જીવનના એક-એક ક્ષેત્રે છોકરીઓ હરણીની જેમ આગેકૂચ કરી રહી છે, એનાં કારણો જાણો છો?

Please log in or register to like posts.
News

દસમા અને બારમા ધોરણના પરિણામ આવી ગયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ પોતાના મનગમતા ક્ષેત્ર અને કોલેજોમાં એડમિશન પણ લઇ લીધા હશે. વડીલો પણ હવે ટેન્શનમુક્ત થઇને તહેવારોની ઉજવણીમાં લાગી ગયા છે. પણ છેલ્લા કેટલાક વર્ષથી નિયમિતપણે એ જોવામાં આવી રહ્યું છે કે એસ.એસ.સી. હોય કે આઇ.સી.એસ.ઇ, સી.બી.એસ.ઇ. હોય કે યુનિવર્સિટીની પરીક્ષાઓ છોકરીઓ ‘ટોપ ક્લાસમાં’ આવતી જાય છે.

સો વર્ષ પહેલાનું ભારત જોયું હોય તો ક્ધયા શિક્ષણને મામલે તમને કોઇ ગણ્યાગાંઠ્યા અપવાદ સિવાય વધુ જાણવા ન મળે. પરંતુ રાજા રામ મોહન રોય, મહાત્માફૂલે જેવા અનેક ઓગણીસમી સદીના સમાજસુધારકોના પ્રયત્નોને કારણે ક્ધયા કેળવણીના વિધિસરના મંડાણ થયા. વૈદિક યુગમાં તો છોકરાઓ જ ગુરુકુળમાં અભ્યાસ કરવા જતા. છોકરીઓ તો રસોઇ ને સાફ સફાઇ જેવા કામો-ઘરે જ શીખતી. પરંતુ આજે શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. છોકરીઓ ભણવા તો માંડી છે એ તો સમજ્યા પણ છોકરાઓ કરતા આગળ પણ નીકળી ગઇ છે. હજુ થોડા વર્ષો પહેલા કોઇ પણ પરીક્ષાઓના પરિણામમાં ‘મેરીટ લિસ્ટ’ પર છોકરાઓનો ઇજારો હતો. હવે આ યાદીમાં પણ વધુને વધુ છોકરીઓ પોતાના નામ અંકિત કરતી જાય છે.

આવી પરિવર્તન માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં નોંધાય છે.

દુનિયાના શ્રીમંત દેશોની એક સંસ્થા-ઓઇસીડીએ ૧૫ વર્ષના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની કામગીરીનો અભ્યાસ કર્યો તો ઘણા રસપ્રદ તારણો જોવા મળ્યા.

વાંચન હોય કે ગણિત કે પછી વિજ્ઞાન હોય-સાધારણ સંજોગોમાં છોકરીઓ છોકરાઓ કરતા દરેક વિષયમાં આગળ હોય છે. ગ્લાસગો યુનિવર્સિટીના અધ્યાપકોના સંશોધન અનુસાર માત્ર વિકસિત દેશો જ નહીં પણ કતાર, જોર્ડન અને યુનાઇટેડ આરબ અમીરાતના દેશોમાં જ્યાં પુરુષ-સ્ત્રી સમાનતાનો પવન હજુ ઓછો ફૂંકાયો હોય ત્યાં પણ શિક્ષણની બાબતમાં છોકરીઓ છોકરાઓ કરતાં- આગળ રહે છે.

સંસ્થાઓએ માત્ર આ તારણ જ નથી કાઢ્યા,આમ થવાના કારણો પણ શોધ્યા છે.પ્રસ્તુત છે એ કારણો જેના વડે છોકરીઓ હાલમાં ‘અભ્યાસ’ બાબતે છોકરાઓ પર પ્રભુત્વ ભોગવી રહી છે.

(૧) છોકરીઓ, છોકરા કરતાં વધુ વાંચે છે. વાંચવામાં કૌશલ્ય હોય તો એ પાયા પર આખા શિક્ષણની ઇમારત ઊભી કરી શકાય છે. છોકરાઓ ‘વાંચન’માં છોકરીઓ જેટલું સારું ઉકાળી નથી શકતા. એટલે બીજા વિષયોમાં પણ તેમની કામગીરી નબળી રહે છે.

(૨) છોકરીઓમાં ગ્રાસ્પીંગ પાવર-સમજણશક્તિ વધુ હોય છે. છોકરીઓને વિષય સમજાવો તો છોકરાઓ કરતા ઝડપથી સમજી જાય છે. છોકરાઓને સમજતા વાર લાગે છે.

(૩)છોકરીઓ ‘હોમવર્ક’ માટે વધુ સમય આપે છે. એક સર્વે મુજબ છોકરીઓ અઠવાડિયામાં સાડા પાંચ કલાકથી વધુ સમય હોમવર્ક માટે ફાળવે છે. જ્યારે છોકરાઓ સાડાચાર કલાકથી પણ ઓછો સમય ફાળવે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે શિક્ષકોએ આપેલું હોમવર્ક સમયસર પૂરુ કરવાથી વાંચન, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં વધુ પાવરધા થઇ શકાય છે.

