બંટુડો

Please log in or register to like posts.
News

આ બંટુડો બેટો, તોફાનીનો સરદાર, આજ સવારથી મારો જીવ લઈ ગયો છે. બહુ લાડ કર્યાં માળાને, બેટા, બેટા, ભાઈ, ભાઈ, કરીકરીને, પણ આજ તો હવે એને પણ બતાવી દઉં કે મમ્મી એમ સાવ ઢીલીપોચી નથી કે એ નચાવ્યા કરે એમ નાચ્યા કરે. એક તો માંડ માંડ દૂધ પિવડાવવા માટે ગમે તેમ કરીને ખેંચી લાવી તેની રમતમાંથી ને દમ મારીને બેસાડ્યો બાજુમાં ને જેવી જરીક દૂધ લાવવા રસોડામાં ગઈ કે ભાઈ ગાયબ ! બૂમો પાડી, દોડી પણ કેમે આવે જ નહિ ને ! ‘મમ્મી આવું છું હોં ! આવું હોં,’ કરતો જાય ને એની રમતમાં જ મશગૂલ રહે. મમ્મી સામે જુએ તો એની આંખો દેખી ગભરાય ને ! પણ ગભરાવાનું શીખ્યો હોય તો ને !

બાવડેથી પકડીને ખેંચી લાવી અંદર. એના સાથીદારો તો બધા રફુચક્કર. પણ આ ભાઈ ? એ તરત એમ હાર સ્વીકારે ? એ તો મંડ્યો પગ પછાડવા ને ધમાધમ કરવા : ‘મારે દૂધ નથી પીવું જા ! કોઈ દી નહિ પીઉં હવે. એવી ખરાબ છે ! મારો દાવ…’ રડતો જાય ને બોલતો જાય. પણ હું પણ વીફરી હતી આજ તો. એનું કશુંય ગણકાર્યું નહિ, ને ખેંચી ગઈ રસોડાની બહારના ઓરડા સુધી પણ જેવો દૂધનો પ્યાલો લીધો કે ભાઈ તોફાને ચડ્યા. ‘ઊંહ…ઊંહ…’ કરતો જાય, ને નાચતો જાય, ‘નથી પીવું જા, નથી પીવું જા…’ કરતો કરતો.

ને હું તે દૂધને સંભાળું કે એને ? બેય ગયાં. હાથમાંથી દૂધ ઢોળાઈ ગયું, ને પ્યાલો નીચે પછડાતાં ધબ્બ કરીને ફૂટી ગયો. ને બંટુડો ? હાથમાંથી છૂટ્યો ને દોડવા લાગ્યો. પણ પાંચ વરસનો છોકરો. એમ દોડી દોડીને કેટલેક જાય ? હું પણ એની પાછળ દોડી, ને પકડી પાડ્યો. ખેંચતી ખેંચતી એને પાછી લાવી, ને માંડ બેસાડ્યો ત્યાં બોલ્યો : ‘બીજું દૂધ પણ ઢોળી નાખીશ.’

‘જોઉં છું હું હવે તું કેમ ઢોળે છે એ’ મેં કહ્યું. ત્યાં તો એણે મારા ખોળામાં મેં દાબી રાખ્યો હતો ત્યાંથી જ લાત ઉછાળી ‘આમ’ કહેતાં. પ્યાલો તો ત્યાં નહોતો કે એને વાગે પણ એની લાતથી મારા સાડલાની પાટલી છૂટી ગઈ અને મારા ઉપરથી મારો કાબૂ પણ છૂટી ગયો. ધડ દઈને એક લાફો ચોડી દીધો એના નાનકડા ગાલ પર, તેવો જ એ તો કાબૂ બહાર જવા નાચકૂદ કરવા લાગ્યો કે મારાથી ન રહેવાયું. મેં એને જોર કરીને મારી સામે ઊભો કરી દીધો ને ફટાફટ એને મારવા માંડી. ‘મમ્મીને પણ મારતાં શીખ્યો, કાં ? આજે તારી બધી ખો ભૂલાવી દઉં નહિ, તો હું તારી મમ્મી નહીં.’ કહી ફટાફટ તમાચા ને ઘુમ્મા હું લગાવવા માંડી.

