એક સબક

Please log in or register to like posts.
News

ગઈ કાલે 24-6 નો મારો જન્મદિવસ હતો. કાલે રાત્રે મિત્રોએ મને મોડા સુધી ઘરે આવવા દીધો ન હતો. એટલે આજે સવારે હું મોડો જાગ્યો હતો. નાહીને બહાર આવ્યો કપડાં બદલતો હતો. અહા…..પ્રિયાએ આપેલી મારા મનપસંદ સફેદ રંગની હુડી ટી-શર્ટ અને એશ ગ્રે કાર્ગો પેન્ટ પહેરી. કોફીબાર ની કોફી અને વાસી પાઉં ખવડાવીને મિત્રોએ મારુ સ્લિમ ફિટ પેટ વધારી દીધું છે એ મને આજે જ ધ્યાન મા આવ્યું. પ્રિયાએ મને ગયા વર્ષ ના અંદાજે જ 30 ની પેન્ટ ગિફ્ટ કરી હતી પણ કદાચ હવે મારે 32ની જરૂર હતી થોડી જ વારમાં મને પેટમાં દુખાવો થવા લાગ્યો કપડાં બદલવા જ પડ્યા. મૂડ ઑફ થઈ ગયો. મેં પ્રિયાને ફોન કર્યો……

“તને કપડાં લાવતા ન આવડે તો શું કામ લાવ્યા?” પ્રિયાએ જેવો ફોન લીધો એવોજ હું બરાડયો.

“સોરી બકા શુ થયું? ના ગમ્યા?” પ્રિયાને મારા મિજાજની ખબર જ હતી . એને ખબર હતી કે નાની વાત માં પણ હું બ્રેક અપ કરી દઉં. એટલે એ મને હંમેશા કરગરતી આજીજી કરતી અને મનાવી લેતી.

“શુ તંબુરો ગમે….. તે મારા વધેલા પેટ ની મજાક કરવા માટે જ એવા કપડાં આપ્યા ને? હમણાં ફેંકી જાઉં છું પહેરાવજે તારા બાપ ને…..”

“વિકી તને શું થયું છે? આમ બોલે મને હર્ટ નઇ થતું હોય?” પ્રિયા રીતસર ની રડી રહી હતી. છતાં મને દયા ન આવી. મને ગુસ્સામા હું શું કરું છું એની ખબર જ નથી હોતી.

“અચ્છા તારે હાર્ટ છે તે થાય તને હર્ટ ?” કહી મેં ફોન મૂકી દીધો. મને ખબર હતી કે પ્રિયા થોડીવાર માં ફોન કરી રડશે એટલે મેં મોબાઈલ પણ બંધ કરી દીધો.

એજ સમયે સંદીપે બૂમ પાડી “વિકી”

“શુ છે તારે? …..” કહીને હું રૂમ બહાર ગયો સંદીપ સજી ધજી ને આવ્યો હતો.

“ભાઈ જરાક શાંત. આજે તો સવાર સવારમા જ શિવ તાંડવ કરવાના મૂડ માં છે નઇ ?” સંદીપે એના સાંત અવાજ માં કહ્યું. સંદીપ જાણતો હતો મને કઈ રીતે સમજાવવો.

એક પળ મા જાણે બધો જ ગુસ્સો થૂંકી દીધો હોય એમ મેં પૂછ્યું “બોલ ક્યાં જાવું છે?”

“ગાર્ડનમાં…..”

“સવાર સવાર થી ગાર્ડન મા તારે શુ કામ છે?”

“ફૂલોને જોવા.ચલને યાર. પ્લીઝ…..” સંદીપ ડબલ મિનિંગ માં બોલ્યો પછી ચહેરો બનાવ્યો. મને એના પર દયા આવી.

“ઓકે” મન મારીને હું તૈયાર થયો.

અમે નીકળ્યા. સંદીપ ના R 15 પર અમે થોડીજ વારમાં ‘પ્રિન્સ ગાર્ડન’ પહોંચ્યા. અંદર એક નાનકડા મંદિરે મસ્તક ઝુકાવી અમે પાછળ ના ભાગે ગયા. બધા સારા કપડામાં સજીને આવેલા કૉલેજ કપલ્સ ત્યાં ફરતા હતા. મેં ફરી એક વાર મનોમન પ્રિયાને ગાળો દીધી.