છોકરાઓ હોમવર્કમાં સમય ઓછો અને ઓનલાઇન ગેઇમ રમવામાં છોકરીઓ કરતા લગભગ ૧૭ ટકા વધુ સમય વેડફે છે. છોકરાઓ ઇન્ટરનેટનો વપરાશ પણ છોકરીઓ કરતાં વધુ કરે છે.

(૪) છોકરીઓ, છોકરાઓ કરતા વધુ સમય ઘરમાં રહે છે. છોકરાઓ રમતગમત અને મિત્રો સાથે રખડપટ્ટી અર્થે બહાર વધારે રહેતા હોય છે. જ્યારે છોકરીઓ તેમની સરખામણીએ ઘરમાં વધુ સમય ગાળે છે.

ભારત જેવા દેશની વાત કરીએ તો ખાસ કરીને મધ્યમવર્ગના મા-બાપો છોકરી વધુ બહાર ન રહે, સમયસર ઘરે આવી જાય તેની ચિંતામાં રહેતા હોય છે. છોકરાઓ થોડા મોડા આવે તો ચાલે, છોકરી સમયસર ઘરે આવવી જોઇએ એવું એક દબાણ, આગ્રહ કે શિસ્ત પણ છોકરીઓના અભ્યાસ બાબતમાં મદદરૂપ પુરવાર થાય છે.

(૫) ભારત જેવા દેશમાં-જ્યાં હજુ પણ મોટા ભાગની છોકરીઓ પરણીને સાસરે જાય છે ત્યાં માબાપને એક ચિંતા હોય છે કે દીકરી ભણેલી હશે તો સાસરે ન કરે નારાયણ કોઇ સમસ્યા આવે તો પગભર થઇ શકશે. જ્યારે છોકરાઓ બાબતે-ખાસ કરીને જેમને પોતાના વ્યવસાય હોય તેઓ પોતાના દીકરા બાબતે – આટલી દરકાર રાખતા નથી. ભણે તો ઠીક, ન ભણે તો ધંધામાં લાગશે એવી ભાવના ખાસ કરીને ગુજરાતી મા-બાપોમાં ઘર કરી ગઇ હોય છે.

છોકરાઓની ‘કામગીરી’ સુધારવા શું કરવું જોઇએ:

(૧) છોકરાઓને કોમિક્સ કે અખબાર વાંચવાનું ગમતું હોય છે. આ જ રીતે અભ્યાસના પુસ્તકો વાંચવામાં રૂચિ વધે તેવા પ્રયાસો કરવા જોઇએ.

(૨) છોકરાઓ મોબાઇલ પ્રત્યે ઓછો સમય અને હોમવર્ક માટે વધુ સમય ફાળવે તેવા સંજોગો નિર્માણ કરવા જોઇએ.

(૩) આજકાલ છોકરો હોય કે છોકરી-બેઉને એક સમાન ઉછેરવા જોઇએ. જેટલા લાડકોડ છોકરાઓને કરીએ છીએ એટલા જ લાડકોડ છોકરીઓને કરવા જોઇએ. જેટલી શિસ્ત અને પાબંદીઓ છોકરીઓ માટે રાખીએ છીએ એટલી જ શિસ્ત અને પાબંદીઓ છોકરાઓ માટે પણ હોવી જોઇએ.

વેપારી-પિતાએ પણ છોકરાઓને એ રીતે ભણાવવામાં રસ લેવાનું કહેવું જોઇએ કે કાલે ધંધો-ચાલ્યો ન ચાલ્યો તો ભણતર તો કામ આવશે જ.

બોક્સ : ૧

મહિલાઓના ‘પરફોર્મન્સ’ વિશે મહાનુભાવો /તત્ત્વ-ચિંતકો શું કહે છે :

એકવાર સ્ત્રીઓ પુરુષ સમોવડી બની જાય તો પછી તો તે પુરુષ કરતા પણ ચઢિયાતી સાબિત થાય એમ છે.
-સોક્રેટિસ.

સ્ત્રીઓ, પુરુષ જેટલી જ ક્ષમતાવાન હોવાનો ઢોંગ કરે છે. ખરેખર તો તે પુરુષો કરતા પણ ચઢિયાતી હતી, છે અને રહેશે.
-વીલીયમ ગોલ્ડીંગ

રાજકારણમાં, અગર તમારે માત્ર ‘નિવેદનો’ કરાવવા હોય તો પુરુષને કહો. પણ કોઇ કામ પાર પાડવું હોય તો સ્ત્રીને કહો.
-માર્ગારેટ થેચર.

