દીકરાનું ઘર – દરેક યુવાન કપલે વાંચવા જેવી સ્ટોરી

Please log in or register to like posts.
News

”પ્લીઝ, મમ્મી હવે એને ઇમોશનલી બ્લેકમેઇલ ન કરતાં. તારા માટે અમે શું શું નથી કર્યું? એવા લાગણીવશ શબ્દો બોલી એને પાછો પાણીમાં ન બેસાડી દેતા. તમે જાણો છો કે, આવડાં નાનકડાં ઘરમાં હવે આપણે બધાએ રહેવું મુશ્કેલ છે.” ચાનો ઘૂંટડો ભરતા સારિકાએ કહ્યું.

”આ બે બેડરૂમનું ઘર હવે તને નાનું લાગે છે બેટા?” લતાબેને નિ:સાસો નાંખ્યો.

”જો, શ્રવણ… મને કોઇ વાંધો નથી. તને જે યોગ્ય લાગે તે. તને બે ઓપ્શન આપેલા જ છે. પસંદગી તારે કરવાની છે. મને મારો સામાન પેક કરતા વાર નહીં લાગે. મારા ભાઇના ઘરે કોઇ ખોટ નથી.” ચાનો કપ ઠોકી ગુસ્સો દર્શાવતી સારિકા બોલી.

પણ શ્રવણ તો કાંઇ જ બોલ્યા વગર ડાઇનિંગ ટેબલ પર પડેલા ચાના કપમાં ખૂંપી ગયો છે. ચા ઠંડી થઇ ચુકી છે. મલાઇની તર જામી છે, જાણે શ્રવણનાં હૃદયમાં તરતી લાગણીઓ.

શ્રવણ વિચારનાં વંટોળ વચ્ચે વીંટળાઇ ચૂક્યો છે: ”આજ સુધી લાડકોડથી ઉછેરનાર માને હું વૃદ્ધાશ્રમમાં… મારાથી નહીં બને. સારિકા પણ ક્યાં નથી જાણતી કે, એક કારકુનની નોકરીમાંય પપ્પાએ મને કોઇ ખોટ વર્તાવા દીધી ન હતી. એન્જિનીઅર બનાવ્યો, પી.એફ.માંથી આ મકાન ખરીદ્યું, પ્રેમલગ્ન કરવાની પણ મંજુરી આપી અને પરણાવ્યો. છેલ્લા સમયે કહ્યુ હતું કે, ‘બેટા, તારી મમ્મીને સાચવજે, જેટલો એણે તને સાચવ્યો છે.’ અને હું?”

” બેટા! મારે હવે કેટલું? તારા પપ્પા બોલાવે એટલી રાહ જોઇને બેઠી છું. અને હા, ત્યાં મારા જેવા ઘરડાં લોકો જોડે મને વધારે ફાવશે. ખોટો જીવ ન બાળ!” પરિમલભાઇની છબી સામે નજર સ્થિર કરતાં લતાબેન બોલ્યા.

” વાહ! ચાલુ થઇ ગયુ. હવે પત્યું. શ્રવણને લાગણીઓમાં ડૂબાડી દઇ વાત જ ઉડાડી દેવડાવશે. પણ, જો શ્રવણ…” શ્રવણની આંખમાં લાલાશ જોઇ સારિકા સહેજ અટકી. પણ પાછી ”મેં રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. કાલે જવાનું છે. નહીં તો હું કવનને લઇ…” વચ્ચે અટકી. પાછી માખી બણબણે તેવું કંઇક બણબણતી રસોડામાં ચાલી ગઇ.

લતાબેન પણ ઉઠ્યા. શ્રવણ પણ ઑફિસે જવા નીકળ્યો. ઑફિસે આજે શ્રવણથી કામમાં કાંઇ ધ્યાન ન અપાયું. રાત્રે મોડેથી ઘરે આવ્યો અને જમ્યા વગર જ પોતાના રૂમમાં સુવા જતો રહ્યો. મોડી રાત સુધી સુઇ ન શક્યો. વહેલી સવારે આંખ મળી ત્યાં તો સારિકાએ ઉઠાડ્યો, ”ચાલો ઊઠો. કવન સુવે છે ત્યાં સુધી મૂકી આવો મમ્મીને, નહીંતર ખોટી જીદ પકડશે સાથે આવવાની.” કહી, કોઇ પણ જવાબની રાહ જોયા વગર એ બેડરૂમમાંથી બહાર ચાલી ગઇ.
રવિવાર હોવાથી કવન હજી સુતો છે. લતાબેનનાં આગ્રહને વશ થઇને શ્રવણે ભારે હૃદયે સામાન ઉંચકી ડિકીમાં મૂક્યો. મોટરમાં બેસી મોટર સ્ટાર્ટ કરી. લતાબેન પણ ગોઠવાઈ ગયા. મોટર ઊપડી. સારિકાને જાણે ખુશીનો ઉમળકો આવ્યો.