પહેલાં તો એ સામો થવા લાગ્યો; પણ પછી એનું જોર કેટલું ચાલે ? રડ્યો. પણ પછી તો એ રડી પણ શકે નહિ, ને હું એને મારતી અટકી પણ શકું નહિ. બેસી પડ્યો બાપડો જમીન પર, મારા સામે ભયભરેલી આંખે જોતો; પણ હું એને કહેતી જાઉં ‘આજ હું તને જરી પણ છોડવાની નથી. જોઉં છું તું કેમ મારું માનતો નથી એ’ ને ફરી બે સપાટા. ઊંહું ઊહું થાય, પણ રડી ન શકે એ, ને હું એને મારતી અટકી શકુ નહિ. અમારી એ ધમાચકડી બાજુના ઓરડામાં પણ સંભળાઈ હશે એટલે એ દોડી આવ્યા ‘શું છે, શું છે આ બધી રડારોળ ને ધમાલ ?’ કરતા કરતા.
એમનો અવાજ સાંભળી મારા હાથ અટક્યા. ને મારું ધ્યાન એમની તરફ ખેંચાયું. બંટુડો તો નીચે લાંબો થઈને પડ્યો હતો ને ડૂસકાં સિવાય બીજું કશું કાઢતો નહોતો. એના તરફ આંગળી ચીંધી મેં કહ્યું :
‘જુઓ આ તમારા કુંવરનાં પરાક્રમ. હવે મને પણ લાતો મારતો થયો છે, ને દૂધના પ્યાલા પણ ફોડી નાખે છે.’ એમણે પડેલા ગ્લાસ તરફ જોયું. ને મારી સાડીની અસ્તવ્યસ્ત હાલત તરફ પણ જોયું. ને એ લાલચોળ થઈ ગયા. લેટી ગયેલા બંટુને એક ઝાટકો મારીને એમણે ઊભો કરી દીધો ને પોતાની તરફ ખેંચતા બોલ્યા :
‘મમ્મીને મરાય ?’

અર્ધ ડૂસકાભર્યા કંઠે એણે એનું આંસુભર્યું મોઢું હલાવ્યું ને ગરદનથી જ ના પોકારી.

ત્યાં તો એને ઢંઢોળી નાખતાં એ બોલ્યા : ‘હરામખોર, ક્યાંથી શીખ્યો આવું બધું ? દઈ દઉં બે થપ્પડ ?’ મેં જોયું કે બંટુ ધ્રૂજતો હતો અને એમના હાથમાંથી છૂટવા તરફડતો હતો. પણ એ પણ હવે રંગમાં આવી ગયા હતા. માર્યો નહિ એમણે એને, પણ એવો દમ ભિડાવ્યો કે બંટુ બાપડો તદ્દન શિયાવિયા થઈ ગયો. હવે મને એની દયા આવી ગઈ. ફૂલ હતું બિચારું, એને મેં આટલું બધું કચડી નાખ્યું ? અને હવે એ એના ઉપર પગ દબાવી રાખે છે !

દયા બતાવતી હોઉં તેમ મેં કહ્યું : ‘હવે છોડો એને.’ ને એને કહ્યું : ‘કરીશ હવે કોઈ દી તોફાન ? ને મમ્મીને સામે થઈશ કોઈ દી એ ?’ તેનું ગળું અને મોઢું બન્ને રુદનથી એટલાં ભરેલાં હતાં કે, એ મોંએથી હા કે ના કશુંય બોલી શકે તેમ ન હતો. તેણે દયા આવે એવી રીતે ગરદન હલાવીને ના પાડી, ને મોઢું પાછું, રડી ન શકાતું હોય છતાં રડવું હોય એવું કરી દીધું. દયા આવતી હતી મને, પણ એમ દયા બતાવી મારે એને બગાડવો નહોતો એટલે મેં ફરી ડરામણા સ્વરે પૂછ્યું :

‘હવે ચુપચાપ દૂધ પી લેવું છે ?’

