમુક સ્થળો ભારતમાં પણ છે જેની આંટી-ઘૂંટી હજી સુધી વિજ્ઞાનીકો સુધ્ધાં સમજી શક્યા નથી.

ભારત દેશ ની ઉત્તર દિશામાં ભારત માઁ નાં શીશ-મુકુટ સમા હિમાલયમાં એક એવી જગ્યા છે જે આપણી દુનિયાથી સાવ અલગ છે. આ જગ્યાનું નામ છે ‘જ્ઞાનગંજ’ , જ્ઞાનગંજ ને સિદ્ધઆશ્રમ, શાંગરી-લા અથવા તિબેટની ભાષામાં શમ્બાલા નાં નામ થી પણ ઓળખવામાં આવે છે. આ એક એવી રહસ્યમય જગ્યા છે કે જયાં કોઈ સામાન્ય માણસ પહોંચી શક્તો નથી, કે આ જગ્યા ને મહેસૂસ કરી શકાતી નથી. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન ધરાવતી વ્યક્તિ જ જ્ઞાનગંજ સુધી પહોંચી શકે છે અને ત્યાં રહેવા વાળા કોઈ સિદ્ધ સાધુ જ કોઈને ત્યાં સુધી લઇને જઇ શકે છે. જ્ઞાનગંજ ની સૌથી મોટી અને ચોંકાવનારી વિશેષતા એ છે કે ત્યાં કોઈ નું મૃત્યુ થતુ નથી.

એવું કહેવાય છે કે આપણો સંસાર ત્રણ આયામ પર આધારિત છે, સ્વર્ગલોક – પૃથ્વીલોક – પાતાળલોક, જ્યારે જ્ઞાનગંજ એ ચોથા આયામ પર છે. જ્ઞાનગંજ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી તો નથી મળી શકી પરંતુ ઘણાં લોકો એ જ્ઞાનગંજ વિશે ઘણુ બધુ લખ્યું છે. માનવ સંસ્કૃતિ નો સૌ-પ્રથમ ગ્રંથ ‘ ઋગ્વેદ ‘ માં પણ જ્ઞાનગંજ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય પુરાતન હિન્દુ સંસ્કૃતિ નાં અમુક ઉપનિષદ અને પુરાણો માં પણ આ વિશિષ્ટ જગ્યા નો ઉલ્લેખ છે. આ પવિત્ર અને અલૌકીક જગ્યા હિમાલય પર્વતમાળા પર કૈલાશ માનસરોવર પાસે આવેલી છે.

જ્ઞાનગંજ વિશે એવું પણ માનવામાં આવે છે કે રામ, ક્રિષ્ના, બુદ્ધ, શંકરાચાર્યા, મહાવીર સ્વામી સહીત અન્ય દેવી-દેવતાઓ પણ અહિ રહે છે. અથવા તો એવું પણ કહી શકાય કે જ્ઞાની અને સિદ્ધ ઋષિ-મુનિઓ કે જેની પાસે અલૌકીક શક્તિઓ છે તેઓ જ્ઞાનગંજ માં રહે છે. મહર્ષિ વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભીષ્મ, મુનિ અત્રિ, મહાયોગી ગોરખનાથ જેવા મહાન ઋષિઓ નાં ઉપદેશ સાંભળી શકાય છે. જ્ઞાનગંજ માં સાધુ-સંતો, સિદ્ધ યોગીઓ અને અપ્સરાઓ ને સાધના કરતા જોય શકાય છે.

આજ નાં વૈજ્ઞાનીક યુગમાં જ્યારે માનવી અણુ માંથી ઉર્જા મેળવવામાં સક્ષમ બન્યો છે ત્યારે જ્ઞાનગંજ નાં સિદ્ધ ઋષિઓ ઉર્જા માંથી અણુ બનાવવાની તાકાત ધરાવે છે. સ્વામી વિશુદ્ધાનંદ ના કહેવા મુજબ ભૌતિક વિજ્ઞાન પૂરેપુરૂ સૂર્ય એન્ડ ચંદ્ર પર આધારિત છે. એમણે એવું કહ્યુ કે દરેક અણુ સૂર્ય ના કિરણ માંથી જન્મ પામે છે, હવે જો અણુ ને સૂર્ય ના કિરણ મ તબદીલ કરી દેવામાં આવે તો તેમાંથી ઉર્જા પ્રાપ્ત કરી શકાય. સંસ્કૃત વિશ્વ-વિદ્યાલયના પુર્વ પ્રધાનાચાર્ય શ્રી ગોપીનાથ કવીરાજ એ આ વિષય પર વિસ્તૃતમાં એમનાં પુસ્તક ‘ સિદ્ધભૂમિ જ્ઞાનગંજ ‘ માં લખ્યું છે. આ પુસ્તકમાં શ્રી ગોપીનાથ કવીરાજ એ એમનાં ગુરુ સ્વામી શ્રી વિશુદ્ધાનંદ ના જ્ઞાનગંજ નાં અનુભવોનું વર્ણન કરેલુ છે.

આ દુર્લભ અને પવિત્ર જગ્યા સુધી પહોંચવું બહુ જ મુશ્કેલી ભર્યું હોય એવું લાગે છે, પણ અસંભવ ના કહી શકાય. જો ખરેખર આવી કોઈ જગ્યા હોય તો ભવિષ્ય માં કોઈ’ક તો ત્યાં પહોંચશે જ. ધ્યાન અને તપ કર્યા પછી કોઈ વ્યક્તિ પોતાના અર્ધજાગૃત-મન ની શક્તિઓ ને પામી શકે તો તેનાં માટે જ્ઞાનગંજ સુધી પહોંચવું શકય બની શકે. હિમાલય નાં ઊંડાણ માં કૈલાશ પર્વત અને માનસરોવરની ઉત્તર દિશામાં, આ સ્થળ સરોવરો અને કુદરતની અપ્રતિમ સુંદરતાથી ઘેરાયેલુ છે. અને ત્યાં કોઈ એક સરોવર પર પૂલ બંધાયેલો છે, જે પૂલ આ સંસાર ને જ્ઞાનગંજ સાથે જોડે છે. જો કોઈ વ્યક્તિ આ પૂલ ને પાર કરી શકે તો તે વ્યક્તિ જ્ઞાનગંજ માં પ્રવેશ મેળવી શકે છે.

અંત માં, આપણાં માંથી કોઇએ આ સ્થળ જોયું નથી કે એનાં ફોટોગ્રાફ્સ કે વિડિઓ નથી એટલાં માટે વિશ્વાસ થી આ જગ્યા સુધી પહોંચવું અથવા કાંઇ કહેવું મુશ્કેલ છે. પરંતુ ઘણા જ્ઞાની-વિદ્વાનો એ આ સ્થળ વિશે લખ્યું છે, અને ઋગ્વેદ જેવા પૌરાણિક ગ્રંથ માં પણ જ્ઞાનગંજ નો ઉલ્લેખ કરાયેલો છે, એટલાં માટે જ આ સ્થળ એક રહસ્યમય સ્થળ છે.

– પ્રતિક જાની ‘રખડ઼ુ’

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.