જેટલું સ્ત્રીનું શરીર પુરુષ કરતા વધુ કોમળ છે એટલી જ તેની સમજણશક્તિ પુરુષ કરતા વધુ તીક્ષ્ણ છે.
-ક્રીસ્ટીયન દ.પીઝાન

સ્ત્રીઓ, પુરૂષ કરતાં વધુ ચતુર છે. કારણ કે તે જાણે છે ઓછું પરંતુ સમજે છે વધુ.
-જેમ્સ થર્બર.

એટલી ખાતરી છે ભગવાને પહેલાં પુરૂષનું સર્જન કર્યું હશે કારણકે માસ્ટરપીસ (સ્ત્રી)નું સર્જન કરતા પહેલાં-કાચો મુસદ્દો ઘડવો જરૂરી છે.
-અજ્ઞાત

સરસ્વતી-લક્ષ્મી-પાર્વતીની પૂજા, છતાં પણ સ્ત્રીઓની ઉપેક્ષા

વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે કે સૈન્ય ક્ષેત્રે સ્ત્રીઓની ઉપેક્ષા થતી રહી. પરંતુ હવે સમય બદલાયો છે આપણા શાસ્ત્રોમાં, વર્ષોથી સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. તે એટલે સુધી કે વિદ્વાનો શિક્ષણ લે, આપે કે નવો ગ્રંથ લખે તો પ્રથમ સરસ્વતી પૂજન કરતાં છોકરાંઓની શાળામાં પણ નિયમિત સરસ્વતીની આરાધના થાય. સરસ્વતીરૂપે સ્ત્રીની આરાધના થાય પરંતુ સ્ત્રીઓની જ ગેરહાજરી હોય તેવું ભૂતકાળમાં બનતું.

આ જ રીતે વેપાર હોય કે યુદ્ધ- લક્ષ્મીપૂજન કે શોર્યની દેવી પાર્વતી(મહાકાળી)ની વર્ષોથી પૂજા કરીએ છીએ પણ તે ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું રહેતું એ ખરેખર આશ્ર્ચર્યની વાત છે.

હકીકતમાં તો સ્ત્રીઓ કોઇ પણ ક્ષેત્રમાં પુરુષોની સમકક્ષ બની શકે છે કે પછી આગળ પણ નીકળી શકે છે. કોઇ પણ બાબતે તે પાછળ નથી.

પરંતુ કુદરતે તેને માતા બનવાની અને સંતાનનો ઉછેર કરવાની જે જવાબદારી આપી છે એટલે સ્ત્રી પોતે જ પુરુષને આગળ કરીને પોતે પાછળ રહેવામાં પણ એક ગર્વ અનુભવે એટલી ઉદાર થઇ શકે છે. ધન્ય છે સ્ત્રીને અને સ્ત્રી શક્તિને.

દંપતીમાં, પતિની ઉંમર કરતાં પત્નીની ઉંમર ઓછી કેમ હોય છે?

સામાન્ય રીતે પતિ કરતાં પત્ની વયમાં નાની હોવી જોઇએ એવો વર્ષોથી એક વણલખ્યો સિદ્ધાંત, સમગ્ર વિશ્ર્વમાં અને ભારતમાં પણ પળાતો આવ્યો છે. એની પાછળ એક કારણ એ પણ છે કે સરખી ઉંમરના છોકરા છોકરીઓમાં સ્ત્રી વધુ શાણી વધુ પાકટ જ્યારે પુરુષ વધુ ભોળો અને ઓછો પાકટ હોય છે.

૧૨ વર્ષની છોકરીમાં જે સમજણશક્તિનો વિકાસ થાય છે તે છોકરાઓની બાબતમાં ૧૫ કે ૧૬ વર્ષની ઉંમરે થતો હોય છે. સ્ત્રીઓ ત્રણથી ચાર વર્ષ નાની હોય તો પણ પુરુષ જેટલી જ ‘મેચ્યોર્ડ’ હોય છે. આવા લગ્નો વધુ સફળ નીવડતા હોય તો નવાઇ નહીં. સ્ત્રી જો પુરુષની ઉંમર જેટલી કે તેથી પણ મોટી હોય તો – બુદ્ધિ અને શાણપણની અસમાનતાથી બેઉના અહમ્ ટકરાઇ શકે અને લગ્નજીવનની નિષ્ફળતાની શક્યતા વધી પણ શકે. આજ બાબત ભણતર માટે પણ લાગુ પડે છે. પુરુષો પોતાના કરતા ઓછુ ભણેલી કે ઓછું જાણતી સ્ત્રીઓને પસંદ કરે છે. એટલું જ નહીં અગર છોકરી કમાતી હોય તો – તે પોતાના કરતા ઓછું કમાતી હોય તો જલદીથી પસંદ કરે છે. જો છોકરી છોકરા કરતા વધુ કમાતી હોય તો છોકરો લઘુતાગ્રંથિ અનુભવ્યા કરે છે. અને લગ્નજીવનમાં ભંગાણ પડવાની શક્યતા વધી જાય છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.