in ,

મીણબત્તી ફૂંકી બર્થ ડે ઉજવો છો? જોખમી છે

આપણી ભારતીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે. તે દિવસેને દિવસે સાબિત થઈ રહ્યું છે. પરંતુ પશ્ચિમનું ખોટું અનુસરણ કરવાની એક ખોટી માનસિકતા ઘર કરી રહી છે. લગ્નથી લઈને મરણની વિધિઓમાં પશ્ચિમની પદ્ધતિથી ઉજવવાની ખોટી પરંપરા પડી છે. પ્રસંગોનાં નામના બદલે હવે તો આમંત્રણ પત્રિકામાં નામ પણ અંગ્રેજી રખાઈ રહ્યાં છે, જેમ કે સીમંતના પ્રસંગની આમંત્રણપત્રિકામાં બેબી શાવર લખાય છે. આ વાત ખોટી છે. જોકે આપણે એ વાતની ચર્ચા અહીં કરવી નથી.

આપણે ત્યાં જન્મદિવસની ઉજવણી અલગ રીતે થાય છે જેમાં ભારતીય સંસ્કારો ઝળકી ઉઠે છે. આપણે જન્મદિવસના દિવસે પૂજા કરીએ છીએ, માતાપિતા, વડીલોને પગે લાગીએ છીએ, મંદિરે દર્શન કરવા જઈએ છીએ, ગાય માતાને ઘાસ નીરીએ છીએ, ગરીબોને દાન કરીએ છીએ. આપણે દીવો પ્રગટાવીએ છીએ. લાડુ વગેરે પોષક આહાર ખાઈએ છીએ. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા લોકો પશ્ચિમની ખોટી રીતરસમોને અપનાવવા લાગ્યાં છે જેમાં જન્મદિવસ ઉજવવાનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમમાં જન્મદિવસ રાત્રે મનાવાય છે, કારણકે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ રાત્રે બાર વાગે તારીખ બદલાય છે. જયારે ભારતમાં તિથિ મુજબ જન્મદિવસ ઉજવાય છે. પશ્ચિમમાં કેક મગાવાય છે જેના પર મીણબત્તી લગાવીને તેને પ્રગટાવી પછી ફૂંક મારી ઓલવી નાખવામાં આવે છે. તે પછી કેકને છરીથી કાપવામાં આવે છે. અને જન્મદિવસ હોય તે વ્યક્તિ તેની પ્રિય વ્યક્તિને કેકનો ટુકડો ખવડાવે છે. હવે તો લોકો એવું શીખ્યાં છે કે કેક ખાવાના બદલે મોઢે ચોપડી મસ્તી કરવાની. આનાથી હાથ, મોઢું બધું ગંદુ થાય છે અને કેક ખાવાના બદલે તેનો બગાડ થાય છે. આ જ લોકો દિવાળી પર ફટાકડા ફોડવાના બદલે, શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચડાવવાના બદલે, ગરીબ બાળકોને દાન કરવાની સૂફીયાણી સલાહ આપતા સંદેશાઓ વોટ્સએપ પર પ્રસારિત કરે છે.

આવા લોકો પશ્ચિમની જ વાત માને છે. અને હવે પશ્ચિમનું જ એક સંશોધન કહે છે કે જન્મદિવસે મીણબત્તી પર ફૂંક મારવું આરોગ્યપ્રદ નથી. મીણબત્તીને ફૂંક મારવાથી મોંઢાના બેક્ટેરિયા કેક પર ચાલ્યાં જાય છે.

દક્ષિણ કેરોલીનામાં ક્લેમ્સન યુનિવર્સિટીનાં સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે ફૂંક મારતી વખતે લાળમાં હાજર બેક્ટેરિયા જયારે જન્મદિવસના કેક પર ફેલાય છે તો કેકમાં લગભગ ૧,૪૦૦ ટકા બેક્ટેરિયા વધી જાય છે. ડૉ. પૌલ ડાવસને પોતાના સ્નાતક વિદ્યાર્થીઓ સાથે આ અધ્યયન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ભયંકર નિષ્કર્ષથી તેમને ખાદ્ય સુરક્ષા વિશે વિચારવા મજબૂર કર્યા હતા. તેમને તેમની દીકરી સાથેની વાતચીત દરમિયાન આ વિચાર આવ્યો.

જોકે ડૉ. પૌલ ડાવસન મુજબ આ ગંભીર ચિંતાનો વિષય આરોગ્યની દ્રષ્ટિએ નથી. પણ હજુ એ સંશોધન કરવું જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો ફૂંક દ્વારા ચેપ કેક પર પ્રસરી તે કેક ખાનારાને ચેપ લાગી શકે છે કે કેમ. આમ તો એમ કહે છે કે મોંઢાની હવાથી પણ ચેપી રોગો ફેલાઈ શકે છે તો આના માટે અલગ સંશોધન કરવાની જરૂર નથી. સામાન્ય લોજિકની વાત છે. પરંતુ જેનો જન્મદિવસ હોય તે જો બીમાર હોય તો તેના દ્વારા ફૂંક મારવાથી કેક પર ૧,૪૦૦ ટકા બેક્ટેરિયા વધી જાય અને તે કેક અનેક લોકો ખાય તો સ્વાભાવિક જ રોગ પ્રસરવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.

સરવાળે પશ્ચિમ વિજ્ઞાનના સંશોધનો પણ એ દિશા તરફ વાત લઈ જાય છે કે આપણી ભારતીય પદ્ધતિ વિજ્ઞાનની રીતે પણ સાચી હતી અને છે.

Source: Chitralekha

ટિપ્પણી

ઘરમાં જો બા ન હોય તો આ દાદા રડી પડે

😇 શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન 😇