આવી ગઈ છે રાણી પદ્માવતી… ફર્સ્ટ લૂકમાં દીપિકા પદુકોણ રાજપૂત અવતારમાં

Please log in or register to like posts.
News

નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ એમની આગામી નવી ફિલ્મ ‘પદ્માવતી’નું ટીઝર પોસ્ટર ગઈ કાલે રિલીઝ કર્યા બાદ આજે ફિલ્મનું ફર્સ્ટ લૂક જાહેર કર્યું છે.

ફર્સ્ટ લૂકમાં દીપિકા પદુકોણને રાજપૂત ઠસ્સા સાથે રજૂ કરવામાં આવી છે. દીપિકા ફિલ્મમાં રાણી પદ્માવતીની શિર્ષક ભૂમિકા કરી રહી છે.

ફર્સ્ટ લૂકમાં દીપિકા અસ્સલ રાજપૂત રાણી જેવી જ ઠસ્સાદાર દેખાય છે.

ફિલ્મ આ વર્ષની પહેલી ડિસેંબરે રિલીઝ કરાય એવી ધારણા છે.

ભણસાલીએ ‘પદ્માવતી’ તરીકે દીપિકાનાં ત્રણ લૂક રિલીઝ કર્યા છે.

ઈતિહાસવિદ્દોનું કહેવું છે કે રાણી પદ્માવતી બીજી કોઈ પણ રાણીઓ કરતાં ખૂબ જ સુંદર હતી.

ફર્સ્ટ લૂકમાં દીપિકાને પરંપરાગત રાજવી રાજપૂત સાડીમાં સજ્જ થયેલી બતાવવામાં આવી છે. એને રાજપૂત જમાનાની જ્વેલરી, બોદલા/દામણી (સેંથી આગળ બંધાતું ઘરેણું), નેકલેસ, ઝૂમખા, બંગડીઓથી પણ શણગારવામાં આવી છે.

આ ફિલ્મ રાણી પદ્માવતીનાં જીવન પર આધારિત છે.

આ ફિલ્મમાં દીપિકા પદુકોણ શિર્ષક ભૂમિકામાં છે. તે ઉપરાંત રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીના રોલમાં છે અને શાહિદ કપૂર રાજા રાવલ રત્નસિંહની ભૂમિકામાં છે. ફિલ્મમાં રાજા રત્નસિંહ પદમાવતીનાં પતિ હતા.

આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તાના મામલે ત્યાં મારપીટ થઈ હતી. અમુક સંગઠનોએ પદ્માવતીનાં ચરિત્ર સાથે ચેડાં કરવાનો આરોપ મૂકીને શૂટિંગના સેટ પર જઈને તોડફોડ કરી હતી અને ભણસાલીની મારપીટ કરી હતી. તે સંગઠનોને પદ્માવતી અને ખિલજી વચ્ચેનાં પ્રણય દ્રશ્યો સામે વાંધો હતો એવું કહેવાય છે. ભણસાલીએ તે હુમલા બાદ રાજસ્થાનમાંથી એમનું શૂટિંગ બંધ કરી દીધું હતું.

અલાઉદ્દીન ખિલજી અને પદ્માવતી વચ્ચેના પ્રસંગ વિશે સૂફી કવિ મલ્લિક મુહમ્મદ જાયસીએ 1540ની સાલમાં લખ્યું હતું. કહેવાય છે કે ખિલજી પદ્માવતી પર લટ્ટુ થઈ ગયો હતો અને એને મેળવવા માટે ચિતોડગઢ પર હુમલો કર્યો હતો. જોકે એ રાની પદ્માવતીની હયાતીમાં એને મેળવી શક્યો નહોતો.

રણવીર સિંહે એના ટ્વિટર પેજ પર ફર્સ્ટ લૂકની જાહેરાત કરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.