એ મારું કહેવું કંઈ સમજ્યો કે નહિ તે ખબર ન પડી પણ પાછું એનું મોં એવી જ દયામણી રીતે ‘ના’માં ફેરવાતું રહ્યું.

‘બી ગયો છે બાપડો’ મને થયું ને આવા દુ:ખમાંયે મને હસવું આવી ગયું. કહ્યું : ‘તો જા છાનોમાનો, ને મોઢું બોઢું ધોઈ આવ.’ ને ઉમેર્યું : ‘ને જો હવે પછી તોફાન કર્યું છે ને મારી સામે….’
‘તો તારું ચામડું ફાડી નાખીશ, હરામખોર.’ એ બરાડ્યા ને એને ધક્કો મારતાં બોલ્યા : ‘જા !’ માંડ માંડ બચીને એ બાથરૂમમાં ઘૂસી ગયો, હાંફતો હાંફતો, ને માંડ શ્વાસ ખાતો ને ડૂસકું શમાવતો. એ અંદર ગયો કે અમે એકબીજાની સામે જોયું. બાથરૂમનું બારણું ફટાક દઈને બંધ થઈ ગયું હતું ને અંદરથી એકધારા ડૂસકાભર્યો રુદનનો અવાજ આવતો હતો. હું ઊભી થવા જતી હતી એ બારણું ખોલવા, ત્યાં એમણે મને રોકી.

‘એને હમણાં બોલાવ મા. રોઈ લેવા દે પૂરું.’

‘બહુ વધારે થઈ ગયું, નહિ ?’ મેં તરડાતે અવાજે પૂછ્યું.
‘મારાથી ધક્કો જોરથી મરાઈ ગયો.’ એમણે કહ્યું, પણ મારી સામે જોયું નહિ. હુંય એમની સામે જોઈ શકી નહિ. નીચે બેસી મારા નખથી જમીન ખોતરવા લાગી. અંદરથી હવે જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો. પણ અમે બંને એકબીજાંને ચૂપ રહેવાની નિશાની કરી મૂંગાં બેસી રહ્યા. મારો જીવ તો એવો વલોવાતો હતો, પણ હવે એમને કે કોઈનેય ન ગમે એવું કશું કરવાની મારી હિંમત નહોતી રહી. અંદરના રોવાના અવાજની સાથે મારી આંખમાંથી અવાજ કર્યા વિના આંસુ સરી રહ્યાં હતાં. અને જરા જોઉં છું તો એમના નીચા નમી ગયેલા ચહેરા ઉપર માત્ર ગમગીની ભરી હતી.

‘આવડો ગુસ્સો, ને એ પણ આવડા નાના છોકરા ઉપર’ એ ગણગણતા હતા, ને હું મને પોતાને મારી નહોતી શકતી એટલે બિચારા બંટુના શરીર ઉપર પડેલા મારનો વ્યાધિ મારા શરીરમાં ભોગવી રહી હતી. પણ ત્યાં… નસીબદાર ! અંદર રોવાનો અવાજ બંધ થયો. અમે બેઉએ એકબીજા સામે જોયું, ને ‘હાશ’ એવી કંઈક લાગણી અનુભવી. ત્યાં તો અંદરથી નળ ખૂલવાનો અવાજ આવ્યો, ને ચાલુ રહ્યો કેટલીયે વાર સુધી ! કેટલું બધું પાણી ઢોળી નાખે છે આ છોકરો, એવું થયું તો ખરું પણ કશું બોલવાની હિંમત ચાલી નહિ. માત્ર મારી નજર એ બાથરૂમના બંધ બારણા તરફ ચોંટેલી રહી. કેટલીયે વાર થઈ ગઈ કોણ જાણે એ નળ બંધ થતાં તો. ને તોય બંટુ નીકળતો નહોતો બહાર. હું ઊભી થઈ બારણું ઠોકવા જતી’તી, કેટલીય વાર પછી, ત્યાં ઓચિંતુ જ બારણું ઊઘડ્યું ને બંટુભાઈ બહાર આવ્યા.