સંદીપ મને ગર્લસ બાજુના બાંકડા પાસે ખેંચી ગયો. અમે ત્યાં ગોઠવાયા સંદીપ એની આદત મુજબ એના નખરા કરવા લાગ્યો. હું બસ અવાચક બનીને બેઠો હતો.

અચાનક મારી નજર સામેના બાંકડા પર બેઠેલી એક વ્યક્તિ પર ગઈ. 40 વર્ષનો માણસ અહીં સવાર સવારમાં? અને એ પણ આમ એકીટશે સામેના ફૂલોને જોઈ રહ્યો હોય ? મને નવાઈ લાગી. મને સંદીપ ના નખરામાં કોઈ રસ ન હતો એટલે મેં એ વ્યક્તિની તપાસ કરવા ચોકીયાત ને એના વિશે પૂછવાનું નક્કી કર્યું.

ચોકીયાત ની કેબિનમાં જતા જ મેં પૂછ્યું… “પેલા અંકલ કોણ છે?”

“કયા અંકલ?”

“અરે એ બેઠાને ત્યાં સાલ ઓઢીને.” મેં એ તરફ ઈશારો કરતા કહ્યું.

“અચ્છા એ તો રાઘવ છે. એ અંકલ નથી હજુ 30 ના જ છે એ.”

“30 ના?” મને ચોકીયાત ની વાત ગળે ન ઉતરી.

“હા 30 ના બસ દુઃખ માણસને અંદર થી ખાઈ જાય છે. એટલે એ 40 નો દેખાય છે.”

“સાનુ દુઃખ?” હવે રાઘવ વિશે જાણવાની ઉત્સુકતા વધવા લાગી.

“એ એની રશ્મિની રાહ જોઇને બેઠો છે.”

“હા તો હમણાં આવી જશે એમાં શુ દુઃખ.” હું વચ્ચે જ બોલ્યો.

“છેલ્લા 10 વર્ષ થી…..” ચોકીયાતે વાક્ય પૂરું કર્યુ. એના શબ્દો જાણે શબ્દ નઇ તિર હોય એમ મારી છાતી માં ઊતરી ગયા.

પેલો ચોકીયાત પણ સ્તબ્ધ થઈ ગયો કદાચ મારા ચહેરાના ભાવ જોઈ એ સ્તબ્ધ થયો હશે.

“10 વર્ષ થી રાહ દેખે છે……!”

“હા બેટા. એ પહેલાં તારી જેમ જ હસતો ખેલતો હતો. રશ્મિ અને રાઘવ બન્ને અઠવાડિયામાં 2 વખત અહીં મળતાં. મોબાઇલ ક્યાં હતા ત્યારે…..”

” રશ્મિ એટલે કઈ સુંદર હતી જાણે ગુલાબનું તાજું ખીલેલું ફુલ જોયું. બંને અહીં આવતા મળતા. ત્યારે તો આ બગીચોય નાનો જ હતો. ખાસ કોઈ આવતું જ નઈ.”

“પછી…..” મેં પૂછ્યું.

“પછી એક દિવસ રાઘવ એક દિવસ એજ બાંકડા ઉપર આવીને બેઠો. એકલો જ. ઉદાસ. મને લાગ્યું કદાચ રશ્મિ સાથે ઝઘડો થયો હશે હમણાં એ આવીને એને માનવી લેશે.”

“તમે પૂછ્યું નઇ એમને?” મારાથી પુછાઇ ગયુ.

“પુછયુને. પણ પૂછ્યું એટલે ખબર પડી કે વાત કાંઈક અલગ જ હતી.”

“અલગ શુ વાત હતી?”

” રશ્મિની સાવકી માં એને બીજે પરણાવવા માંગતી હતી એના ભત્રીજા ના સાટે….”

“તો રશ્મિના પપ્પા?”

“એને ક્યાં બાપ હતો જ બિચારીને. સાવકી માં પાસે જીવતી હતી. એના ભાઈના છોકરા ને કોઈ છોકરી મળતી નતી એટલે રશ્મિની સાવકી માં એ 2 લાખ રૂપિયા લઈને રશ્મિને એના ભાઈના છોકરા ના સાટે સગાઈ કરી દિધી.”

