શું માણસ પોતાના પ્રાણ ની કિંમત આટલી ઓછી સમજી રહ્યો છે?

Please log in or register to like posts.
News

આત્મહત્યા નો તો આજકાલ એક ખાસ ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. માણસ ભૌતિકતાવાદી સુખો ની પાછળ ગાંડાઘેલો થઈને દોડ્યો છે અને પોતા ની માણસ તરીકે ની ઓળખ મટાવી ને એક મશીન થઇ ગયો છે. પ્રેમ માં નિષ્ફળતા મળે એટલે નસો કાપી દેવા ની, અલ્યા ભાઈ જિંદગી છે 7 બિલિયન લોકો આ દુનિયા માં છે કોઈક નું કોઈક મળી જશે. ભણવા માં નાપાસ થાવ તો લટકી જવાનું,અરે કેમ ભૂલી જાઓ છો કે ભણ્યા વગર ના માણસો પણ સફળ ઉદ્યોગપતિ થયા છે અને ભણેલાઓ એ એમના ત્યાં નોકરી કરી છે.

NCRB (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો) નો 2015 નો રિપોર્ટ જોઈએ તો ભારત માં કુલ 1,33,623 આત્મહત્યા થઇ છે. ચિંતા નો વિષય છે કે આ આંકડો છેલ્લા 5 વર્ષ થી લગભગ સરખો રહે છે.(બહુ બહુ તો 2000 ની વધ ઘટ થાય છે.) અને વધુ ચિંતાજનક વિષય એ છે કે મહારાષ્ટ્ર,તમિલનાડુ,કર્ણાટક,તેલંગણા,મધ્યપ્રદેશ અને બંગાળ માં 10000 કરતા વધુ આત્મહત્યા થઇ છે. આ એ જ રાજ્યો છે જ્યાં સાક્ષરતાનો દર લગભગ 75 થી 85 ની વચ્ચે છે.

આમ વાત કરીએ તો આત્મહત્યા કરનારા કુલ 13.8% લોકો જ અભણ છે બાકી ના માં 7.4% વિષે ની ખબર નથી અને 78.8% લોકો સાક્ષર છે. દેશ માં સાક્ષરતા 74% છે અને સાક્ષરો નો આત્મહત્યા માં ફાળો 78.8% છે. અને 26% નિરક્ષર માં થી આત્મહત્યા કરનારા માત્ર 13.8% લોકો જ છે.( અહીં અર્થ વિકૃત થવા ની સંભાવના છે. કુલ 100 લોકો એ આત્મહત્યા કરી તો તેમાંથી 78.8% લોકો સાક્ષર છે. એનો મતલબ એમ નથી થતો કે 100 સાક્ષર માં થી 78.8% લોકો આત્મહત્યા કરે છે.)

આપણે આત્મહત્યા રોકી શકીએ તેવું વાતાવરણ પૂરું પાડવા માં કદાચ પાછળ પડ્યા છીએ. વાત વાત માં ટેન્શન લેવાની, સ્ટ્રેસ લેવાની અને ગુસ્સો કરીને અંતિમ પગલું ભરવા ની આપણને એક આદત થઇ ગઈ છે કે પછી આપણી લાઈફ-સ્ટાઈલનો એક ભાગ બની ગયો છે. TV તથા ઈન્ટરનેટ મારફતે મગજ માં વારંવાર આવા દ્રશ્યો માણસ ના મગજ માં ઠોસી દેવા માં આવે છે.

આત્મહત્યા કરવાના જો કોઈ બે મુખ્ય કારણો લખવા હોય તો તે છે:- 1. દેવું  2. પ્રેમ. સિરિયલો અને બોલિવૂડ એ ભારત ના સુખી સંસાર ની ઘોર ખોદી નાખી છે. પ્રેમ ના મળે એટલે નસો કાપી નાખવી ને ધાબા કે બ્રિજ પર થી છલાંગો મારી દેવી આ વસ્તુ સિરીયલો દ્વારા આપણા મગજ માં જાણે-અજાણે ઠૂંસી દેવા માં આવે છે અને તેનાથી આવી પરિસ્થિતિ માં ફસાયેલા લોકો આવું જ પગલું ભરી બેસે છે.

એક વાર સુભાષબ્રિજ પર થી જવાનું થયુ. જોયું તો સંપૂર્ણ બ્રિજ ની ઉપર જાળી નાખી રહ્યા છે. મેં મજાક માં જ ભાઈબંધ ને કહ્યું કે જુઓ પ્રેમ આ લોકો કરે અને જાળી જેવા ખોટા ખર્ચ ટૅક્સપેયર ના માથે આવે. લોકો હવે તો પ્રેમ ને લક્ષ્ય સ્વરૂપે જોવા લાગ્યા છે કે આ નહીં મળે તો જીવન જ પૂરું થઇ જશે.

અમુક સ્વાયત સંસ્થાઓ અને NGO એ આ આત્મહત્યા ઓછી થાય તે અંગે થોડા ઘણા પ્રયાસ હાથ ધર્યા છે. પણ એમની સૌથી મોટી ખામી એ છે કે તેમની અસર માત્ર એક નાના વિસ્તાર કે કોઈ શહેર કે બહુ ગણીએ તો કોઈ રાજ્ય પૂરતી જ હોય છે. તેથી દરેક જગ્યા એ આ પ્રકાર ની સહાય અને માર્ગદર્શન મળવું થોડું અઘરું હોય છે.

કહેવા ની વાત એમ છે કે આપણે નવા અને મોટા મંદિરો અને સંપ્રદાયો બનાવી ને ભગવાન ની પૂજા તો કરીએ છીએ. પણ જીવતા માણસ ની ઉપેક્ષા કરવા લાગ્યા છીએ. જો કોઈ માણસ ની જિંદગી બચશે તો તેના કરતા મોટું પુણ્ય કોઈ હોઈ ના શકે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.