રોતા રોતા નહિ, હસતા હસતા. મોં બરોબર સાફ કર્યું હતું ને વાળ બરોબર ઓળ્યા હતા. ને કપડાં ઉપર પણ ઈસ્ત્રી કરતો હોય તેમ હાથ ફેરવ્યો હશે એટલે એ પણ બહુ ચોળાયેલાં નહોતાં લાગતાં. એવો રૂપાળો લાગતો હતો બંટુડો ! મને તો જઈને એને ભેટી પડવાની ઈચ્છા થઈ, પણ હવે એ શું કરે છે એ જોવાનું એટલું મન થયું કે એ ઈચ્છાને મેં માંડ માંડ રોકી. એ તો જાણે કશું જ ન બન્યું હોય તેમ, દોડતો હોય તેમ મારી પાસે આવી ગયો ને મને વળગી પડ્યો. મેં હેતથી તેને ગાલે હાથ ફેરવી તેને જુદો કર્યો, કે એણે પોતાને ગાલે હાથ ફેરવ્યો, ને માથે વાળ સરખા કરતો હોય તે રીતે ત્યાં પણ હાથ ફેરવ્યો. પછી મારી સામે ઊભો રહ્યો. ટટ્ટાર, આંખમાં આનંદ ભરીને, ને મને કહ્યું :

‘જોયો મમ્મી, મને ? સરસ થઈ ગયો છું, નહિ ?’

હું તો એને વળગી જ પડી. ‘મારો ડાહ્યો દીકરો…’ ને એને એમ બાથમાં લઈને ધબ્બ કરતી જમીન ઉપર બેસી ગઈ. ત્યાં તો એ એના પપ્પા સામે જોઈને બોલ્યો : ‘જોયો પપ્પા, મને ? કેવો લાગું છું હવે ?’
‘અપ-ટુ-ડેટ’ પપ્પા હસવાનો પ્રયત્ન કરતાં માંડ માંડ બોલ્યા, પણ મારાથી તો રોવાઈ જ ગયું.

બંટુ તરત મારા ચહેરા તરફ ફર્યો ને એક પળ આશ્ચર્યથી જોઈ રહ્યો. પછી એની નાનકડી, સુંવાળી સુંવાળી આંગળી મારી પાંપણો ને ગાલ ઉપર ફેરવતાં આશ્ચર્યભર્યા અવાજે કહે :
‘મમ્મી, તું રડે છે ?’

‘હા બેટા.’ હું માંડ માંડ બોલી, ‘તને કેટલો બધો મારી લીધો મેં ?’

તે હસી પડ્યો કહે : ‘એમાં રોવે છે તું ? એમાં શું ?’

‘કેમ ભાઈ, એમાં શું એટલે ?’ એને ફરી મારી બાથમાં જકડતાં મેં પૂછ્યું.

‘તો મમ્મી તો મારે જ ના ? એમાં મમ્મી રડે કંઈ ?’

અમે બન્ને હસી પડ્યાં. એના પપ્પાએ હસતાં હસતાં પૂછ્યું : ‘મમ્મી તો મારે, બંટુ, પણ પપ્પા શું કરે ?’

‘ધમકાવે.’ ને પછી ચાળા પાડતાં બોલ્યો : ‘હવે આવું કર્યું છે તો ચામડું ફાડી નાખીશ, હરામખોર… ને એવું એવું કહે…’

એ એટલું બોલી રહ્યો ત્યાં અમારા બન્ને વચ્ચે એને પોતાની પાસે ખેંચી લેવાની ખેંચતાણ થઈ પડી. ને ત્યાં, અર્ધો એમના હાથમાં અને અર્ધો મારા ખોળામાં ઝૂલતો ઝૂલતો બંટુડો બોલ્યો : ‘મમ્મી દૂધ પાને, એવી ભૂખ લાગી છે !’
સાતે સ્વર્ગના દરવાજા અમારી સામે ખૂલી ગયા.

-ગુલાબદાસ બ્રોકર

વાંચો આવા બીજા સરસ ગુજરાતી સાહિત્ય લેખો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.