“પછી….?” મારી નવાઈ નો પાર નહોતો રહ્યો.

“પછી શું એ દિવસે રાઘવ ત્યાં આવીને બેઠો હતો એ રશ્મિની રાહ જોતો હતો. એ દિવસે બંનેએ ઘરથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. રાઘવ ચિંતાતુર થઈને બેઠો હતો 10 વાગ્યાનો સમય આપ્યો હતો પણ 12 વાગ્યા સુધી રશ્મિ આવી જ નઈ…..”

ચોકીયાત જાણે ભૂતકાળ માં ડોકિયું કરીને જોતા હોય એમ એ બાંકડા તરફ નજર કરીને બોલી રહ્યા હતા.

“1 વાગ્યો પણ રશ્મિ આવી જ નઇ. રાઘવ ભૂખ્યો તરસ્યો અહીં જ બેસી રહ્યો રાત્રે મેં એને ખૂબ સમજાવ્યો ત્યારે ગયો. રશ્મિ તો ન આવી પણ બીજા દિવસે તો રાઘવ પણ ન આવ્યો.”

“કેમ?”

“એનો જવાબ તો એની પાસે છે. પણ પછી ત્રીજા દિવસે રાઘવ સવારે 9 વાગ્યે આવ્યો અને રાતના 9 સુધી અહીં બેસી રહ્યો. પછી ચોથા દિવસે પણ સવારે 9 વાગે આવીને રાત સુધી બેસી રહ્યો પણ રશ્મિ આવી જ નહીં.”

“તો રાઘવ ભાઈએ રશ્મિની તપાસ ન કરી?”

” એ સવાલ નો જવાબ પણ એના પાસે જ છે.” ચોકીયાતે એક નિશાશો નાખ્યો. ના એનાથી નંખાઈ ગયો…..

“આભાર” કહી હું તરત નીકળ્યો રાઘવ પાસે ગયો.

“તમે રશ્મિની તપાસ કેમ ન કરી?” મેં પૂછ્યું.

“હિંમત નતી.” મને અજાણ્યાને પણ રાઘવે જાણે વર્ષો થી એ મને જાણતો હોય એમ જવાબ આપ્યો.

“કેવી હિંમત?”

” લગભગ તો એ વફાદાર હતી પણ જો તપાસ કરું અને ખબર પડે કે એની કોઈ મજબૂરી ન હતી તો…..” કહી રાઘવ ત્યાંથી ચાલ્યા ગયા….

હું ત્યાં જ બેસી રહ્યો….. ક્યાય સુધી ફુવારાના પાણી ના બિંદુઓ ફૂલો ઉપર પડતા જોઈ રહયો. મને થયું હું રશ્મિની તપાસ કરું. પણ એ વાત ને 10 વર્ષ થઈ ગયા એ વફાદાર હોય તો પણ હવે એના લગન થઈ જ ગયા હશે. મારી પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. થોડી વાર પછી સંદીપે આવીને હાથ માં મોબાઈલ ઉછળતા કહ્યું ” ચાલ વિકી…..”

પછી મારો ચહેરો જોઈ એણે પૂછ્યું “તું રડે છે વિકી? આઇ કાંટ બિલિવ ઇટ.” જાણે હું માણસ ન હોઉં એક મશીન હોઉં એમ મને રડતો જોઈને એને નવાઈ લાગી.

મેં સંદીપ ના હાથ માંથી મોબાઈલ ઝૂંટવી લીધો નંબર ડાયલ કર્યો…. રિંગ વાગતી રહી…. અચાનક અવાજ સાંભળાયો

“હલ્લો…. કોણ?”

“સોરી પ્રિયા મેં આજ સુધી તને…… હું…..” હું આગળ બોલી ન શક્યો……. ત્યાંજ બાંકડા પર બેસી પડ્યો. સંદીપે જાણે પથ્થર ને પીગળતો જોયો જોય એમ મને જોઈ રહ્યો………

આવી અન્ય વાર્તાઓ વાંચવા માટે મારા વ્હોટ્સ એપ નમ્બર 9725358502 ઉપર મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો….. ઉપેક્ષિતના જય શ્રી કૃષ્ણ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.