આખા રસ્તે મા-દિકરો બંનેમાંથી કોઇ કંઇ જ ન બોલ્યું. શ્રવણને લાગ્યું- ‘આ ભેંકાર શૂન્યતા પોતાને બાહુપાશમાં લઇ મસળી નાંખશે.’ વૃદ્ધાશ્રમે પહોંચ્યા. દરવાજે મોટર ઉભી રાખી. બંને ઊતર્યા. દરવાજે મોટું બોર્ડ હતું – ”દીકરાનું ઘર”

હજી બંને વચ્ચે કોઇ જ સંવાદ નથી. શ્રવણમાં ચાલવાની જાણે હિંમત જ નથી. ઢસડાતાં પગે તે સૂનમૂન સામાન ઊંચકી ચાલે છે. સામેની દીવાલ પર નજર પડી. લખાણ છે:

”લઈ માટીને તેં ચાકડે મૂકી,

ઘડી મૂર્તિ સુંદર આકારની;

રંગ કર્યો તેને નિર્દોષતાનો,

ભરી નાટ્યકલા ભારોભારની;

છળકપટ ભર્યુ ઠાંસી-ઠાંસી,

ન ખોટ રાખી તલભારની;

સાંભળી બોલ્યા ભગવાનશ્રી :

મૂર્તિ તો ઘડી માણસની, પણ;

તેમાં ખોટ રાખી માણસાઇની.”

શબ્દેશબ્દ તેના હૃદયમાં ભાલાની અણીની જેમ ખૂંચવા લાગ્યા. પોતે ગૂંગળાવા લાગ્યો. અસહ્ય વેદના અંદરથી જાણે તેને કોરી ખાવા માંડી. હમણાં જ ફસડાઇ પડશે તેમ લાગ્યું. લતાબેન દિકરાની આ સ્થિતિ કળી ગયા. કાર્યાલય નજીક જ હતું, ત્યાંથી જ શ્રવણને વળાવી દઇ કાર્યાલય તરફ ચાલ્યા. શ્રવણ પણ કંઇ બોલ્યા વગર જ પાછો વળ્યો. બોલવા માટે શબ્દ જ ક્યાં હતા તેની પાસે? ચાલતા ચાલતા સામેની દીવાલ પર નજર ગઇ.

સુંદર લખાણ – ”માનો સ્પર્શ એટલે દરિયાનાં મોજાની છાલકનો અનુભવ”

”સમુદ્રમંથનથી

ઉપજેલ અમી

એટલે મારી બા”

કોમળ આ વાક્યો તેને ભોંકાવા લાગ્યા. મહાપરાણે તે બહાર નીકળ્યો. મોટરમાં બેઠો. હંકારી. વિચારોએ પાછો એને ભરડામાં લીધો – ”શું લગ્નસંબંધ આગળ મા-દિકરાનો સંબંધ કાંઇ નહિ? સારિકા પહેલાં તો આવી ન હતી અને હવે કેમ આમ? મારી સ્થિતિનો અંદાજ પણ લગાવી શકતી નહિ હોય? પ્રેમલગ્ન કર્યા હતા, હવે એ પ્રેમ ક્યાં?” ઘર તરફ જવાનું તેને મન ન થયું. રસ્તામાં આવતાં કામનાથ તળાવે જઇ બેઠો.

એકાંત હતું.

દર્દનો જ્વાળામુખી ફાટ્યો અને અશ્રુનો લાવારસ ઊભરાયો. પોતાના પુરુષત્વથી લાગણીઓના પૂરને રોકી ન શક્યો. હૃદય ઠલવાઈ ગયું. હળવો થયો. મોટરમાં જઈ લંબાવી દીધું.

કવન ઊઠીને ચા-નાસ્તો કરવા બેઠો હતો. તેણે સારિકાને પુછ્યું : ”મમ્મી… પપ્પા અને બા ક્યાં છે?”

સારિકા ગૂંચવાઇ. શું કહેવું ન સુઝતા, ” બેટા! એ તો ફરવા ગયા છે.”

” મને ને તને મુકીને? ક્યાં?”

”’દીકરાનું ઘર’ છે ત્યાં.” સારિકાએ સુધાર્યું.

”કેમ?”

” બેટા! ત્યાં તો સારું-સારું ખાવાનું મળે, નવાં-નવાં કપડાં આપે, બધાં સાથે રમવાનું મળે. ત્યાં ‘બા’ને ખૂબ મજા આવશે અને હવે એ ત્યાં જ રહેવાનાં છે એટલે પપ્પા એમને મૂકવા ગયા છે.”

”એમ? ત્યાં બહુ મજા આવે?”

” હા.”

”સારું, તો મમ્મી! હું મોટો થઇશને ત્યારે તને પણ ત્યાં મૂકવા આવીશ, હોં!”

સારિકાને પગ તળેની જમીન સરકતી લાગી. કવનની જીભે જાણે ભવિષ્યવાણી થઇ. સારિકા લાકડું બની ગઇ…..!!

લેખક :- નરેંદ્ર ચૌહાણ

Source: Gujarati Kalam

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.