જ્યારે નાનકડા ગામના એક શિક્ષકે દીકરીઓને ખો-ખો ચેમ્પિયન બનાવવા ધખાવી ધૂણી

Please log in or register to like posts.
News

નેશનલ ટૂર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલી હડાળાની દીકરીઓ

અમદાવાદ: એક શિક્ષક જ્યારે સમાજમાં પરિવર્તન લાવવા ધૂણી ધખાવે છે ત્યારે તેનું કેવું પરિણામ આવી શકે એ જોવું હોય તો હડાળા(ભાલ) ગામના શિક્ષક ચંન્દ્રસિંહ જાદવને મળવું પડે. આ શિક્ષક અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલા હડાળા ગામની પ્રાથમિક શાળામાં ભણાવે છે. આજથી બાર વર્ષ પહેલા ચંન્દ્રસિંહ જાદવે ગામની શાળામાં ભણતી દીકરીઓને ખો-ખોની રમતના મેદાનમાં તાલીમ આપવાનું શરૂ કર્યું અને આ ગામની દીકરીઓને બાહોશ ખેલાડી બનાવવાનું નક્કી કર્યુ.

આ ધ્યેય પ્રાપ્ત કરવા તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યુ. શાળાના શિક્ષણકાર્ય પછી ચંન્દ્રસિંહ જાદવ રોજ બે કલાક દીકરીઓને ખો-ખોની રમતનું કોચિંગ આપે છે. તેમનો આ સેવાયજ્ઞ છેલ્લા બાર વર્ષથી અવિરત ચાલુ છે. એક શિક્ષકની કર્મનિષ્ઠા સેવાનું પરિણામ હવે મળી રહ્યું છે. હડાળા ગામની દીકરીઓ ખો-ખોની રમતના મેદાનમાં રાષ્ટ્રીયકક્ષાએ તરખાટ મચાવે છે. હડાળા ગામની 12 દીકરીઓ તો નેશનલ મેડલ મેળવી ચૂકી છે.

57 વર્ષના ચંન્દ્રસિંહ જાદવની મહેનતનું પરિણામ એ આવ્યું કે, ગુજરાત રાજ્યની ખો-ખો રમતની ટીમમાં અડધો-અડધ ખેલાડીઓ (દીકરીઓની ટીમ) હડાળા ગામની હોય છે. તાજેતરમાં જ ગુજરાત અન્ડર-17 (ગર્લ્સ)ની ટીમ મણીપુર ખાતે રાષ્ટ્રીયકક્ષાની ખો-ખો રમત રમવા ગઇ હતી. આ ટીમમાં નવ ખેલાડી (પ્લેઇંગ)માંથી છ ખેલાડીઓ હડાળા ગામની હતી. આ ટીમની કેપ્ટન નિખીતા સોલંકી પણ હડાળા ગામની છે. ગુજરાત અન્ડર-17ની ટીમે બ્રોંન્ઝ મેડલ જીત્યો છે અને આ ટીમ ગુજરાત પરત ફરી રહી છે.

હડાળા ગામની દીકરીઓએ પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી

2016માં ગુજરાતની અન્ડર-19 (ગર્લ્સ)ની ટીમે પહેલી વખત રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતી. આ ટીમની નવ પ્લેઇંગ ખેલાડીઓમાંથી પાંચ દીકરીઓ હડાળા ગામની હતી. આ ટીમની કેપ્ટન સંધ્યા સોંલકી પણ હડાળા ગામની હતી. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત એવા ધંધુકા તાલુકા આ ગામમાં પરિવર્તન લાવવું એ કાંઇ નાનીસૂની વાત નથી. હડાળાગામ એવા વિસ્તારમાં આવે છે કે, જેનો મહિલા સાક્ષરતાદર માત્ર 61 ટકા છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતી ચંન્દ્રસિંહ જાદવે જણાવ્યું હતું કે, મોટા-ભાગની દીકરીઓ ગરીબ અને મધ્યમ પરિવારોમાંથી આવે છે પણ આ તમામ દીકરીઓની રમત પ્રત્યેની લગન જબરદસ્ત છે. તેઓ કંઇક કરી દેખાડવા માંડે છે. આ દીકરીઓએ ખો-ખોના મેદાનમાં ખરેખર તેમનું કૌવત દેખાડ્યું છે અને મને એનો ગર્વ છે. મેં જ્યારે દીકરીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યુ ત્યારે મારો ધ્યેય હતો કે, આ દીકરીઓને એવી તૈયાર કરવી કે, રાષ્ટ્રીયકક્ષાએ મેડલ જીતે અને એના આધારે તેમને નોકરી મળી. જો આ દીકરીઓ ખેલાડી બનશે તો શારીરિક રીતે સશક્ત બનવાની સાથે સાથે પગભર પણ બનશે.”

કોઇપણ પ્રકારની વિશેષ સુવિધા વગર અને ટાંચા સાધનો વચ્ચે ચંન્દ્રસિંહ જાદવે આ દીકરીઓને તાલીપ આપવાની શરૂઆત કરી હતી. હડાળા ગામની દીકરીઓએ રાષ્ટ્રીયકક્ષાએ નામ રોશન કર્યું અને સરકાર દ્વારા રમતને પ્રોત્સાહન આપવા માટે એક્સેલન્સી સેન્ટર ફાળવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 15 દીકરીઓ છે અને દરેક દીકરીને દર મહિને સાડા-ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત, ચંન્દ્રસિંહ જાદવ નીચે સ્પોર્ટ્સની તાલીમ પામેલા 100થી વધુ યુવાનો હાલ પોલીસમાં ફરજ બજાવે છે. ચંન્દ્રસિંહ જાદવ ઇચ્છે છે કે, હડાળાની દીકરીઓ વિશ્વકક્ષાએ પહોંચે અને ઉચ્ચત્તમ સ્પોર્ટ્સપર્સન બની અન્ય માટે પ્રેરણારૂપ બને.

વિજયસિંહ પરમાર

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source: News18

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.