ભાઈ – બહેન

Please log in or register to like posts.
News

“એ ય ભીખારણ, ચલ અધી જા અહીંથી….” મીઠાઈની દુકાનમાંથી શેઠ હીરાલાલની ત્રાડ સાંભળી સોનલ ડરી ગઈ.

“સાહેબ, થોડું આપો ને મારો ભાઈ ભૂખ્યો છે સવારથી….” પોતાના નાનકડા ભાઈને તેડીને ઉભી ગરીબ સોનલ આજીજી કરવા લાગી.

“મફતમાં કાઈ ન મળે સમજી…..” હીરાલાલે ફરી આંખ બતાવી અને પોતાની બેડોળ ફાંદ જુલાવી ખુરશીમાં પડતું મૂક્યું.

“સાહેબ હું કચરા પોતું કરી દઉં દુકાનમાં તો?” સોનલ છલોછલ આંખે બોલી.

ફાટેલ કપડાં એ પણ મેલાડાટ, નારિયેળની છાલ જેવા ધોયા વગર ગૂંથાઈ ગયેલા વાળ, ચહેરા ઉપર ચોંટેલી અમદાવાદની ભીડથી ઊડતી ધૂળ, સુકાયેલું શરીર ને એક તૂટેલો દાંત જે બોલતી વખતે દેખાતો હતો એ બધું એક જ નજરમાં હીરાલાલે જોઈ લીધું પછી કહ્યું, “તું શું સફાઈ કરીશ? તારા હાલ તો જો?”

સોનલના મનમાં પણ એજ સવાલ થયો કે સાહેબ મારો હાલ તો દેખો! પણ તેર વર્ષની સોનલ સમજી ગઈ હતી કે અહીં કહેવાનો કોઈ અર્થ નથી!

“તો હું આ ઓટલો સાફ કરી દઉં? દુકાનમાં પગ નહિ મુકું બસ.” સોનલે કહ્યું.

“ઠીક છે.” કહી હીરાલાલે ઉભા થઈને સાવરણી એને આપી.

સોનલે એના નાનકડા ભાઈને બાજુની બંધ દુકાનના ઓટલા પર બેસાડ્યો “ઊંઊં……. મારો ભાઈ લો……. રડતો નહિ હો…… હું આવી કે આવી……”

સોનલે જોત જોતામાં ઓટલો સાફ કરી દીધો. હીરાલાલને થયું દુકાન આગળનો રોડ પણ સાફ કરાવી દઉં.

“આ આગળનો રોડ પણ સાફ કરીદે છોકરી……”

“હા સાહેબ.” કહી સોનલ રોડ સાફ કરવા લાગી. ત્યાં જ એક છોકરો આવ્યો અને હીરાલાલને કહ્યું, “મામા મામા…… મમ્મીએ કહ્યું છે પાંચસો ગ્રામ ગાજરનો હલવો અને પાંચસો રસગુલ્લા આપો.”

હીરાલાલે પાંચસો ગ્રામ હલવો અને પાંચસો ગ્રામ રસગુલ્લા તોળીને આપ્યા. છોકરો રાજીના રેડ થતો પૈસા આપ્યા વગર જ દોડી ગયો.

છોકરો થોડો આઘો ગયો એટલે હીરાલાલ દાંત ભીંસીને બરાડ્યા, “આ મારી બેન નર્મદા શુ કામ અહીં રહેવા આવી હશે? ત્યાં પડી હતી ત્યાં જ રહી હોત તો સારું. જ્યારે મહેમાન આવે મારા દુકાને મફત લેવા હેડી આવે છે. નહિતર ચંપક ને મૂકે છે.”

“સાહેબ, દેખો સફાઈ થઈ ગઈ.” ફાટેલા કપડાંની કોરથી મોઢું લૂછતાં સોનલ બોલી.

“હા હવે સાવરણી ઓટલા પર મૂકી દે ને લે આ જલેબી ફાફડા બસ.”

“હા સાહેબ.” કહી સોનલે જલેબી ફાફડાનું પડીકુ લઈ લીધું અને સાવરણી ઓટલા ઉપર મૂકી દીધી.

“ઉલુંલુ….. મારો ભઈલો ડાયો….” કહી પડીકું ખોલી જલેબીનો ટુકડો ભાઈના મોઢામાં નાખ્યો. ગળી જલેબી નાનકડો છોકરો ખાવા લાગ્યો અને સોનલ એને ખવડાવતી રહી.

બીજી તરફ હીરાલાલ હજુ નર્મદા અને એના બનેવી સૂરજને બોલતા હતા. “સાલા સૂરજને આ એરિયામાં નોકરી ન મળી હોત તો આ બલા મને ન મળોત!”

સોનલ જાણે એ શબ્દો સાંભળવા ન માંગતી હોય, જાણે એ શબ્દોની અસર નાનકડા ભાઈ ઉપર ન પડે એ માટે પડીકું વાળીને ભાઈને તેડીને ત્યાંથી ચાલવા લાગી!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.